હીરા ઉદ્યોગને રોકડના અભાવનું ગ્રહણ

કેન્દ્ર સરકારનાં નોટબંધીનાં નિર્ણયની અસર સૌથી ચમકદાર એવા હીરા ઉદ્યોગને પણ નડી રહી છે. સુરતના હીરા ઉદ્યોગની ડિમાન્ડ ઇન્ટરનેશનલ લેવલે છે. બજારમાં કામ કરનારા લોકો પણ તૈયાર છે. ઑર્ડરની ડિમાન્ડ પણ છે, પરંતુ કૅશ નથી એટલે ગાડી દોડાવવી કેવી રીતે? ૨૦૦૮ની મંદીમાં તો ઇન્ટરનેશનલ લેવલે ડિમાન્ડ ન હતી એટલે સમસ્યા ઊભી થઇ હતી. હાલમાં તો આવી કોઇ સમસ્યા નથી છતાં કૅશ વગર બેસી રહેવાનો વારો આવ્યો છે. લોકો હવે કૅશથી ચેક સિસ્ટમ પર આવવાની વાત કરવા લાગ્યા છે પરંતુ તે કેટલું શક્ય છે તે અંગે ઘણાને શંકા છે. હાલ તો કારીગરો બેરોજગાર ન થઇ જાય તે માટે થોડાંઘણાં કામકાજ શરૂ થયાં છે પરંતુ બજારમાં કૅશ ક્યારે આવશે તે કોઇ જાણતું નથી. કૅશથી ચેક પર શિફ્ટ થયા પછી સરકારી દખલગીરી તો નહીં વધી જાયને તેનો બધાને ડર સતાવે છે. આમ, હીરા ઉદ્યોગ ફરીથી કેટલા સમય પછી ધમધમતો થશે તે કોઇ પણ ચોક્કસ રીતે કહી શકતું નથી. કોઇ કહે છે મહિનામાં શરૂ થઇ જશે તો કોઇ કહે છે હજુ ૬ મહિના નીકળી જશે. ત્યાં સુધી હજારો લોકોની રોજગારીનું શું તે મોટો પ્રશ્ન છે?

૫૦ ટકા લોકો આવે છે, તે પણ ટાઇમપાસ કરવા
સુરતમાં વરાછા મિનીબજારમાં હીરાની લે-વેચનું કામ મોટાપાયે થાય છે. આજદિન સુધી ત્યાં કરોડોનો વેપાર માત્ર ચબરખી પર થતો હતો. મિનીબજારમાં આવેલા મલ્ટિલેવલ પાર્કિંગમાં ૧૨૦૦ વાહનો પાર્ક કરવાની કેપેસિટી છે. પાર્કિંગ કામકાજના દિવસોમાં ફુલ હોય છે, પરંતુ ડિસેમ્બર પછી માંડ ૫૦ ટકા જેટલાં વાહનો જ આવતાં હોય છે. બજારમાં આવનારા આ ૫૦ ટકા લોકો પાસે પણ ભાગ્યે જ કોઇ ધંધો છે. તેઓ માત્ર ટાઇમપાસ કરવા જ આવે છે. તેમને પૂછો તો તેઓ કહેશે કે ઘરે બેસીને નવરા શું કરીએ? કામકાજ તો કાંઇ છે નહીં. બજારમાં આવીને ટાઇમપાસ થઇ જાય છે. મહીધરપરા ખાતે આવેલા હીરા બજારમાં પણ આવી જ સ્થિતિ છે. છેેલ્લાં ૧૭ વર્ષથી હીરા બજારમાં દલાલીનું કામ કરતા ભગવાનજીભાઇ મોવલિયા કહે છે, “બજારમાં કામ જ નથી. હજુ મહિના સુધી તો નવરા બેસી રહેવું જ પડશે. પછી પણ શું થાય તેની કોઇ ગેરંટી નથી. સૌથી મોટી સમસ્યા તો એ છે કે હવે કામકાજ કૅશમાં થશે કે ચેકમાં તેની કોઇ જાણકારી નથી. અગાઉ બેથી ૫ાંચ ટકા જેટલું કામ કૅશમાં થતું હતું હવે બધું કામ ચેકમાં કરવું પડશે એવું લાગે છે, પરંતુ બધો દારોમદાર સરકાર માર્કેટમાં કૅશ ઉપલબ્ધ કરાવે તેની ઉપર છે. તે પછી પણ શું પૉલિસી આવે તે અંગે બધાને શંકા છે. ચેકમાં કામકાજ શરૂ કરી દઇએ અને પછી શું થાય તે અંગે બધાને ડર સતાવે છે. સરકાર અને બીજી સંસ્થાઓએ આ અંગે બધાને પૂરતી સમજ અને જાણકારી આપવી જોઇએ તો જ લોકો ચેકથી કામ કરતા થશે. ”

