રાજકોટમાં હત્યા કરાયેલા દિનેશ દક્ષિણીના અમદાવાદમાં અંતિમ સંસ્કાર

અમદાવાદ: રાજકોટની જાણીતી ઓઇલ મિલ રાજમોતી મિલની અમદાવાદ બ્રાંચના મેનેજર યુવકને મિલ માલિક સમીર શાહ તેમજ રાજકોટના પીએસઆઇ મારુ સહિત ચાર લોકોએ માર મારી મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મૃતક મેનેજરના મૃતદેહને ગઇ કાલે રાત્રે અમદાવાદના જીવરાજપાર્ક ખાતેના નિવાસસ્થાને લવાયો હતો અને આજે સવારે તેના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા દિનેશભાઇ મગનભાઇ દક્ષિણી (ઉં.વ. ૪૨) રાજકોટની રાજમોતી ઓઇલ મિલની અમદાવાદ બ્રાંચના મેનેજર હતા. ચારેક દિવસ અગાઉ મિલ માલિક સમીર શાહે તેઓને હિસાબના ગોટાળા અંગે રાજકોટ રાજમોતી મિલે આવવાનું કહ્યું હતું, જ્યાં તેમણે તેમને બે દિવસ સુધી ગોંધી રાખ્યા હતા.

બાદમાં તેમનાં પત્નીને ફોન કરી જાણ કરાઇ હતી કે તેઓને મિલ માલિક અને બેડીપરા પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ માર મારી રહ્યા છે. આ બાબતની જાણ થતાં તેમના સાળા અશોકભાઇ ઠક્કરે સમીર ગાંધી નામની વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં પીએસઆઇ મારુ અને અન્ય પોલીસ કર્મીઓ સામે આક્ષેપો કર્યા છે.

You might also like