પાચનતંત્ર જીવનના આધારસ્તંભ સમાન

મનુષ્યનું જીવન જેના પર આધાર રાખે છે તે પાચનતંત્ર (ડાઇજેસ્ટિવ સિસ્ટમ) શરીરને જીવતું રાખવા અને તંદુરસ્ત રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. અદ્ભુત રચના ધરાવતા પાચનતંત્રનું કાર્ય મોં વડે લીધેલા ખોરાકનું શક્તિમાં રૃપાંતર કરવાનું અને પાચન પછી વધેલા ખોરાકના કચરાને નિયમિત રીતે શરીરની બહાર કાઢવાનું છે, પરંતુ ક્યારેક ખાણીપીણીની અનિયમિતતા અને ઓછી ઊંઘને કારણે પાચનક્રિયા ખોરવાય છે અને તેને કારણે જ સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે.

વધુ પડતું જંકફૂડ ખાવાથી, ચરબીયુક્ત ખોરાક લેવાથી પણ પાચનને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. એસિડિટી, ગર્ડ (ગેસ્ટ્રોઇસોફેજિઅલ રિફ્લેક્સ), એપેન્ડિસાઈટીસ, કમળો, ડાયેરિયા, કબજિયાત, ઊબકા-ઊલટી, ભૂખ ન લાગવી, ખોરાક ન પચવો, ગેસ વગેરે પાચનતંત્રને લગતા રોગ છે. આજકાલ આ રોગ સામાન્ય બની ગયા છે, જે ચિંતાજનક છે.
જીવનમાં નિયમિતતા દરેક સુખની ચાવી છે

‘પહેલું સુખ એ જાતે નર્યા’ એ યુક્તિ દરેક માટે લાગુ પડે છે. પાચનતંત્ર જો સારું હોય તો જ જીવન ન્યારું બની શકે છે. ભોજન અને તેનું પાચન જ આપણી શક્તિનો સ્રોત છે. જો ખાવા પીવાની ટેવ, નિયમિત ઊંઘ અને રોજિંદી કસરતની આદત જીવનમાં રાખવામાં આવે તો તેનાથી પાચનતંત્ર સારું રહે છે. મોં, શ્વાસનળી, અન્નનળી, હોજરી, નાનું આંતરડું, પેન્ક્રિયાસ, લિવર, પિત્તાશય, મોટું આંતરડું, મળાશય અને ગુદા આમ પાચનતંત્રના આ દસ ભાગોને જો તંદુરસ્ત રાખવામાં આવે તો પાચનતંત્રની ક્રિયા વ્યવસ્થિત બને છે અને શરીર પણ સ્વસ્થ રહે છે, કેમ કે જો પાચનતંત્ર નબળું હશે તો શરીર રોગનું ઘર બની જશે.

બી.જે.મેડિકલ કૉલેજ, સિવિલ હોસ્પિટલના ગેસ્ટ્રોસર્જરી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. પ્રશાંત મહેતા સાથે પાચનતંત્રમાં કેવીકેવી સમસ્યાઓ આવતી હોય છે તથા તેનું નિવારણ કઈ રીતે થઈ શકે એ અંગે વિસ્તૃત વાતચીત કરીને કેટલાક ઉપયોગી મુદ્દાઓ અહીં રજૂ કરીએ છીએ.

જીવનશૈલીમાં બદલાવ આવે છે
આજે પાચનતંત્રને લઈને ઘણી તકલીફો લોકોમાં સામાન્ય બની ગઈ છે. જેનું એક મોટું કારણ જીવનશૈલીમાં આવેલો બદલાવ છે. આજે નવી પેઢી ઘરનાં શાક-રોટલી છોડીને બજારના જંકફૂડ તરફ વળી છે. મેંદો, ચીઝ, બટર, મસાલા વગેરેને લીધે આજે નાની ઉંમરમાં પણ પાચનતંત્રને લઈને તકલીફો શરૃ થઈ ગઈ છે. આપણા ઋષિ-મુનિઓએ પણ શુદ્ધ અને સાત્ત્વિક ખોરાક તેમજ ફળાહારની સલાહ આપી છે, જેને કાને ધરવા જેવી છે. તેના બદલે આજે લોકો ઊંધું કરી રહ્યા છે. આજકાલ લોકો પૌષ્ટિક અને શુદ્ધ ખોરાકને બદલે વધુ પડતી ચરબી અને સુગરવાળો ખોરાક ખાતાં થઈ ગયા છે. જેના લીધે અનેક સમસ્યાઓને નોતરી બેઠા છે. આજે મેદસ્વિતા તેમજ અતિ મેદસ્વિતાની તકલીફ પણ નાની ઉંમરથી વધી છે. આ સિવાય આજના યુવાનો રાત્રે મોડે સુધી જાગે છે અને ત્યારબાદ મોડેથી જમે છે. આ આદતને લીધે તેમનામાં હોર્મોનલ લેવલ ડિસ્ટર્બ થઈ જતા તકલીફો થાય છે.

કેલ્શિયમવાળા ખોરાકથી લાભ થાય
સ્વસ્થ શરીર માટે દરેક લોકોએ અનાજ, રેસાવાળો ખોરાક, શાકભાજી, સલાડ, પાંદડાંવાળાં શાક, રેસાયુક્ત ફળ, દૂધ, છાશ વગેરે જેવો પ્રોટીન, આયર્ન, વિટામિન એ, કેલ્શિયમ વગેરે તત્ત્વોથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. જે તમને શક્તિ આપે છે અને પાચનક્રિયા સરળ બનાવે છે, પરંતુ ખાવામાં કચાશ રાખનારા લોકોમાં આ તત્ત્વોનો અભાવ જોવા મળે છે. જેના ભાગરૃપે તેમને વિવિધ સપ્લિમેન્ટ્સ જેવા કે પ્રોટીન પાઉડર, વિટામિન ડીનાં ઇન્જેક્શન, વિટામિન બી ૧૨ની દવાઓ વગેરે લેવાં પડતાં હોય છે. યુવતીઓમાં આયર્નની ઊણપ પણ મોટો પ્રશ્ન બની ગયો છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થવા પૌષ્ટિક આહારની સાથે કસરત અને યોગ પણ મહત્ત્વનાં છે.

સપના બારૈયા વ્યાસ

You might also like