શું તેઓ તમામ વ્યવહાર ચેકથી કરવા તૈયાર છે? તે અંગે મોવલિયા કહે છે કે, “સારું થશે જો બધું ચેકથી થાય, પરંતુ હાલમાં તો થોભો ને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છીએ, સરકાર શું કરે છે તેની પર આધાર છે.”

કારીગરોને ટકાવી રાખવા પ્રયાસ
સુરતના હીરા ઉદ્યોગમાં ૫૦૦૦ જેટલાં કારખાનાંઓ છે જેમાં ૧૦૦૦ જેટલાં મોટાં અને ૪૦૦૦ જેટલાં નાનાં કારખાનાં છે. મોટાં કારખાનાંઓમાં મોટાભાગે કામકાજ ચેકથી થતું હોય છે એટલે તેમને હાલમાં પ્રશ્ન નથી પરંતુ નાનાં કારખાનાં, જે પૂરેપૂરાં કૅશ પર જ ચાલતાં હતાં તે હાલ ભારે મુશ્કેલીમાં છે. તેઓ કારીગરોનો પગાર કૅશથી જ કરતા હતા અને હીરાની લેવડદેવડ પણ કૅશમાં કરતા હતા. હવે ૧ ડિસેમ્બરથી જે કારખાનાં શરૂ થયાં છે તે કારીગરોની રોજગારીને ધ્યાનમાં રાખીને કામકાજ કરી રહ્યાં છે. સવાણી વિસ્તારમાં છેલ્લાં ૨૫ વર્ષથી કારખાનું ધરાવતા આર.આર. વાવડી આવી જ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. તેમને ત્યાં ૨૦ ઘંટીઓ છે અને ૭૦ માણસ કામ પર આવે છે. આર.આર. વાવડી કહે છે, “હાલમાં તો કોઇને પગાર કરવાનો નથી, પરંતુ ૧ જાન્યુઆરીએ કરવાનો આવશે ત્યારે શું થશે તેની બીક છે. તેઓ હાલ સુધીમાં કૅશથી કામ કરતા હતા હવે કૅશ નથી એટલે એકદમ ચેકથી પગાર કેવી રીતે થશે તેની સમસ્યા છે. પહેલાં તો પેઢી શરૂ કરવી પડશે જેની તૈયારી શરૂ કરી દીધી છે. જે પેમેન્ટ આવવાનાં બાકી છે તેની રાહ જોઇ રહ્યા છે. આ બધું લાઇન પર આવતા ૬ મહિના નીકળી જશે એવું લાગી રહ્યું છે.”

વરાછા મેઇન રોડ પર કારખાનું ચલાવતા પનીશ ઝાલાવડિયા પણ કૅશ ન હોવાથી કારીગરોને ૧૦ કલાકની જગ્યાએ માત્ર ૫ાંચ જ કલાક કામ કરાવી ગાડું ગબડાવી રહ્યા છે. પનીશભાઇ કહે છે, “વર્ષ ૨૦૦૮ની મહામંદી જેવી હાલત તો નથી પરંતુ તેનાથી જુદી છે. ત્યારે કામ ન હતું. લોકો કામ શોધતા હતા. હાલમાં કામ છે પણ કૅશ શોધે છે. હાલ તો દિવાળી પહેલાંનો જે હીરાનો સ્ટોક છે તેના આધારે કામ ચાલી રહ્યું છે પરંતુ એક મહિના પછી શું થશે તેની બીક લાગે છે. હવે બધું કામ ચેકથી કરવાનું આવશે તેવું લાગે છે તેથી પેઢીની નોંધણી કરાવવા સીએને વાત પણ કરી છે. જો બધા લોકો ચેકથી કામ કરતા થઇ જશે તો ફાયદો થશે. ઊંચા વ્યાજે બજારમાંથી રકમ નહીં લેવી પડે. બેંકમાંથી લોન મળતી થઇ જશે. નફો પણ વધશે, પરંતુ બધા જ લોકો સિસ્ટમમાં ગોઠવાય તો જ આ શક્ય છે. જોકે, હજુ ૬ મહિના તો સહન કરવાનો વારો આવશે જ. ગાડી પાટો બદલે ત્યારે અવાજ આવે. ઝાટકો લાગે. લોકો સહન કરવા તૈયાર છે પરંતુ પછી ગાડી સડસડાટ ચાલશે કે નહીં તેની ઉપર મીટ મંંડાયેલી છે.”

