વિવિધ સેક્ટરના વેપારીઓનો આક્રોશ હજુ પણ યથાવત્

અમદાવાદ:  જુલાઇથી જીએસટી અમલમાં આવી ચૂક્યો છે. જીએસટીને અમલ થયાને ૧૦ દિવસ કરતાં પણ વધુનો સમય વીતીગયો હોવા છતાં વિવિધ સેક્ટરના વેપારીઓનો આક્રોશ યથાવત્ જોવા મળ્યો છે.

વેપારી એસોસિયેશનોનું કહેવું છે કે જીએસટી લાગુ થયા બાદ હજુ પણ વેપારીઓમાં અસમંજસતા પ્રવર્તી રહેલી જોવા મળી રહી છે તથા કાપડ બજાર સહિત ફર્નિચર, હાર્ડવેર બજારમાં વિરોધ હજુ પણ યથાવત્ જોવા મળી રહ્યો છે.

• કાપડ બજારઃ કાપડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ૩ જૂને જીએસટી કાઉન્સિલે કાપડ ઉપર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહી ૧ જુલાઇથી જીએસટી અમલમાં આવ્યો છે. કાપડના વેપારીઓ ટૂંકા સમયગાળામાં અમલને લઇને ભારે વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અમલ માટે દોઢ વર્ષ કરતા વધુનો સમય આપવો જોઇએ. એટલું જ નહીં અગાઉ યાર્ન ઉપર ટેક્સ હતો. આ જૂની વ્યવસ્થા ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે. મોટા ભાગના કાપડના વેપારીઓ હજુ પણ જીએસટી અંતર્ગત નવી રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી અળગા રહેલા જોવા મળી રહ્યા છે તથા કાપડ ઉપર ટેક્સ ન હોવો જોઇએ તેવી માગ કરી રહ્યા છે તથા જ્યાં સુધી જીએસટી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે જણાવ્યું કે સરકારે ખૂબ જ ઓછો સમય આપ્યો છે. મોટા ભાગના વેપારીઓ આ અંગે અજાગૃત છે તથા કાપડનો મોટો વેપાર શાખ ઉપર થાય છે ત્યારે ટેક્સ ક્રેડિટ લેવામાં મોટા પ્રશ્નો ઊભા થઇ શકે છે. સરકારે અગાઉ જે વ્યવસ્થા હતી તે ચાલુ રાખીને જીએસટીમાં રાહત આપવી જોઇએ.

• ફર્નિચર બજારઃ રાજ્યમાં ફર્નિચર પર ૧૫ ટકા વેટ હતો. જીએસટી કાઉન્સિલે ફર્નિચર પર ૨૮ ટકા ટેક્સ લાદયો છે. ફર્નિચરના વેપારીઓ આ અંગે સખત વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે સરકારના આ ટેક્સથી ફર્નિચર ૧૦થી ૧૨ ટકા મોંઘું થશે. ફર્નિચર એસોસિયેશનના સેક્રેટરી દિનેશ શેઠના જણાવ્યા પ્રમાણે ૨૮ ટકાના કમરતોડ ટેક્સના કારણે ફર્નિચરના વેપારીઓને શટરો બંધ કરવાનો વારો આવશે. ટેક્સના આ દરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં તેને ઘટાડવા પણ માગ કરવામાં આવી છે.

• હાર્ડવેર બજારઃ મોટા ભાગની હાર્ડવેર આઇટમો પર ૧૫ ટકા વેટ હતો. જીએસટી કાઉન્સિલે ૨૮ ટકાનો ટેક્સ નાખ્યો છે. હાર્ડવેરની મોટા ભાગની ચીજવસ્તુઓ મોંઘી થશે. આ અંગે હાર્ડવેર એસોશિયેશનના પ્રેસિડેન્ટ નટવરભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે હાર્ડવેર બજાર ૨૮ ટકાના ઊંચા ટેક્સનો સખત વિરોધ કરી રહ્યા છે.

• ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝઃ સરકારે હાલ ટ્રાન્સપોર્ટ્સને સીધી અસર કરે તેવું ઇ-વે બિલ હાલ મોકૂફ રાખ્યું છે, પરંતુ સુધારા સાથે આવનારા દિવસોમાં ઈ-વે બિલનો અમલ થઇ શકે છે.

ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બિલના કારણે ઇન્સ્પેક્ટર રાજ ફરી એક વખત અમલમાં આવશે તેવો ભય સતાવી રહ્યો છે. આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના અગ્રણી મૂકેશ દવેના જણાવ્યા પ્રમાણે સરકાર જીએસટીનો અમલ ભલે કર્યો હોય, પરંતુ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં હજુ પણ અસમંજસતા વચ્ચે ઇ-વે બિલ સંદર્ભે ચિંતા પ્રવર્તી રહી છે.

http://sambhaavnews.com/

You might also like