મારી બે મા છેઃ કરણ કાપડિયા

સિમ્પલ કાપડિયાનો પુત્ર કરણ જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે તેણે તેનાં માસી ડિમ્પલ કાપડિયા અને કઝીન ટ્વિન્કલ ખન્નાને કહ્યું હતું કે તે અભિનય કરવા ઇચ્છે છે. આ અંગે કરણે જણાવ્યું કે તેની વાત સાંભળીને પહેલાં તો તેઓ હેરાન થઇ ગયાં હતાં, પરંતુ પછી સમજી ગયાં કે તેમની સાથે હંમેશાં ફિલ્મોના સેટ પર જવા-આવવાના કારણે કરણમાં આ ઇચ્છા ઉદ્ભવવી સ્વાભાવિક હતી.

તેમણે કરણને અભિનય સાથે આવનારાં જોખમ વિશે પણ સમજાવ્યું. કરણ કહે છે કે ત્યારથી જ તે બંને મને સાથ આપતાં આવ્યાં છે. મને ફિલ્મો માટે તૈયાર કરવામાં મદદ પણ કરી. કરણ હવે ટોની ડિસોઝા અને વિશાલ રાણાની આગામી ફિલ્મ માટે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. તેણે જણાવ્યું કે મેં ઘોડેસવારી અને મોટરસાઇકલ ચલાવવાનું શીખી લીધું છે. બેંગકોકમાં મેં સ્વિમિંગ અને માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી છે.

પહેલાં કરણનું વજન ૧૧૨ કિલો હતો, પરંતુ તે હવે વજન ઘટાડીને ૮૮ કિલોનો થઇ ગયો છે. કરણ પોતાની માસી ડિમ્પલ સાથે રહે છે, જે તેના માટે માતા અને પિતા બંને સમાન છે. તે કહે છે કે હું ૧૫ વર્ષનો હતો ત્યારે મારી માતા ગુજરી ગઇ, પરંતુ હું લકી છું કે આજે મારી પાસે બે મા છે.

હું માસીને મારી ગર્લફ્રેન્ડથી લઇને મિત્રોની લડાઇ અને કામ અંગે ખૂલીને વાત કરી શકું છું. ટ્વિન્કલની પણ ખૂબ નજીક છું. અમે ઘણી વાર મળીએ છીએ. તે કમાલની છે. લેખિકા બનવાનું તો તેના ભાગ્યમાં લખ્યું જ હતું. સૌથી સારી સલાહ મને અક્ષય પાસેથી મળી છે. તેણે એક વાર કહ્યું હતું કે કોઇ પણ કામ નાનું કે મોટું હોતું નથી.

You might also like