વિવિધતામાં કોમી રમખાણો

દુનિયામાં જ્યારે ભારતનાં ગુણગાન ગાવાનાં હોય ત્યારે રાજકારણીઓ વિવિધતામાં એકતા અને સંસ્કૃતિના નામે ભારતને મહાન ચીતરવાના પ્રયાસો કરતા હોય છે. અનેક ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાતિઓની વચ્ચે ભારતની લોકશાહી આજેપણ અખંડ છે પરંતુ એટલા જ મોટાપાયે કોમવાદ ફાટી નીકળે છે. છેલ્લાં પાંચ મહિનામાં ભારતની અંદર ૨૭૮ કોમી અથડામણો થયાં છે.

ભાજપના સાંસદ સંજય ધોત્રેએ લોકસભામાં સવાલ કર્યો હતો કે, છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલા કોમી અથડામણો થયાં છે? જેનો જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી કિરન રિજ્જુએ કહ્યું હતું કે, ૨૦૧૪માં ૬૪૪, ૨૦૧૫માં ૭૫૧ અને ૨૦૧૬માં અત્યારસુધીમાં ૨૭૮ જેટલા બનાવો બન્યા છે.

આ આંકડા ભારત સરકારના મંત્રી દ્વારા રજૂ કરાયેલા છે પણ ભારત સરકારની સંસ્થા ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)’ ના આંકડા કંઈક અલગ જ ચિત્ર દર્શાવે છે. એનસીઆરબી-૨૦૧૪ અનુસાર ભારતમાં ૧૨૨૭ જેટલાં કોમી રમખાણો થયાં છે. આ વર્ષે સૌથી વધુ કોમી રમખાણો ઉત્તરપ્રદેશ (૬૧), મહારાષ્ટ્ર (૪૦), કર્ણાટક (૪૦), મધ્યપ્રદેશ (૩૫), અસમ (૨૩) અને ગુજરાતમાં (૧૬) થયાં છે. ગુજરાતમાં ૨૦૧૩માં ૬૮, ૨૦૧૪માં ૭૪, ૨૦૧૫માં ૫૫ કોમી રમખાણો થયાં હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

You might also like