નકલી પોલીસ બની સ્ત્રીઓની મદદથી લોકો પાસેથી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ: રસ્તે જતાં એકલદોકલ રાહદારીને નકલી પોલીસના સ્વાંગમાં સ્ત્રીઓની મદદથી બળાત્કાર જેવા ગંભીર ગુનાે કર્યો હોવાની ધમકી અાપી નિર્દોષ લોકો પાસેથી રૂપિયા ખંખેરતી ગેંગને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ ઝીણવટભરી પૂછપરછ શરૂ કરી છે. અા ગેંગે શહેરના જુદા જુદા વિસ્તારમાં અા પ્રકારના અનેક ગુના અાચર્યા હોવાનું પોલીસ માની રહી છે.

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નકલી પોલીસના સ્વાંગમાં સ્ત્રીઓનો ઉપયોગ કરી એક ટોળકી નિર્દોષ લોકોને રંજાડતી હોવાની ક્રાઈમ બ્રાંચને ફરિયાદો મળતા પોલીસે અા પ્રકારના બનાવ અટકાવવા સઘન વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં પોલીસે અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના અાધારે રબારી કોલોની ચાર રસ્તા પાસેથી એક જીજે ૦૧ એચએમ ૮૬૭૦ નંબરની કારને રોકી હતી અને કારમાં બેઠેલા કેયૂર કાંતિલાલ શાહ (રહે. પાંજરાપોળ, અમદાવાદ), રમેશ ઉદાજી ડાભી (રહે. ગેરતપુર રેલવે સ્ટેશન અમદાવાદ), જીતુ કાંતિલાલ બ્રહ્મભટ્ટ (રહે. નંદનવન સોસાયટી, ગેરતપુર) અને એક મહિલાની પૂછપરછ કરતાં અા ચારેય ભાંગી પડ્યા હતા અને તેમને તાજેતરમાં જ સીટીએમ ચાર રસ્તા પાસે એક અાધેડને ધાક ધમકી અાપી પૈસા પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

અા ટોળકીએ સાબરમતી, નડિયાદ, ચાંદખેડા, મહેસાણા અને ગાંધીનગર ખાતે ગુના અાચર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. અા ગેંગની એમઓ પ્રમાણે એકલ દોકલ રાહદારીને પોલીસના સ્વાંગમાં ધમકી અાપી ગમે તે ગુનામાં પૂરી દેવાનું જણાવી રકમ પડાવતા હતા. પોલીસે તમામને રિમાન્ડ પર મેળવી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like