દમણ-દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો થશે આરંભ, PM મોદી કરશે લોકાર્પણ

ગુજરાતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24મી ફેબ્રુઆરીનાં રોજ રાજ્યનાં પડોશીનાં સંઘ પ્રદેશ દમણમાં આવી રહ્યાં છે. પીએમ બન્યા બાદ મોદી પ્રથમ વખત દમણ આવી રહ્યાં હોવાથી પ્રદેશનું પ્રશાસન અને લોકો પ્રધાનમંત્રીને આવકારવા થનગની રહ્યાં છે.

પીએમને આવકારવા અને સ્વાગત માટે દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દમણની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે દમણ અને દીવ વચ્ચેની હેલિકોપ્ટર સેવાનો આરંભ કરવામાં આવશે.

આ હેલીકોપ્ટર સેવા શરૂ થયા બાદ દમણથી દીવ હેલિકોપ્ટર દ્વારા માત્ર એક કલાકમાં જ પહોંચી શકાશે. એક હજાર કરોડથી પણ વધુનાં 31 જેટલા વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત થશે. પ્રશાસન દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે દમણમાં પ્રધાનમંત્રી તા.24નાં રોજ આવી રહ્યાં હોવાથી દમણની સાથે દીવમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. દમણ સાથે દીવમાં પણ પ્રધાનમંત્રીનાં હસ્તે ઉદ્ઘાટન અને લોકાર્પણનાં કાર્યક્રમ યોજાવાનો હોવાંથી તંત્ર હરકતમાં આવી ગયું છે.

દમણમાં બેઠા પ્રધાનમંત્રીનાં હસ્તે રિમોટથી દીવમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ થશે. તેઓનાં હસ્તે દીવ-અમદાવાદ વચ્ચે વિમાની સેવા અને દીવ-દમણ વચ્ચેની હેલીકોપ્ટર સેવાનો પણ પ્રારંભ કરવામાં આવશે.

You might also like