રૂ. ૧૫ લાખના હીરા સાથે ગુમ થયેલા વેપારીની લાશ મળી અાવતા ચકચાર

અમદાવાદ: ભાવનગર જિલ્લાના તલગાજરડાના વેપારી છ દિવસ અગાઉ રૂ. ૧૫ લાખના હીરા સાથે રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા બાદ અા વેપારીની લાશ વિકૃત હાલતમાં મળી અાવતા ભારે ચકચાર જાગી છે. અા અંગેની વિગત એવી છે કે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામે રહેતા હીરાના વેપારી પ્રવીણભાઈ બાબુભાઈ ગોદાણી છ દિવસ અગાઉ રૂ. ૧૫ લાખના હીરા લઈ મહુવા ખાતે રહેતા તેના ભાગીદારને મળવા નીકળ્યા હતા.

પ્રવીણભાઈ ભાગીદારને મળવા ગયા બાદ મેઘદૂત સિનેમા નજીકથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. અા અંગે પોલીસને જાણ કરવામાં અાવતા પોલીસે સઘન શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં હીરાના વેપારી પ્રવીણભાઈ ગોદાણીની લાશ મહુવા નજીક વાંગર પાસે અાવેલા નાળા નજીકથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી અાવી હતી.

પોલીસે મૃતદેહને પીએમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન પ્રવીણભાઈની હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like