દિવાળીની ફેવરિટ કાજુ કતરીની ગુણવત્તા જાતે જ ચકાસી લેજો

અમદાવાદ: તહેવારોનો રાજા એટલે કે મહાપર્વ દિવાળીના સપરમા દિવસો નજીક અાવતા જાય છે. પ્રકાશોત્સવને ઉમળકાભેર ઉજવવા ગૃહિણીઓ ઘરનું રંગ-રોગાનથી લઇને સાફ સફાઇ અને સજાવટ પ્રત્યે સજાગ બની છે. દિવાળી જેમ ફટાકડાની ધામધૂમનો અવસર છે તેમ તેમ નીત નવી મીઠાઇઓને લહેરથી માણવાનો પણ લહાવો આપે છે. જો દિવાળીની ફેવરિટ મીઠાઇ કાજુ કતરીની ગુણવત્તા દર વર્ષે દિવાળીની જેમ આ વખતે પણ પોતાની રીતે ચકાસી લેવી હિતાવહ રહેશે.

આમ તો દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગત તા.૩ ઓકટોબરથી તા.૧૦ ઓકટોબર સુધી મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે શહેરના વિભિન્ન વિસ્તારોમાં આવેલા ધંધાકીય એકમોની તપાસ કરી કુલ ૬૬ સ્થળેથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લઇને તેને તપાસ અર્થે નવરંગપુરાની પબ્લિક હેલ્થ લેબમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત ૮૦ એકમોને નોટિસ ફટકારી છે પરંતુ તંત્રની આ કામગીરી દેખાવ પૂરતી જ છે. એક બે અપવાદ બાદ કરતાં કોઇ જાણીતી દુકાનમાંથી નમૂના લેવાયા નથી.

તેમાં પણ અમદાવાદીઓ માટે દિવાળીની ફેવરિટ ગણાતી કાજુ કતરીની મીઠાઇની ઉપર ભેળસેળખોરો ચાંદીની વરખ લગાડવાને બદલે એલ્યુમિનિયમ ફોઇલના વરખ લગાવે છે. આ પ્રકારની ગેરરીતિ લેભાગુ વેપારીઓ લાંબા સમયથી કરતા આવ્યા છે. કેમ કે આવા નફાખોરો ઉપર મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની કોઇ ધાક નથી. મ્યુનિસિપલ સત્તાવાળાઓ કાગળ પર આંકડા ચિતરવા પૂરતી કામગીરી કરતા હોઇને મોંઘા ભાવની અને ઘર ઘરની પસંદ કાજુ કતરી મીઠાઇની ગુણવત્તા જળવાતી નથી.

તંત્રની કહેવા પૂરતી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ગઇ દિવાળીના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડઓએ પૂરું પાડ્યું છે. ખુદ સત્તાવાળાઓ એવો એકરાર કરે છે કે, ગઇ દિવાળીએ શહેરભરમાંથી માત્ર અને માત્ર છ દુકાનમાંથી વરખવાળી કાજુ કતરીના નમૂના લેવાયા હતા અને મ્યુનિસિપલ લેબની તપાસમાં તમામ નમૂના પ્રમાણિત નીકળ્યા હતા. જોકે આમાં એક પણ જાણીતી દુકાન ન હતી આ અંગે મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીને પૂછતાં કહે છે, આ દિવાળીએ એક પણ જાણીતી દુકાન બાકી નહીં રખાય પછી તે ભોગીલાલ મૂલચંદ હોય કે જયહિન્દ સ્વીટ હોય પરંતુ એ બધી જાણીતી દુકાનોમાંથી નમૂના લેવાશે.

You might also like