યુવાનોની ડિજિટલ ભક્તિ

આજનો આધુનિક યુગ ટેક્નોલોજીનો યુગ છે. માનવ દરેક બાબતમાં ટેક્નોલોજીનો ગુલામ બન્યો છે. ડગલે ને પગલે મશીનનો ઉપયોગ કરે છે. મોબાઇલ આવવાના કારણે માણસ વધારે ટેકનોસેવી બનવાની સાથેસાથે પાંગળો પણ બન્યો છે. હાલના યુગમાં મોબાઇલમાં દરેક પ્રકારની માહિતીથી માંડી ને સેવા આંગળીના ટેરવે મળે છે. ત્યારે આજના યુવાનો ટેક્નોલોજી અને ખાસ કરીને મોબાઇલભક્ત બન્યો છે.

આજનો યુવાન મોબાઇલભક્તિની સાથે પોતાના ઈષ્ટદેવની ભક્તિ માટે પણ મોબાઇલનો ઉપયોગ કરતો થયો છે. હવે દેવ-દેવી મંદિરના બદલે મોબાઇલ કે કમ્પ્યૂટરના ડેસ્કટોપ પર જોવા મળે છે. અત્યારનો યુવાન ભગવાનનાં દર્શન કરવા માટે મંદિર સુધી લાંબો નહીં થતા મોબાઇલમાં જ પ્રભુદર્શન કરે છે. રહી વાત દેવોને રિઝવવાની તો સ્તોત્ર કે મંત્રો માટે હવે આજનો યુવાન ગ્રંથોનાં થોથાં સાથે લઈને નથી ફરતો. ઇન્ટરનેટ પર તમામ પ્રકારની સામગ્રી સરળતાથી મળી રહે છે. આ સામગ્રી દૃશ્ય અને શ્રાવ્ય બંને માધ્યમોમાં હોય છે.

પારસ જોશી નામનો યુવાન કહે છે, “આજના ઝડપી યુગમાં મંદિર જવા કે મંદિરમાં બેસીને ભક્તિ કરવાનો સમય રહ્યો નથી. જો કે હું ચાંગોદરમાં એક કંપનીમાં નોકરી કરતો હોઈ અપ-ડાઉનનો સમય ૪ કલાક જેટલો થઈ જાય છે. આ સમયમાં હું
સ્તોત્રપઠન કરું છું.

હું નિયમિત સુંદરકાંડ તથા વિષ્ણુસહસ્ત્ર નામ તથા શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરું છું. ભક્તિ કરવાથી મને માનસિક શાંતિ મળે છે સાથે સાથે અપ-ડાઉનનો સમય પણ ક્યાં પસાર થઈ જાય છે તેનો ખ્યાલ નથી રહેતો.

ડિજિટલ મીડિયાનો વ્યાપ મોટા પ્રમાણમાં વધ્યો છે. યુવાનોનો ટેક્નોલોજી તરફનો ઝોક જોઈને હવે વિવિધ લાઇબ્રેરી દ્વારા પોતાનાં પુસ્તકોને ડિજિટલ બનાવવાનું કામ આરંભી દેવાયું છે. વિવિધ ભાષાઓની પ્રખ્યાત કૃતિઓ હવે માત્ર લાઇબ્રેરીમાં નહીં રહેતા ડિજિટલ સ્વરૂપે ઓનલાઇન પણ મળી રહે છે. વિવિધ વેબસાઇટ્સ પર પુસ્તકોની ખરીદી પણ ઓનલાઇન કરી શકાય છે.

આ અંગે માહિતી આપતાં માહિ શાહ જણાવે છે કે, “મને ગુજરાતી સાહિત્ય વાચનનો ખૂબ જ શોખ છે. જો કે લાઇબ્રેરી જઈને વાંચવું અથવા પુસ્તક સાથે લઇને ફરવું મારા માટે અશક્ય છે માટે હું ઓનલાઇન એપ દ્વારા ગુજરાતી સાહિત્યની વિવિધ બુક્સ વાંચતી રહું છું. આ એપના કારણે મારે લાઇબ્રેરી જવું અને પુસ્તકો સાથે ફેરવવાની મહેનત તો ઓછી થાય જ છે ને હું મારી અનુકૂળતાએ પુસ્તકો વાંચી શકું છું.

હાલના સમયમાં ડિજિટલ મીડિયાની હરણફાળને જોતાં યુવા લેખકો અને કવિઓનો પણ એક આખો એવો ફાલ આવ્યો છે જે પોતાની કૃતિઓ ઓનલાઇન જ મૂક છે. પુસ્તકને ડિજિટલ સ્વરૂપે વિવિધ એપ પર મૂકી દે છે. આ પુસ્તકોની કોઈ હાર્ડ કોપી હોતી નથી. તે માત્ર ડિજિટલ સ્વરૂપે જ વાંચવા મળી શકે છે.

કાર્લ માર્ક્સનું એક વાક્ય છે કે જ્યારે મંદીમાં મંદિર તરફ લોકો વધારે ખેંચાય છે. હાલ મંદી મોઢું ફાડીને ઊભી છે. સમયનો અભાવ અને વ્યસ્તતાને કારણે યુવાનોની ડિજિટલ ભક્તિમાં વધારો માનવસહજ છે.

કૃતાર્થ જોશી

You might also like