ડીઝલના ભાવ સતત બીજા દિવસે નવી રેકોર્ડ ઊંચાઈએ

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. હાલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને પ્રતિબેરલ ૭૫.૮૨ ડોલરની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે નાયમેક્સ પર ડબ્લ્યુટીઆઇ ક્રૂડનો ભાવ પ્રતિબેરલ ૬૮.૭૨ ડોલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતાં આજે ડીઝલના ઘરેલુ ભાવ પણ નવી ઊંચાઇએ પહોંચ્યા હતા. સાથોસાથે ડોલર સામે રૂપિયો ગગડવાના કારણે પણ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

ડીઝલની સાથે-સાથે પેટ્રોલની કિંમત પણ સતત વધી રહી છે, જોકે પેટ્રોલની કિંમતે હજુ સુધી વિક્રમી સપાટી પાર કરી નથી. ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિલિટર ૬૯.૪૬ની સપાટીએ પહોંચ્યો હતો, જે અત્યાર સુધીની સર્વાધિક સપાટી હોવાનું જાણવા મળે છે.

એ જ રીતે કોલકાતામાં ડીઝલનો ભાવ પ્રતિલિટર ૭૨.૩૧ અને ચેન્નઇમાં ૭૩.૩૮ની સપાટીએ પહોંચી ગયો હતો. મુંબઇમાં પણ ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ મેમાં જે વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા તેને હજુ તોડી શક્યા નથી.

આજે મુંબઇમાં ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ.૭૩.૭૪ નોંધાયો હતો. રવિવારની તુલનાએ આજે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં પ્રતિલિટર ૧૪ પૈસા અને અન્ય મહાનગરોમાં પ્રતિલિટર ૧૫ પૈસાનો વધારો થયો છે.

પેટ્રોલની વાત કરીએ તો હજુ તેના ભાવ વિક્રમી ઊંચાઇએ પહોંચ્યા નથી, પરંતુ સતત વધારો જારી છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ત્રણ પૈસા વધીને પ્રતિલિટર રૂ.૭૭.૯૧, કોલકાતામાં રૂ.૮૦.૮૪, મુંબઇમાં રૂ.૮૫.૩૩ અને ચેન્નઇમાં
રૂ.૮૦.૯૪ નોંધાયાે હતાે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

You might also like