ડાયમંડ પોલિશિંગનાં એકમો ઉપર GST ન લાદવા માગણી

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જ્વેલર્સે સરકારને રત્ન કલાકારો દ્વારા નાના અને મધ્યમ કદના એકમોમાં તૈયાર થતાં પોલિશ્ડ ડાયમંડને ટેક્સની જાળમાંથી મુક્ત રાખવાની માગ કરવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત આવતું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન પ્રવીણશંકર પંડ્યાએ કહ્યું કે હાલ ગુજરાતમાં એક અંદાજ મુજબ એક લાખથી વધુ રત્ન કલાકારો નાનાં અને મધ્યમ કદના એકમોમાં ડાયમંડ પોલિશિંગનું કામ કરે છે.

આ એકમો ડી-બિયર્સ, રિયો ટિંટો અને અલરોસા જેવી વૈશ્વિક માઇનિંગ કંપનીઓ પાસેથી રફ ડાયમંડ ખરીદે છે. પોલિશ થયેલા ડાયમંડને કારોબારીઓ, મોટા વેપારીઓ, નિકાસકારોને જ્વેલરીના મેન્યુફેક્ચરિંગ માટે પૂરા પાડે છે. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં મોટા પ્રમાણમાં ડાયમંડ પોલિશિંગના એકમો આવેલા છે ત્યારે જીએસટી કાઉન્સિલના પ્રતિનિધિઓ સામે ડાયમંડ એસોસિયેશનના ઉચ્ચ અધિકારીઓની થયેલી મુલાકાત દરમિયાન ડાયમંડ પોલિશિંગ એકમોને જીએસટીમાંથી બહાર રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

પંડ્યાના જણાવ્યા પ્રમાણે ડાયમંડ જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૩૧ અબજ ડોલરની સપાટીએ આવી ગઇ છે. ગુજરાતમાં નાના પોલિશિંગ એકમોમાં તૈયાર થયેલા ડાયમંડને રાજ્ય બહાર મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યમાં મોકલવામાં આવે તો તેના ઉપર જીએસટી લગાવવાનું સરકારનું કોઇ પણ પગલું એકથી વધુ ટેક્સ બોજો પડશે, જેના કારણે વૈશ્વિક લેવલે હરીફાઇમાં ટકી રહેવું મુશ્કેલ થશે. તેમણે જણાવ્યું નિકાસ માટે તૈયાર કરવામાં આવેલા ડાયમંડ તથા જ્વેલરી પર કોઇ ટેક્સ લાગતો નથી. જ્યારે સ્થાનિક વેચાણ પર બે ટકા ટેક્સ એટલે કે એક ટકો વેટ અને એક ટકો એક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવે છે. આ ટેક્સ સિસ્ટમ જીએસટીમાં પણ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like