જિમનાસ્ટ દીપાએ ઇતિહાસ રચ્યોઃ ફાઇનલમાં પહોંચી

રિયોઃ દીપા કર્માકર બાવન વર્ષ બાદ ઓલિમ્પિક રમતોત્સવની જિમનાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા એથ્લીટ તરીકે પહોંચીને અગાઉ જ ઇતિહાસ રચી ચૂકેલી દીપા કર્માકરે ગઈ કાલે રિયો ઓલિમ્પિકના વોલ્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવી લઈને એક નવો ઇતિહાસ રચી દીધો. દીપા જિમનાસ્ટિકની બધી જ પાંચ ક્વોલિફિકેશન સબડિવિઝન સ્પર્ધાના સમાપન બાદ વોલ્ટમાં આઠમા સ્થાને રહી, જે ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે અંતિમ સ્થાન હતું.

દીપાએ ગઈ કાલે ત્રીજી સબડિવિઝન ક્વોલિફાઇંગ સ્પર્ધાના વોલ્ટમાં ૧૪.૮૫૦ પોઇન્ટ પ્રાપ્ત કર્યા. ત્રીજા સબડિવિઝનની સમાપ્તિ પર દીપા છઠ્ઠા સ્થાને હતી, પરંતુ અમેરિકાની સિમોન બાઇલ્સ અને કેનેડાની શૈલન ઓલ્સેન છેલ્લા બે સબડિવિઝનથી ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી. સિમોન બાઇલ્સે ૧૬.૦૫૦ પોઇન્ટ હાંસલ કરીને ટોચના સ્થાન સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો, જ્યારે દીપા સૌથી છેલ્લા આઠમા સ્થાન સાથે ફાઇનલમાં પહોંચી છે. આનાથી સ્પષ્ટ છે કે દીપાને ફાઇનલમાં મેડલ હાંસલ કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

કલાત્મક જિમનાસ્ટ સ્પર્ધાના ક્વોલિફિકેશન સબડિવિઝન-૩માં દીપાનું ઓવલઓલ પ્રદર્શન તો સામાન્ય રહ્યું, પરંતુ વોલ્ટમાં તેણે શાનદાર પ્રદર્શન કરતાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. દીપાએ વોલ્ટમાં બહુ જ મુશ્કેલ મનાતા પ્રોદુનોવાને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો અને રિયો-૨૦૧૬માં આવું કરનારી તે એકમાત્ર જિમનાસ્ટ રહી. જોકે અમેરિકાની સિમોન બાઇલ્સે પ્રોદુનોવા જેવો મુશ્કેલ માર્ગ પસંદ ન કર્યા છતાં બતાવી આપ્યું છે કે અન્ય વોલ્ટ કળાઓ દ્વારા પણ વધુ પોઇન્ટ હાંસલ કરી શકાય છે.

દીપાનું ઓલ અરાઉન્ડ પ્રદર્શન સામાન્ય રહ્યું અને તેણે ૫૧.૬૬૫નો સ્કોર કરકતા ૬૧ સ્પર્ધકોમાં ૫૧મું સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે ઓલ અરાઉન્ડની ફાઇનલમાં ૨૯મા સ્થાન સુધી કુલ ૨૪ ખેલાડીઓને ફાઇનલમાં પ્રવેશ કર્યો. દીપા હવે ૧૪ ઓગસ્ટે વોલ્ટ સ્પર્ધાના ફાઇનલ મુકાબલામાં મેડલની દાવેદારી રજૂ કરશે.

જિમનાસ્ટમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ લખી ચૂકેલી દીપા કર્માકર ગઈ કાલે જ્યારે મુકાબલામાં ઊતરી ત્યારે દેશવાસીઓની નજર તેના પર ટકેલી હતી. લોકો ટીવી પર ત્રિપુરાની આ કિશોરીને ઓલિમ્પિકમાં પરફોર્મ કરતી જોઈ રહ્યા હતા.

