દિવાળી, ફટાકડા અને થોડું જોખમ

ધુમાડો ફેલાવતા ફટાકડા
ખૂબ ધુમાડો ફેલાવતા સાપોલિયાં, તારામંડળ અને દોરી જેવા ફટાકડા મોટી માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ છોડે છે. તેનાથી આંખો બળે છે. ડ્રાય થઇ જાય છે અને જો આ કેમિકલ ડાયરેક્ટ શ્વાસમાં જાય તો શ્વાસનળીને ડેમેજ પણ કરી શકે છે. તારામંડળનો જો એક તણખો પણ સીધો આંખમાં જાય તો આંખ કાયમ માટે ડેમેજ થઇ શકે છે. દિવાળી પછી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ફેફસાના રોગ વધે છે.

કલરફુલ ફટાકડા
પ્રચંડ ધડાકા કરતા ફટાકડા જેટલા જ હાનિકારક છે રંગબેરંગી કલર ફેલાવતા અને મ્યુઝિકલ ફટાકડા. કલરફુલ કોઠી, ચકરડી અને રૉકેટ જેવા ફટાકડામાં કલર ફેલાવવા માટે સીસુ ભરેલું હોય છે. એલ્યુમિનિયમ અને કેડમિયમ જેવા હેવી મેટલ અતિ સૂક્ષ્મ માત્રામાં ફટાકડામાં હોય છે. શ્વાસ દ્વારા આવી ધાતુઓ શરીરમાં જાય છે અને તે મગજ તેમજ હાર્ટને ડેમેજ કરે છે. સીસાના લીધે થતું પોઇઝન નાનાં બાળકોના વિકાસમાં અવરોધ પણ ઉભો કરી શકે છે.

ધડાકા કરતા ફટાકડા
સૂતળી બોમ્બ, ૫૫૫ના બોમ્બ, લવિંગિંયા કે ધડાકાભેર ફૂટતા કોઇ પણ બોમ્બ કાનના પરદા ફાડી નાખે તેવો અવાજ કરે છે. અવાજ પ્રદૂષણ ફેલાવવાની સાથે સાથે તે કાનની સમસ્યાઓ પણ ઉભી કરે છે. આ ફટાકડામાં કેમિકલ્સનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી શરીર પર તેની આડઅસર થાય છે. તેમાં રહેલાં કેમિકલ્સ હવામાંના ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરીને ઝેરી વાયુઓથી વાતાવરણને ભરી દે છે.

કેમિકલ્સની અસર
ફટાકડામાં રહેલા કેમિકલ્સને લીધે લોહીમાં રહેલા લાલ કણો નાશ પામી શકે છે. બેરિયમ ધરાવતા ફટાકડાનો ધુમાડો સીધો શ્વાસમાં જાય તો ઉલટી, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આનું ગંભીર પરિણામ કાર્ડિએક ફેલ્યર પણ હોઇ શકે. નાઇટ્રેટ બેઇઝ્ડ ફટાકડાંનો ધુમાડો શ્વાસમાં જવાથી શ્વાસનળીની અંદર ઇરિટેશન થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ફેફસાના રોગ પણ થઇ શકે છે. બ્લડપ્રેશર ઘટી જાય છે અને માથાનો દુખાવો ખૂબ વધી જાય છે.

ફિઝિશિયન ડૉ. કુંજલ પટેલ કહે છે, ”ફટાકડાના ધુમાડાના લીધે સર્જાતા ડસ્ટી વાતાવરણથી બ્રોન્કાઇટીસ કે અસ્થમાના દર્દીઓની હાલત કફોડી બને છે. તેમને દવાના ડોઝ વધારી દેવા પડે છે. અસ્થમા પેશન્ટને નેબ્યુલાઇઝરની જરૃર પડે છે. બાળકો અને વૃદ્ધોને શરદી અને કફ થતા જલદી રિકવરી આવતી નથી. વ્યક્તિની સાંભળવાની ક્ષમતા પર પણ અસર પડી શકે છે. દરેક વ્યક્તિએ પોતાની સામાજિક જવાબદારી સમજીને ફટાકડા રહેણાક વિસ્તારથી દૂર ખુલ્લી જગ્યાઓમાં ફોડવા જોઇએ.”

ભૂમિકા ત્રિવેદી

સેફ્ટી ટિપ્સ
* બાળકોને ધુમાડાથી દૂર રાખવાં
* એલર્જી હોય તેવી વ્યક્તિઓએ માસ્ક લગાવીને બહાર નીકળવું
* કાનમાં ઇયર પ્લગ્સ લગાવવા
* અસ્થમા કે શ્વાસની તકલીફ હોય તો નેબ્યુલાઇઝર પંપ સાથે રાખવો
* સાંજના સમયે ઘરની બહાર ન જવું
* વહેલી સવારે જોગિંગમાં પણ ન જવું

You might also like