બેંકમાં કૅશ નથી, માર્કેટમાં ક્યાંથી આવશે?
હાલમાં બેંકોને કૅશ મળતી નથી તો કારખાનેદારોને કૅશ ક્યાંથી મળે? એટલે તેઓ મોટી સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે તેવું બેંકના હોદ્દેદારો જ કહી રહ્યા છે. વરાછામાં ૪.૫ લાખ ખાતાંધારકો ધરાવતી વરાછા કો-ઓપરેટિવ બેંકના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા કહે છે, “હીરા ઉદ્યોગ વર્ષોથી કૅશ પર ચાલે છે. ૨૦૦૮ની મંદી પછી કેટલીક મોટી કંપનીઓએ ચેકથી કામકાજ શરૂ કર્યું પરંતુ તે પણ ૫૦ ટકા જ. અમારી બેંકમાં ૪.૫ લાખ ખાતાં છે, પરંતુ હીરાના કારખાનાઓનાં કોઇ ખાતાં નથી. નોટબંધી પછી કારખાનામાલિકો તરફથી પૂછપરછ શરૂ થઇ છે, પરંતુ આખો હીરા ઉદ્યોગ કૅશથી ચેક પર આવી જશે એ આશા વધુ પડતી છે. તમામ પૈસા મુંબઇથી આંગડિયા મારફતે આવતા અને તેનાથી વ્યવહાર ચાલતો. નોટબંધી પછી આંગડિયા બંધ છે એટલે બજારમાં કૅશ આવતી ન હોઈ કામકાજ ઠપ થઇ ગયાં છે. કૅશ ક્યારે આવશે અને તે પણ આંગડિયા મારફતે ક્યારે આવશે તે તો કોઇ કહી શકતું નથી. આરબીઆઇ બેંકોને જ કૅશ આપતી નથી તો આંગડિયા

ક્યાંથી લાવશે?”
શું હીરા ઉદ્યોગ બેંકિંગ સિસ્ટમમાં આવી જશે ખરો? તેવા સવાલના જવાબમાં ભાલાળા કહે છે કે, “હાલમાં કંઇ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે એવા લોકો છે જે બોગસ પેઢીઓ ચલાવે છે તેઓ ખરીદ-વેચાણનાં બિલ આપવાનું કામ કમિશન લઇને કરતા હોય છે. એટલે કેટલા પ્રમાણમાં લોકો બેંકિંગ સિસ્ટમમાં આવશે તે મોટો સવાલ છે. જોકે, આવી જાય તો કારખાનેદાર, દલાલ અને કારીગરો બધાને ફાયદો જ છે.”

૨૦૦૮ પછી સિસ્ટમમાં આવવાની બીજી તક
હીરા ઉદ્યોગ માટે કામ કરતી સંસ્થા સુરત ડાયમંડ એસોસિયેશન આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એસોસિયેશનના પ્રમુખ દિનેશ નાવડિયા કહે છે, “હાલ સુધી કૅશ પર જ વહેવાર ચાલતો હોવાથી મોટી સમસ્યા છે. નાના કારખાનેદાર જેઓ ૧૦ ઘંટી ચલાવતા હતા તેમને પણ અઠવાડિયે રૂ. ૨થી ૩ લાખની કૅશની જરૂર રહેતી હતી પરંતુ હાલ બેંકમાંથી ૫૦,૦૦૦ રૂપિયા ઉપાડવાની જ મર્યાદા છે. તે પણ મળે કે નહીં તેની કોઇ ગેરંટી નથી. એટલે સમસ્યા તો છે પરંતુ મોટાભાગનાં કારખાનાં શરૂ થઇ ગયાં છે. મહિના પછી જ્યારે પગાર કરવાનો સમય આવશે ત્યાં સુધીમાં બેંકો પૈસા આપતી થઇ જાય તેવી આશા છે.”

