દિવાળીમાં સોનું ૩૩ હજારની સપાટીએ જોવાશે!

અમદાવાદ: આગામી મહિનાથી નવરાત્રિ, દશેરા સહિત દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે. હાલ સ્થાનિક બજારમાં સોનું ૩૧,૫૦૦થી ૩૧,૬૦૦ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યું છે, પરંતુ વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળી રહેલી સુધારા તરફી ચાલ તથા સ્થાનિક બજારમાં જ્વેલરી ઓર્ડર્સ તથા ગ્રામીણ વિસ્તારમાંથી નવી લેવાલી જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ સોનાના ભાવમાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દિવાળી સુધીમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૩૨,૫૦૦થી ૩૩,૦૦૦ની સપાટીએ જોવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સોનામાં ૨૩.૪૩ ટકાનો સુધારો જોવાઇ ચૂક્યો છે, જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦૦૦ રૂપિયાથી વધુનો વધારો જોવાઇ ચૂક્યો છે. એટલું જ નહીં પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ સમયગાળામાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ ૨૬,૬૦૦ની આસપાસ જોવા મળતો હતો. ત્યાર બાદ રોકાણરૂપી લેવાલીના પગલે સોનામાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ છે. તો બીજી બાજુ રિયલ્ટી સેક્ટરમાં અપેક્ષા મુજબના રિટર્ન નહીં મળવાનાં કારણે નાણાકીય પ્રવાહ સોનામાં રોકાણ તરફ વળે તેવી શક્યતા પાછળ સોનામાં સુધારાની ચાલ જોવાઇ શકે છે.

ફેડ દ્વારા વ્યાજદર નહીં વધારાતા રાહત
ચાલુ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા હાલ વ્યાજદર નહીં વધારવાનો નિર્ણય કરાયો છે એટલું જ નહીં ડિસેમ્બર સુધીમાં વ્યાજદર વધારવાના સંકેતો આપ્યા છે. બુલિયન બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં આગામી દિવસોમાં ચૂંટણી છે. એટલું જ નહીં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો સોના ઉપર પ્રેશર જોવાઇ શકે છે, પરંતુ હાલ યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો નહીં કરવાના નિર્ણયથી રાહત થઇ છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સોનામાં સુધારાની ચાલ જોવાઇ શકે છે, જોકે ડિસેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કરાય તો ત્યાર બાદ સોનામાં ઘટાડો જોવાઇ શકવાનું અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે.

You might also like