ચૂંટણી પ્રતીક માટે લાંચની ઓફરના આરોપમાં દિનાકરનની ધરપકડ

નવી દિલ્હી: ચૂંટણીપંચના અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાના આરોપસર દિલ્હી પોલીસે અન્નાદ્રમુકના નેતા ટીટીવી દિનાકરનની ગઈ કાલે રાતે ધરપકડ કરી છે. દિનાકરન પર પાર્ટીના ચૂંટણી ચિહ્ન બે પાંદડાં તેમના જૂથ પાસે રાખવા ચૂંટણીપંચના અધિકારીઓને લાંચ આપવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ છે.

જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીર રંજને જણાવ્યું કે દિનાકરન ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ચાણક્યપુરીમાં ક્રાઈમ બ્રાન્ચની ઈન્ટર સ્ટેટ કચેરીમાં પૂછપરછ માટે હાજર થયા હતા, જ્યાં લગભગ છ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી દિનાકરન સાથે મિત્રતા ધરાવતા મલ્લિકાર્જુનની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ચૂંટણી અધિકારીઓને લાંચ આપવાની કોશિશના કેસમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ બાદ મલ્લિકાર્જુન દિનાકરન જે જગ્યાએ જાય ત્યાં તેની સાથે રહેતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં દિનાકરનનો અંગત સચિવ જનાર્દન સાક્ષી બનવા તૈયાર થઈ ગયો છે.

દરમિયાન દિનાકરને તેની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેણે ચંદ્રશેખરની મુલાકાત લીધી હતી અને તે એવું માનતો હતો કે ચંદ્રશેખર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે, જોકે તેણે પાર્ટીના ચૂંટણી પ્રતીક માટે વચેટિયાને પૈસા આપવાની વાતનો ઈનકાર કર્યો હતો. દિનાકરન અન્નાદ્રમુકના વિવાદાસ્પદ નેતા ચંદ્રશેખરની ધરપકડ બાદ તપાસ એજન્સીઓના રડારમાં આવી ગયો હતો. દિનાકરનું કહેવું છે કે તેણે ક્યારેય ચંદ્રશેખરની મુલાકાત લીધી નથી. દિલ્હી પોલીસે ગત સપ્તાહમાં દિનાકરના ઘેર જઈને સમન્સ પાઠવ્યો હતો.

તેને આ સમન્સ ચૂંટણીપંચના અધિકારીઓને તેમના પક્ષનું ચૂંટણી પ્રતીક તેમના જૂથને મળે તે માટે લાંચની ઓફર કરવા બદલ પાઠવવામાં આવ્યો હતો. પોલીસે દિનાકરન સામે તે બિનનિવાસી ભારતીય હોવાથી તે દેશ છોડી ફરાર થઈ ન જાય તે માટે લુકઆઉટ નોટિસ જારી કરી હતી ત્યારે આ મામલે દિનાકરને જણાવ્યું હતું કે તેનો પાસપોર્ટ 20 વર્ષથી અદાલતમાં જમા છે. તેથી તે કેવી રીતે ભાગી શકે. તેમ છતાં મારી સામે લુકઆઉટ નોટિસ કેમ કાઢવામાં આવી તેવા સવાલ ઉઠાવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like