દિવાળીમાં સોનાના ભાવ ૩૨,૫૦૦ની સપાટી વટાવે તેવી શક્યતા

અમદાવાદ: ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. સ્થાનિક સોના-ચાંદી બજારમાં શુષ્ક કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી મહિને ઓક્ટોબરમાં આવતા તહેવારોના કારણે કારોબાર વધવાની શક્યતા સ્થાનિક જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.

હાલ ઘરઆંગણે સોનાના ભાવ રૂ. ૩૧,૪૦૦ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યા છે. એ જ પ્રમાણે ચાંદીના ભાવ પણ પ્રતિ કિલોએ રૂ. ૪૫,૨૦૦ની સપાટીની આસપાસ જોવાઇ રહ્યા છે. આવા સંજોગોમાં સ્થાનિક બજારમાં તહેવારો પૂર્વે ખરીદી થવાની શક્યતા પાછળ સોનાના ભાવ ૩૨,૦૦૦થી ૩૨,૫૦૦, જ્યારે ચાંદીના ભાવ ૪૮,૦૦૦થી ૫૦,૦૦૦ની સપાટીએ જવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં યુએસની ચૂંટણીના કારણે સોનામાં મોટી વધ-ઘટનો અભાવ જોવાશે, જોકે ડોલર કરન્સીમાં વોલેટાલિટી વધશે અને તેની અસર સ્થાનિક બજારમાં ભાવ ઉપર જોવાશે.

આ અંગે માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રમુખ હર્ષવદન ચોક્સીના જણાવ્યા પ્રમાણે આગામી નવરાત્રિ અને દિવાળીના દિવસોમાં જ્વેલરી બજારમાં નવી ઘરાકી ખૂલવાની આશા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાતમા પગારપંચની અમલવારી અને ખેત પેદાશની નવી આવક બજારમાં આવતાં જ્વેલરી બજારમાં પણ તેનો ચમકારો જોવાઇ શકે છે.

You might also like