સીમા વિવાદ ઉકેલવા માટે ડિપ્લોમેટિક ચેનલનો ઉપયોગ

નવી દિલ્હી : ડોકલામ વિસ્તારનો વિવાદ ઉકેલવ માટે ચીને ભલે ભારતીય સેનાને પાછી હટવાની શરત મુકી હોય, પરંતુ ભારતનું કહેવું છે કે આ વિવાદનાં ઉકેલ માટે ડિપ્લોમેટિક ચેનલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનની સાથે સંબંધોમાં તણાવનાં મુદ્દે પુછવામાં આવતા અહીં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગોપાલ બાગલેએ ગુરૂવારે કહ્યું કે, હાલમાં જ જર્મનીનાં હેમ્બર્ગમાં જી-20 બેઠક દરમિયાન બ્રિક્સ દેશોનાં નેતાઓની અલગથી અનૌપચારિક મુલાકાત થઇ હતી.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે સંવાદ થયો હતો, જે ઘણા મુદ્દાઓ પર હતો. ત્યાર બાદ બંન્ને દેશો ડોકલામ મુદ્દે ડિપ્લોમેટિક ચેનલનો ઉપયોગ કરી રહ્યા છે અને તે આગળ પણ ચાલુ રહેશે. જો કે કયા મુદ્દે ચર્ચા થઇ તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે તે તમારી કલ્પના પર છોડી રહ્યો છું.

ચીન મુદ્દે વિદેશ સચિવ એસ.જયશંકરે હાલમાં જ કહ્યું કે અમે પુર્વમાં પણ ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે પછી નિવેદન સામે આવ્યું હતું કે હાલનાં મુદ્દા અને તે મુદ્દાઓ અલગ છે. આ અંગે પુછવામાં આવતા પ્રવક્તાએ કહ્યું કે અમારા પુર્વનો ઇતિહાસ સ્પષ્ટ છે કે અમારી સીમાઓ શાંતિપુર્ણ રહી છે અને બીજા લોકોને પણ આ અંગે જ સૂચન આપીએ છીએ.

ચીન કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા તૈયાર હોવાનાં મુદ્દે તેમણે કહ્યું કે, ચીન શાંતિનાં બિંદુથી મધ્યસ્થતા કરવા તૈયાર છે પરંતુ કાશ્મીરનાં મુદ્દે આતંકવાદ મધ્યબિંદુ છે. કાશ્મીર અને સમગ્ર ભારતમાં સીમાપારથી આતંકવાદ ફેલાવાઇ રહ્યો છે. જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો છે ભારતની નીતિ પહેલાથી એક જ છે કે પાકિસ્તાન સાથે કાશ્મીર સહિતનાં બીજા અન્ય તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે. તેમાં કોઇ પરિવર્તન નહી આવે.

ચીન સાથે વિવાદ મુદ્દે ભૂટાનનું વલણ પુછતા તેમણે કહ્યું કે ભૂટાન મિત્ર દેશ છે. તેમનાં ઇરાદા પર કોઇ અટકળબાજી કરવામાં આવી શકે નહી. ચીન અને પાકિસ્તાન મુદ્દે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ગૃહમંત્રી રાજનાથસિંહ વચ્ચે શુક્રવારે યોજાનારી બેઠક અંગે પ્રવક્તાએ કહ્યું કે આ મીટિંગ કદાચ થવાની હોઇ શકે છે પરંતુ મને આ અંગે કોઇ માહિતી નથી.

You might also like