બેવડી ઋતુથી રોગચાળો વકર્યો ઘેર ઘેર શરદી, તાવ, ઉધરસના દર્દી

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુને કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલ શરદી, ઉધરસ, તાવના દર્દીઓથી ઊભરાઇ રહી છે. ગત એક સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં નવા ૧,૦૦૦થી વધુ કેસ નોંધાતાં શરદી, ઉધરસ અને વાઈરલના કેસમાં ચાર ગણો વધારો નોંધાયો છે.

ઠાકરશી હોસ્પિટલના ડો.મહેન્દ્ર શાહે જણાવ્યું હતું કે શરદી, ઉધરસ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે. હાલમાં ઓપીડીમાં આવતા દર્દીઓમાં ૩૦ ટકાથી વધુ દર્દીઓ શરદી ઉધરસ અને તાવથી પીડાઇ રહ્યા છે. વાઈરલ ઇન્ફેક્શનથી પીડિત દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

મચ્છરના ઉપદ્રવ સાથે સામાન્ય શરદી, ઉધરસ, તાવ, મલેરિયાના કેસ વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલ ક્લિનિક સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શરદીમાંથી તાવ ખને ઉધરસની બીમારીની સારવાર લેવા માટે દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. સામાન્ય તાવ કે શરદીનાં લક્ષણ જોવા મળે તો તરત જ દવા અને સમયસર સારવાર લેવી જોઇએ. ફેબ્રુઆરી-માર્ચના વચ્ચેના સમયગાળામાં શિયાળો પૂરો થવા સાથે ઉનાળાની શરૂઆત હોઇને મસી તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે મેલેરિયા ઉપરાંત પાણીજન્ય રોગમાં પણ વધારો થયો છે.

ફેબ્રુઆરી માસના હાલના દિવસોમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી જેટલું અને લઘુતમ તાપમાન ૧ર થી ૧૮ ડિગ્રી જેટલું રહે છે. હજુ પણ શિયાળો વિદાય લે તે પહેલાં તાપમાન વધવાની શકયતા છે. સવારે ૮-૩૦થી ૧૧-૩૦ ત્રણ કલાક દરમિયાન જ ગરમીનો પારો સીધો ૧૦ ડિગ્રી વધી જાય છે. જે બપોરે ૩૦થી ૩૨ ડિગ્રી આસપાસ રહે છે. જ્યારે રાત્રે તેનાથી વિપરીત વાતાવરણ ઠંડું થઇ જતાં રોગચાળો વકરે છે. ડોકટરોની સલાહ મુજબ તાવ, શરદી, ઉધરસના દર્દીઓએ ઘરમાં પણ માસ્ક પહેરી રાખવો જોઇએ. ઉકાળેલું નવશેકું પાણી પીવું જોઇએ તેમજ બહાર નીકળતી વખતે કાન ઢાંકેલા રાખવા જોઇએ. ખુલ્લી હવા કે પંખાની હવાથી દૂર રહેવું જોઇએ. સમયસર દવા ઉપરાંત ટેસ્ટ કરાવી લેવા જોઇએ. બાળકોને દર્દીથી દૂર રાખવાં જોઇએ. બપોરના તાપમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ.

You might also like