દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય

દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દીપોત્સવીનો તહેવાર છે, જે અંધકારને દૂર કરે છે. આપણામાં રહેલ અપૂર્ણતા અને ત્રૂટિઓને દૂર કરે છે એવો છૂપો સંદેશ પણ રહેલ છે. આ પર્વ આપણી આધિ-વ્યાધિને દૂર કરનારું છે.

પ્રકાશનું પર્વ એટલે અંધકાર પર પ્રકાશનો વિજય! આપણે આ પર્વના પ્રકાશની જ્યોતમાં આળસ અને અજ્ઞાનતાથી દૂર થઇ નિત્ય જાગૃત રહીશું તો અજ્ઞાનતારૂપી રાત્રિ દૂર થશે. િદવાળી એ તહેવારોનું ઝૂમખું છે! વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી પડવો (નવું વર્ષ) અને ભાઇબીજ!

આ તહેવારને વધાવવા માટે ગૃહિણીઓ મહિના પહેલાંથી જ ઘરની સાફસફાઇનું કામ આરંભે છે. ઘરને રંગરોગાન અને તોરણો તેમજ દીપમાળાથી શણગારવામાં આવે છે. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારમાં પાંચ દિવસમાં વિવિધ દેવી-દેવતાઓની પૂજાનું અનેરું મહત્ત્વ હોય છે. આ દિવસોમાં લોકો ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને કોઈ પણ અનિષ્ટથી મુક્તિ માટે આરાધના કરે છે.

હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે જે ઘર રોશનીથી ચમકે છે. માતા લક્ષ્મીનું આગમન એ જ ઘરમાં થાય છે.

દિવાળી એ વિક્રમ વર્ષનો અંતિમ દિવસ છે. આ દિવસે સાંજના સમયે વેપારીવર્ગ ચોપડાપૂજન કરે છે તેમજ સાક્ષર લોકો પુસ્તકપૂજન કરે છે. દિવાળી એવો દિવસ છે, જેને હર કોઇ ઊજવવા થનગનતા હોય છે. ઘરઘરમાં દીપમાળાઓ ઝળહળતી જોવા મળે છે તેમજ લોકો ઘર પર રોશની પણ કરે છે!

દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની પણ પરંપરા રહી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્ય અને સામાજિક પરંપરાને નિભાવવાનો અને તે સાથે આનંદ મેળવવાનો દીપોત્સવી તહેવાર છે આ દિવાળી!

દિવાળીના દિવસે માતા લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે તો અનેક લોકો આ દેવી-દેવતાઓની સાથે કુબેરની પૂજા પણ કરે છે. ધન-બુદ્ધિ અને વિદ્યાની ઈચ્છા રાખનારા દિવાળીના દિવસે વિશેષ પૂજા કરે છે. આ દેવ-દેવીનાં પૂજન થકી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથમાં મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ બતાવાયો છે. તેથી કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી ચંચળા છે, ક્યાંય સ્થિર થઈને રહેતાં નથી. તેથી દિવાળીના દિવસોમાં મા લક્ષ્મીનું પૂજન કરીને તેમને પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરવા વિનંતી કરવામાં આવે છે.

લક્ષ્મીપૂજન કરતી વેળાએ એક બાજઠ પર અક્ષતથી અષ્ટદળ કમળ અથવા સ્વસ્તિક દોરવું અને તેના પર લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી.

માતા લક્ષ્મીનું પૂજન કરતા સમયે આ મંત્રનો જાપ કરો, એનાથી માના આશીર્વાદ શીઘ્ર પ્રાપ્ત થાય છે. પૂજન સિવાય આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે ભગવાન ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે અમે પોતાના કાર્ય અને આચરણનું યોગ્ય ધ્યાન રાખીએ.

લક્ષ્મીપૂજા મંત્રઃ એઈમ્ હ્રીં શ્રીં જ્યેષ્ઠા લક્ષ્મી સ્વયંભુવે હ્રીં જ્યેષ્ઠાયૈ નમઃ

આ જ્યેષ્ઠા લક્ષ્મીમંત્ર છે. આ મંત્રના સવા લાખ જાપ કરવાથી એ સિદ્ધ થઈ જાય છે. તે પછી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય દરરોજ નમો ધનદાયૈ સ્વાહા મંત્રના ૧૦૦૮ જાપ કરવા જોઈએ. આમ કરવાથી તમામ સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે.

દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું. કાલિકાપુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો.

દેવો અને મનુષ્યએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો. પાંડવો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું. આ બધા વિજયનો દિવસ લોકોએ દીવા પ્રગટાવી દિવાળીરૂપે ઊજવ્યો.’

રંગોળી’ તો સ્વચ્છતા, શોભા અને સ્વાગતનું પ્રતીક છે. દિવાળી આખરે તો લક્ષ્મીની પૂજાનો તહેવાર છે. ‘લક્ષ્મી’ શબ્દનો અર્થ જ શોભા-સુંદરતા થાય. લક્ષ્મીજીની પધરામણી થાય તે માટે આંગણું સ્વચ્છ-સુંદર રાખવું પડે. વળી, દિવાળીના દિવસોએ સૌનું સ્વાગત કરાય છે.•

You might also like