દિનેશ શર્માની પસંદગીથી કોંગ્રેસના કાર્યકરોમાં અાશ્ચર્ય

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષ નેતાના મોભાદાર હોદ્દા માટે ઇન્ડિયા કોલોનીના કોર્પોરેટર એવા હિંદીભાષી બ્રાહ્મણ દિનેશ શર્માની પસંદગી થતાં કોંગ્રેસના કાર્યકરોમાં અાશ્ચર્ય ફેલાયું છે.

મ્યુનિ. કોંગ્રેસ કાર્યાલયમાં દરિયાપુરના સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી અને રામોલ-હાથીજણના અતુલ પટેલનાં નામની પણ ચર્ચા હતી પરંતુ અચાનક દિનેશ શર્માનું નામ ઊછળવા લાગ્યું અને છેલ્લે તેઅો બાજી મારી લેતાં અનેક કોર્પોરેટરો પણ અચરજમાં મુકાઈ ગયા છે. દિનેશ શર્માની ત્રીજી ટર્મ છે. તેઅો મ્યુનિ. કોંગ્રેસ કાર્યાલયમાં પણ ભાગ્યે જ દેખાય છે. જો કે તેઅો મહત્વાકાંક્ષી છે. એક સમયે તેમણે પૂર્વ નેતા બદરુદ્દીન શેખની સામે બળવાનું બ્યૂગલ પણ ફૂક્યું હતું.

તેમ છતાં કોંગ્રેસ હાઈકમાન્ડની પસંદગીના પાત્ર દિનેશ શર્મા બન્યા છે તે વિષય કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસના હોદ્દેદારોનો એક વર્ગ કહે છે કે, વિપક્ષના નેતા પદે બેસાડીને શહેર કોંગ્રેસના કેટલાક અગ્રણીઅો દિનેશ શર્મા થકી કેટલાક નેતાઅો ‘બેક સીટ ડ્રાઈવિંગ’ કરશે. એક સમયે ધારાસભ્ય બનવા માટે મરણિયા થયેલા કોંગ્રેસના એક અગ્રણીના દબાણની અાગળ હાઈકમાન્ડ ઝૂક્યું છે. અા હિંદીભાષી અાગેવાનના હઠાગ્રહ ઉપરાંત પક્ષના વિભિન્ન કાર્યક્રમો માટે તમામ પ્રકારની શક્ય તેટલી મદદ કરી અાપવાની દિનેશ શર્માની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ અાવો નિર્ણય લેવાયો છે. તેવો કટાક્ષ કરતાં અા કાર્યકરો વધુમાં ઉમેરે છે કે જો કે અા નિર્ણયથી પક્ષમાં જૂથબંધી પુરબહારમાં બહાર અાવશે.

You might also like