કેન્દ્રીય વાર્તાકાર દિનેશ્વર શર્માના મિશન કાશ્મીરનો આજથી આરંભ

શ્રીનગર: મારી પાસે કોઈ જાદુની છડી નથી કે એક જ દિવસમાં કાશ્મીરની સમસ્યા હલ થઈ જાય તેવું કહેનારા કેન્દ્રીય વાર્તાકાર દિનેશ્વર શર્મા આજથી ચાર દિવસના કાશ્મીર મિશન માટે કાશ્મીર પહોંચશે. જ્યાં તેઓ વિવિધ ૪૦ પ્રતિનિધિ મંડળને મળશે. જોકે તેમના આ કાર્યક્રમનો અલગાવવાદીઓએ બહિષ્કાર કરવાનું નકકી કર્યું છે. સુરક્ષાનાં કારણોસર સરકારે તેમની બેઠકનું સ્થળ હજુ જાહેર કર્યું નથી. તેમજ સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

આજે સવારે તેઓ કાશ્મીર પહોંચી ગયા છે. જ્યાં તેઓ કાશ્મીરની સમસ્યાના સમાધાન માટે રોડમેપ તૈયાર કરવાના હેતુથી વિવિધ પ્રતિનિધિમંડળો સાથે યોજાયેલી બેઠકમાં રૂબરૂ હાજર થયા હતા. જેમાં તેઓ હાઉસ બોટ એસો., શિકારા એસો., ત્રણ મજહબી સંગઠન, ગુજ્જર બક્કરવાલ એસો., પહાડી વેલફેર ફોરમ, દસ્તકાર યુનિયન, કેસર અને ફળ ઉત્પાદક એસો., વ્યાપારી સંગઠન, પત્રકાર એસો.ના ત્રણ ગ્રૂપ, બિન સરકારી સંગઠન અને બુદ્ધિજીવી વર્ગ ઉપરાંત રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાર્તાકાર મુલાકાત લેશે. આ માટે તમામ પ્રતિનિધિમંડળોને તંત્ર તરફથી આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. ચાર દિવસ બાદ વાર્તાકાર જમ્મુમાં વિવિધ પ્રતિનિધિ મંડળની પણ મુલાકાત લેશે.

કાશ્મીર મારું બીજું ઘર છે
કાશ્મીર જતાં પહેલાં દિલ્હી ખાતે દિનેશ્વર શર્માએ જણાવ્યું હતું કે કાશ્મીર મારું બીજું ઘર છે. અહિની કાશ્મીરિયત પરસ્પર ભાઈચારો અને સદભાવ દર્શાવે છે. તેમણે અન્ય કોઈ અટકળોથી દૂર રહેવાની સલાહ આપતાં જણાવ્યુંં હતું કે વાતચીતથી જ સમસ્યા હલ થઈ શકે છે. અને તેઓ કાશ્મીરમાં વિવિધ પ્રતિનિધિ મંડળ સાથે વાત કરીને કોઈ પ્રકારનો નિષ્કર્ષ કાઢી શકે તેમ છે. તેમણે જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે કાશ્મીરમાં શાંતિ સ્થપાશે.

વાર્તાકાર પાસેથી વધુ આશા રાખી ન શકાયઃ ફારૂક અબ્દુલ્લા
દરમિયાન નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યુ હતુ કે કાશ્મીર મુદે વાર્તાકાર પાસેથી વધુ આશા રાખી શકાય તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ અગાઉ પણ કેન્દ્ર સરકારે અનેક વાર્તાકારની નિમણુક કરી હતી. જેમાં અાપણા રાજ્યપાલ એન એન વોહરા પણ વાર્તાકાર રહી ચુક્યા છે. આ માટે કેન્દ્ર સરકારે પાંચ જૂથ બનાવ્યા હતા. જેમાં છ વર્ષ પહેલાં પણ ત્રણ સભ્યવાળા વાર્તાકાર જૂથની રચના કરવામાં આવી હતી.પણ તેના અહેવાલ કે ભલામણ અંગે કેન્દ્ર તરફથી આજ સુધી કોઈ ચર્ચા થઈ નથી.

You might also like