ઈ-બે વેબસાઇટ પર વહાબ રિયાઝની બોલી લાગીઃ કિંમત એક ભેંસ બરાબર

નવી દિલ્હીઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોંઘા બોલિંગ પ્રદર્શનનો અણગમતો રેકોર્ડ પોતાના નામે નોંધાવનારા પાકિસ્તાનના ફાસ્ટ બોલર વહાબ રિયાઝને વધુ એક અણગમતી ઘટનામાંથી પસાર થવું પડી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક ઓસ્ટ્રેલિયન પ્રશંસકે રિયાઝના ખરાબ પ્રદર્શનથી નારાજ થઈને તેને ઈ-કોમર્સ વેબસાઇટ ઈ-બે પર એક સામાનની જેમ વેચવા મૂકી દીધો. ઈંગ્લેન્ડ- પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલની થોડી વાર પહેલાં આને વેબસાઇડ પર અપલોડ કરી દેવાયો.

અપલોડ થયા બાદ વેબસાઇટનો ઉપયોગ કરનારા કસ્ટમર્સે પણ વહાબ પર જોરદાર બોલી લગાવી. જ્યાં સુધીમાં વેબસાઇટ આખો મામલો સમજી અને પોસ્ટને ડિલિટ કરી નાખી ત્યાં સુધીમાં ૫૦ લોકો બોલી લગાવી ચૂક્યા હતા અને વહાબની ૬૧૦ ઓસ્ટ્રેલિયન ડોલર (૩૦ હજાર રૂપિયા)ની સૌથી વધુ બોલી લાગી ચૂકી હતી. આ કિંમતમાં પાકિસ્તાનમાં ભેંસ વેચાય છે. વેબસાઇટ પર વહાબનાં વર્ણનમાં લખવામાં આવ્યું હતું કે આ યુઝ્ડ વહાબ રિયાઝ, જેને ૨૦૦૮માં ખરીદ્યો હતો, આશા હતી કે તે મેચ જીતાવવામાં મદદ કરશે, પરંતુ એવું બન્યું નહીં તેથી તેને વેચવામાં આવી રહ્યો છે. ખરીદનારાને વહાબની સાથે ફ્રી જેકેટ પણ મળશે.
http://sambhaavnews.com/

You might also like