ડિસ્કાઉન્ટ કૂપન યુવાનોને આકર્ષવાનો નવો ફંડા

મૂવી, પાર્ટી અને ક્લબ કલ્ચરમાં જીવતી આજની પેઢી પાસેથી ઘરમાંથી પોકેટમનીના પૈસા તો સીમિત જ મળે છે. ત્યારે તેઓ આવી જલસાની લાઇફ કેવી રીતે જીવે છે તેવો પ્રશ્ન બધાને થતો જ હશે. કેમ ખરુંને? થાય પણ ખરા. પપ્પા પાસેથી કૉલેજમાં આવતાની સાથે જ યુવાનોને એક ફિક્સ એમાઉન્ટ ઘરમાંથી આપવામાં આવે છે. જેમાં વ્હિકલ્સના પેટ્રોલથી માંડીને એન્જોયમેન્ટ સુધીના તમામ ખર્ચા તેઓએ કાઢવાના હોય છે.

ત્યારે બાંધી કિંમત સાથે અનલિમિટેડ એન્જોયમેન્ટ માટે આજના યુવાનો વિવિધ ડિસ્કાઉન્ટ કૂપનનો લાભ લે છે. આજે સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ વેબસાઇટ પર ફૂડ, ટ્રાવેલ ગાર્મેન્ટ કૂપન ઉપલબ્ધ છે. જેનો લાભ લઇને તેઓ જલસાની લાઇફ જીવે છે. ઘણા યુવાનો તો આવી એપ્લિકેશન મોબાઇલમાં સ્ટોર કરી જ રાખે છે. જેથી નિયમિત રીતે તેમને નવી નવી સ્કિમના અપડેશન મળતાં રહે છે.

હાલ ડિસ્કાઉન્ટ કૂપનમાં ફૂડ એન્ડ ડ્રિંક્સ, સ્પા એન્ડ મસાજ, એક્ટિવિટીસ, શોપિંગ, જિમ અને ફિટનેસ, બ્યુટી એન્ડ સલૂન, હોબીસ એન્ડ લર્નિંગ, હોમ એન્ડ ઓટો, મૂવીસ તેમજ હોટલ્સની ડિસ્કાઉન્ટ કૂપન હોય છે. આ કૂપન્સમાં એવું ડિસ્કાઉન્ટ હોય છે જે દરેક યંગસ્ટર્સને પરવડે છે. તેમજ ચોક્કસ વેલિડિટી પણ આ કૂપનમાં હોય છે.

મેનેજમેન્ટ સ્ટુડન્ટ ધ્રુપા પરીખ કહે છે કે, “મારું મિત્રવર્તુળ ખૂબ જ મોટું છે. જેમાં અમારે અવારનવાર બહાર જવાનું હોય છે. એટલે મોટાભાગે અમે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. દરેક વખતે નવીનવી જગ્યાએ જઇને એન્જોય કરીએ છીએ. મને શોપિંગનો પણ શોખ હોવાથી હું આ કૂપન લઉં છું જેમાં ઓછી કિંમતમાં મારી મનપસંદ વસ્તુનું શોપિંગ કરી શકું છું.”

કૉલેજના સેકન્ડ યરમાં ભણતો સચીન સંઘવી કહે છે કે, “હાલમાં હું જોબ કરતો નથી, ઘરેથી મને એક મહિનાની પોકેટમની આપે છે. ફ્રેન્ડ્સમાં જ્યારે પાર્ટી આપવાની હોય છે કે મૂવી જોવા જવાનું થાય છે ત્યારે હું ખાસ આવી ડિસ્કાઉન્ટ કૂપનનો ઉપયોગ કરું છું જેમાં મારું બજેટ પણ જળવાઇ રહે છે.”

તો હર્ષિલ શાહ કહે છે કે, “ઘરમાંથી ફિક્સ એમાઉન્ટ પોકેટમની માટે મળે છે. વારંવાર ઘરેથી પૈસા માગવા સારા પણ ન લાગે. ત્યારે મિત્રો સાથે એન્જોયમેન્ટ માટે હું આવી કૂપનનો ઉપયોગ કરું છું. હાલમાં મેં મારી બર્થડે પાર્ટી માટે ડિસ્કાઉન્ટમાં ફૂડ કૂપનનો લાભ લીધો. જે મેનુ રેગ્યુલર બેઝમાં ૨૦૦માં પડે તે મને કૂપન ઓફરમાં ૧૦૦માં પડ્યું. મિત્રોની સામે મારો વટ પણ પડી ગયો અને બજેટમાં પાર્ટી પણ અપાઇ ગઇ.”

કૃપા મહેતા

You might also like