શેરબજારમાં દિવાળીઃ સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ મજબૂત

અમદાવાદ: રૂપિયામાં રિકવરી અને એશિયા-અમેરિકાનાં બજારમાં મજબૂતીના સંકેતના પગલે આજે શેરબજારની શાનદાર શરૂઆત થઇ હતી. ૨૫૦ પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્લે સેન્સેક્સમાં થોડી જ વારમાં વધુ તેજી આવી હતી અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૪૪.૬૩ પોઇન્ટના ઉછાળા સાથે ૩૪,૯૭૬ અને નિફ્ટી ૧૬૯.૯૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૦,૫૫૦ પર ટ્રેડ કરી રહી છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ જોરદાર લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી પણ એક ટકાથી વધુ મજબૂત થઇ ૨૫,૬૦૦ પર ટ્રેડ કરી રહી છે.

આજના કારોબારમાં નિફ્ટીના તમામ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. એનર્જી, બેન્ક અને ઓટો સેક્ટરમાં જબરજસ્ત તેજી જોવા મળી છે. યસ બેન્કના શેરમાં પાંચ ટકાનો, એશિયન પેઇન્ટમાં પાંચ ટકાનો, બીપીસીએલમાં ચાર ટકાનો, આઇઓસીમાં ૩.૬૭ ટકાનો, હિંદુસ્તાન પેટ્રોલિયમમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ડો. રેડ્ડીઝ, કોલ ઇન્ડિયા, એનટીપીસી અને ટેક મહિન્દ્રા જેવા શેરમાં ૦.૨૫ ટકાથી ૦.૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે એશિયન બજારમાં પણ ભારે તેજી જોવા મળી હતી. યુએસ અને ચીને બંને ટ્રેડ વોરને નરમ કરવા સંકેત આપતાં એશિયન અને અમેરિકન બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

એશિયન બજારમાં નિક્કીમાં ૧.૨૨ ટકાનો, સ્ટ્રેઇટ ટાઇમ્સમાં ૦.૭૮ ટકાનો, હેંગસેંગમાં ૨.૩૧ ટકાનો, તાઇવાન વેકેડમાં ૦.૫૧ ટકાનો, કોસ્પીમાં ૨.૧૫ ટકાનો, શાંઘાઇ કમ્પોઝિટમાં ૧.૨૧ ટકાનો એસજીએક્સ નિફ્ટીમાં ૦.૭૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

એ જ રીતે અમેરિકન બજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સમાં ત્રણ દિવસમાં ૯૦૦ પોઇન્ટથી વધુ ઉછાળો આવ્યો છે. ગુરુવારે અમેરિકન બજાર એકથી ૧.૭૫ ટકા સુધી મજબૂત થઇને બંધ રહ્યાં હતાં.

ડાઉ જોન્સ ૨૬૫ પોઇન્ટ એટલે કે એક ટકાથી વધુ તેજી સાથે ૨૫,૩૮૧ પર બંધ રહ્યો હતો. એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ ૨૮.૬ પોઇન્ટ એટલે કે ૧.૧ ટકાના ઉછાળા સાથે ૨૭૪૦.૪ પર બંધ રહ્યો હતો. નાસ્ડેક ૧૨૮ પોઇન્ટના ઉછાળા સાથે ૭,૪૩૪ પર બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો ૩૫ પૈસા મજબૂત ખૂલ્યો
ડોલર સામે આજે રૂપિયામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતો. ૩૫ પૈસાની મજબૂતાઇ સાથે ખૂલીને રૂપિયો ડોલર સામે ૭૩.૧૦ની સપાટીએ શરૂઆતમાં જોવા મળ્યો હતો. ઘરેલુ સ્તરે અર્થતંત્રના સારા આંકડા, ક્રૂડના ભાવમાં ઘટાડો અને નિકાસકારો દ્વારા ડોલરની વેચવાલીથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે. ગુરુવારે ડોલર ૫૦ પૈસા મજબૂત થઇને ૭૩.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સ
આજના કારોબારમાં યસ બેન્ક, એશિયન પેઇન્ડ, બીપીસીએલ, આઇઓસી, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, મારુતિ, એસબીઆઇ ટોપ ગેનર્સ રહ્યા હતા, જ્યારે ટોપ લુઝર્સમાં વિપ્રો, ટીસીએસ, કોલ ઇન્ડિયા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડીઝ વગેરેનો સમાવેશ થતો હતો.

You might also like