છુટાછેડા બંનેને જોઈએ છે પણ બે વર્ષની પુત્રી એકેયને નથી જોઈતી!

અમદાવાદ: પતિ પત્ની જ્યારે તેમનાં લગ્ન જીવનનો અંત લાવતાં હોય છે ત્યારે સૌથી વધારે સહન બાળકને કરવું પડતું હોય છે. છુટાછેડા પછી બાળક કોની સાથે રહેશે તે માટે પતિ પત્ની વચ્ચે લાંબો કાનૂની જંગ પણ ખેલાય છે. પરંતુ અમદાવાદની ફેમિલી કોર્ટમાં ત્રણ વર્ષના લગ્ન જીવનનો અંત લાવવા માટે એક દંપતીએ 23 વર્ષીય યુવાન અને 20 વર્ષીય યુવતીએ છુટાછેડાની અપીલ કરી છે. પણ નવાઇની વાત એ છે કે બન્ને જણાને પાતોની બે વર્ષની માસૂમ પુત્રી કરતાં કેરિયરની ચિંતા વધારે છે. ફેમિલી કોર્ટમાં અને મીડિયેટર સેન્ટરમાં પતિ પત્નીએ તેમની 2 વર્ષની પુત્રીને અપનાવવાનો ઇન્કાર કરી દીધો છે.

અમદાવાદ કોટ વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવક અશોકે ત્રણ વર્ષ પહેલાં શોભા નામની 18 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અશોક શોભા બન્ને જણા લગ્ન ગ્રંથિમાં જોડાવવાનો નિર્ણય લઇ લીધો અને તેમણે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધાં. લગ્નના એકાદ વર્ષ પછી શોભાએ પુત્રી ખુશીને જન્મ આપ્યો. કહેવાય છે કે જ્યારે ઘરમાં નવા મહેમાનનું આગમન થાય તો પતિ પત્ની વચ્ચે સંબધો ગાંઠ બની જાય છે. જોકે ખુશીના જન્મ પછી અશોક અને શોભા એક બીજાથી દૂર થવા લાગ્યાં. અત્યારે શોભા તેના પિયરમાં રહે છે અને ખુશી અશોક સાથે રહે છે.

થોડા દિવસો પહેલાં બન્ને જણાએ છૂટા થવાનો નિર્ણય લઇ લીધો અને ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છુટાછેડાની પિટિશન દાખલ કરી લીધી. જોકે ખુશીના નિર્ણય માટે અને બન્ને વચ્ચે સમાધાન થાય તે માટે કોર્ટે તેમને મીડિયેશન સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં. જ્યાં મીડિયેશન સેન્ટરના વકીલ દીપિકા પાઠકે શોભા અને દીપકને સમજાવ્યાં હતાં અને ખુશી કોની પાસે રહેશે તેનો નિર્ણય લેવાનું જણાવ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે પરસપર છુટાછેડા માટે સંમતિ બતાવનાર બન્ને જણાએ ખુશીને અપનાવવા માટેનો ઇનકાર કરી દીધો હતો. શોભાને હજુ કરિયર બનાવવાની બાકી હોવાથી તેણે ખુશીને રાખવાનો ઇનકાર કર્યો હતો ત્યારે અશોકનાં માતા પિતા કોઇ નહીં હોવાથી અને તેની પાસે ખુશીને રાખવાનો સમય નહીં હોવાના કારણે તેણે ઇન્કાર કરી દીધો હતો. મીડિયેટર સેન્ટરમાં બન્ને જણાએ ખુશીને રાખવાના મુદ્દે પોતાનાં હાથ ઊંચા કરી દીધા હતા. માતા પિતા પોતાના સ્વાર્થ માટે ખુશીને અપનાવવાનો ઇનકાર કરતા હોવાનું રિપોર્ટ ફેમિલી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

You might also like