VAN-DER-BREGGEN-1

વિલિયમ્સ બહેનો બહાર
વુમન્સ ટેનિસ ડબલ્સમાં જોરદાર અફસેટ સર્જાયો. મેડલની સૌથી મોટી દાવેદાર મનાતી વિલિયમ્સ બહેનો (સેરેના અને વીનસ) પહેલા જ રાઉન્ડમાં બહાર ફેંકાઈ જવાથી અમેરિકામાં નિરાશા ફેલાઈ ગઈ છે. વિલિયમ્સ બહેનોને ચેક રિપબ્લિકની જોડી લૂસી સફારોવા અને બાર્બરા સ્ટ્રિકોવાએ સીધા સેટોમાં ૬-૩, ૬-૪થી માત આપી હતી. પરાજય બાદ સેરેનાએ કહ્યું, ”અમે આટલું ખરાબ રમ્યા હતા? અમને પોતાને વિશ્વાસ નથી બેસતો.” ઉલ્લેખનીય છે કે અમેરિકાની આ જોડી વુમન્સ ડબલ્સની નંબર વન રેન્કિંગ પર િબરાજે છે. એક મહિના પહેલાં જ વિમ્બલ્ડનમાં ખિતાબ જીત્યા બાદ તેઓ પાસે ૧૪ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
ક્વાર્ટર ફાઇનલમાં જીતતા જીતતા હારી ભારતની આર્ચરી ટીમ
આર્ચરીમાં દીપિકાકુમારી, બોમ્બાયલાદેવી લેશરામ અને લક્ષ્મીરાની માઝીની ત્રિપુટી બીજા રાઉન્ડમાં પહોંચ્યા બાદ હારી ગઈ. ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ત્રિપુટીને રશિયાની ટીમે ૫-૪થી પરાજય આપ્યો હતો. મુકાબલામાં ચાર સેટ બાદ સ્કોર ૨-૨થી બરાબર રહ્યો, ત્યાર બાદ શૂટઓફનો સહારો લેવામાં આવ્યો હતો. શૂટઓફમાં રશિયાએ ૨૫ પોઇન્ટ હાંસલ કર્યા, જ્યારે ભારતીય ટીમ ૨૩ પોઇન્ટ જ હાંસલ કરી શકી હતી. આ પહેલાં ભારતીય ટીમે કોલંબિયાને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ૫-૪થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
સાઇકલિંગમાં નેધરલેન્ડ્સની બાદશાહતઃ બ્રેગેને પહેલો ગોલ્ડ જીત્યો
ઓલિમ્પિકમાં મહિલા સાઇકલિંગ રોડ રેસમાં ગઈ કાલે એના વાન ડર બ્રેગેને નેધરલેન્ડ્સને ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો અને ઓલિમ્પિકની મહિલા સાઇકલિંગ સ્પર્ધામાં નેધરલેન્ડ્સની બાદશાહત જાળવી રાખી હતી, જોકે નેધરલેન્ડ્સનો રિયો ઓલિમ્પિકમાં અત્યાર સુધીનો આ એકમાત્ર મેડલ છે. ચાર વર્ષ પહેલાં લંડન ઓલિમ્પિક-૨૦૧૨માં નેધરલેન્ડ્સની જ મારિયાન્ને વોસે આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૬૮ સ્પર્ધકો વચ્ચે બ્રેગેને ત્રણ કલાક ૫૧.૨૭ સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી દીધો હતો. સ્વિડનની એમ્મા જોહન્સન અને ઇટાલીની એલિઝા લોંગો બ્રેગિનીએ પણ બ્રેગેનની લગભગ સાથે જ ફિનિશ લાઇન પાર કરી હતી, પરંતુ સેકન્ડમાં સમયના વિભાજનના આધાર પર જોન્સન બીજા અને બ્રોગિની ત્રીજા સ્થાને રહી હતી.

You might also like