ઝાકિર સાથેના કાર્યક્રમ બાદ દિગ્વિજય ફસાયા : ચોતરફી દબાણ

નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં સીનિયર નેતા દિગ્વિજયસિંહ 2012માં ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકનાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેનો વીડિયો વાઇરલ થયા બાદ હાલ વિવાદ પેદા થઇ ગયો છે. આ વીડિયોમાં દિગ્વિજય સિંહ વિવાદિત ઇસ્લામિક ઉપદેશકનાં વખાણ કરતા પણ જોવા મળે છે. સિંહ કહે છે કે હું ખુશ છુંકે ઝાકિર આખા વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.

દિગ્વિજયે ઝાકિરનાં કાર્યક્રમમાં ગયા હોવાની પૃષ્ટી પણ કરી છે. તેમણે કહ્યું કે હા હું આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયો હતો. મે સાંપ્રદાયિક હિંસાની વિરુદ્ધ બોલ્યો હતો અને દેશમાં શાંતિની વાત કરી હતી. જો નાઇકે કાંઇ પણ ખોટું કહ્યું છે તો સરકારે તેની તપાસ કરવી જોઇએ.

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ દિગ્વિજય સિંહ પર પસ્તાળ પડવા માંડી છે. ભાજપનાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે કોંગ્રેસની આતંકવાદી સંગઠનો સાથેની સહાનુભુતી કોઇ ચોંકાવનારી બાબત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકાનાં કેફેમાં બંધક બનાવીને 20 લોકોની હત્યા કરવાનાં કિસ્સામાં ઝાકિર નાઇક શંકાનાં ઘેરામાં આવી ગયા છે. કહેવાઇ રહ્યું છેકે આ વિવાદિત ઇસ્લામિક ઉપદેશકની સ્પિચથી જ ઢાકા હુમલાનાં આતંકવાદીઓ પ્રભાવિત હતા.

મુંબઇ ખાતેની ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનાં પદાધિકારીઓની પોલીસની એક ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. નાઇક અંગે કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ સાઉદી અરબમાં છે. તે ધાર્મિક યાત્રા પર ગયેલા છે અને 11 જુલાઇએ ભારત પરત ફરશે. તે ભારત પરત આવ્યા બાદ પોતાનાં પર લાગેલા તમામ આરોપો અંગે સ્પષ્ટતા કરશે. ઝાકિરની ઓળખ ઇસ્લામિક ઉપદેશક તરીકે વિશ્વવિખ્યાત છે.

You might also like