ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામની બુક 2018ની, માહિતી 17 વર્ષ જૂની!

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા ભૂકંપ, વાવાઝોડા અને પૂર જેવી આફતો સામે તત્કાળ રક્ષણાત્મક પગલાં લઇને લોકોના જાનમાલને ઓછામાં ઓછું  નુકસાન પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરાઈ છે.

આ સંસ્થા કુદરતી આફતોમાં રાહતકામ, પુનઃ સ્થાપન તેમજ આપત્તિમાંથી બેઠા થવા ઉપરાંત તેની આગોતરી તૈયારી કરવા માટેની વ્યૂહરચના અને આયોજન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા સ્થાનિક સત્તામંડળ સાથેના સંકલનથી કરે છે, પરંતુ આવી તૈયારી કેટલી હદે વાહિયાત રીતે થાય છે તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્થાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામે પૂરું પાડ્યું છે.

આકર્ષક રીતે છાપીને પ્રસિદ્ધ થયેલો આ પ્રોગ્રામ જોકે વર્ષ ૨૦૧૮નો છે, પરંતુ તેમાં ૧૭ વર્ષ જૂની માહિતી છે. હાલમાં અમદાવાદ ૪૬૬ ચોરસ કિ.મી.માં ફેલાઈને કુલ ૬૬ લાખની વસતી ધરાવે છે, પરંતુ જીએસડીએમએના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામમાં વર્ષ ૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ શહેરની વસ્તી ૪૫ લાખની છે. જ્યારે ઔડાની જૂની લિમિટનો વર્ષ ૨૦૦૬માં બે તબક્કામાં મ્યુનિસિપલ હદમાં સમાવેશ કરાયો હોવા છતાં શહેર ફક્ત ૧૯૦.૮૪ ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અમદાવાદમાં અક્ષરજ્ઞાન, સ્ત્રી-પુરુષનો ગુણોત્તર વગેરે તો વર્ષ ૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ છે, પરંતુ શહેરની વસવાટની પદ્ધતિ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સહિતના પરિવારોની સંખ્યા તેમજ તેને સંબં‌ધિત નક્શા પણ ૧૭ વર્ષ જૂની માહિતીના આધારે છે. આવી મહત્ત્વપૂર્ણ બાબત પણ વર્ષ ૨૦૧૮ની સ્થિતિ મુજબ સુધારવાની તસ્દી લેવાઈ નથી.

શહેરમાં ખેતીલાયક જમીન નહીંવત્ છે તેમ છતાં ૨૪,૪૨૦ હેક્ટર ખેતીની જમીન દર્શાવીને તે પૈકી ૩,૦૫૨ હેક્ટર જમીનનો ખેડવાલાયક તરીકે ઉલ્લેખ કરાયો છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, ગટર લાઈન, પાણી પુરવઠો વગેરે માહિતી પણ વર્ષોજૂની છે.

ખાસ તો આપત્તિના સમયે નાગરિકોને મદદરૂપ થનારી મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની સેવાને લગતી જાણકારી પણ બાબા આદમના જમાનાની છે. અત્યારે મ્યુનિસિપલ ફાયર બ્રિગેડનાં ૧૮ ફાયર સ્ટેશન છે, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ૧૧ ફાયર સ્ટેશન દર્શાવ્યાં છે. ફાયર બ્રિગ્રેડમાં પાંચ ઓફિસર છે, પરંતુ તેમાંય નવ દર્શાવીને ગોટાળો કરાયો છે.

કુદરતી આફતોમાં પોલીસતંત્ર પણ મહત્ત્વપૂર્ણ છે. લોકોને ચેતવણી આપવા, સાચી માહિતી ફેલાવવા અને તાત્કાલિક સ્થળાંતર કરવામાં પોલીસતંત્ર અગત્યનું હોવા છતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામમાં માત્ર ૩૧ પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ કરાયો છે જ્યારે હકીકતમાં શહેરીજનોની સેવા-સલામતી માટે ૪૮ પોલીસ સ્ટેશન કાર્યરત છે.

You might also like