જોકે, નાવડિયા કહે છે કે, “વર્ષ ૨૦૦૮ની મંદી વખતે જે લોકોએ પોતાની સિસ્ટમ સુધારી લીધી હતી તેમને આજે કોઇ સમસ્યા નથી. તેઓ કૅશ ન હોવા છતાં આસાનીથી કામ કરી રહ્યા છે. આમ પણ સિસ્ટમમાં આવવાથી લોકોને ફાયદો જ છે. બજારમાંથી ઊંચા વ્યાજે પૈસા લેવા અને કમિશન આપીને બિલ લેવામાં નફો ઓછો થાય છે તે વાત લોકોને સમજ પડતી નથી. બેંકિંગ સિસ્ટમમાં આવવાથી નફો વધી જાય છે તે ૨૦૦૮ની સાલમાં સિસ્ટમમાં આવી ગયેલા લોકોને હાલ સમજાઇ રહ્યું છે. એટલે હાલ હીરા ઉદ્યોગ માટે બીજી મોટી તક છે કે કૅશની જગ્યાએ ચેકથી જ કામકાજ શરૂ કરે. ત્યારે પણ એસોસિયેશન તરફથી બધાને સમજાવવામાં આવ્યા હતા અને હવે પણ સમજાવી રહ્યા છીએ. આ માટે ૧૩ તારીખે સેમિનાર પણ રાખ્યો છે.”

કામકાજ શા માટે કૅશથી?
સુરતનો ડાયમંડ ઉદ્યોગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો છે. આ ૯૦ હજાર કરોડ રૂપિયામાં ૯૩ ટકા ધંધો વિદેશ સાથે થાય છે. સ્થાનિક બજારમાં માત્ર ૭ ટકા જ ધંધો છે. એટલે વિદેશમાંથી જે હીરા મગાવાય છે તેનું પેમેન્ટ મોટાભાગે બેંકિંગ સિસ્ટમથી જ થાય છે. એટલે હીરાની આયાત ચેક પેમેન્ટથી જ થાય છે. આ હીરા સુરતના હીરા ઉદ્યોગમાં આવે તે પછી તેને ઘસીને તૈયાર કરવામાં આવે છે. તે ઘસવા માટે ૫૦૦૦ જેટલી ફેક્ટરીઓ છે. તેમાંથી ૧૦૦૦ જેટલી ફેક્ટરી મોટી છે જે મોટાભાગે ચેકથી જ કામકાજ કરતી હોય છે. નાની ફેક્ટરીઓમાં કૅશથી કામકાજ થાય છે. હીરા ઘસાઇ જાય તે પછી પાછા નિકાસ કરી દેવાય છે. આ નિકાસનું પેમેન્ટ પણ બેંકિંગ સિસ્ટમથી જ આવે છે. આમ, હીરાની આયાત અને નિકાસ તો બેંકિંગ સિસ્ટમમાં પસાર થયા પછી જ થાય પરંતુ વચ્ચે જે કટિંગ, પૉલિશિંગ એટલે કે હીરા ઘસવાનું કામ છે તે કૅશથી થાય છે. કૅશથી જ કામ કેમ થાય છે તેવા સવાલના જવાબમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે કારખાનેદારો સરકારી દખલગીરી ઇચ્છતા નથી. હાલમાં માત્ર ઇન્કમટેક્સ જ ભરવો પડે છે. બીજી કોઇ માથાકૂટ નથી.  એક વાર બેંકિંગ સિસ્ટમમાં આવે તો ઘણાબધા વિભાગો તરફથી ઇન્ક્વાયરી શરૂ થઇ જાય તેવો લોકોને ડર છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જૂના લોકોને બેંકમાં જવા અને ચોપડા સાચવવાની પળોજણમાં પડવું નથી એટલે પણ તેઓ સિસ્ટમમાં આવતા નથી.

એક વાત તો ચોક્કસ છે કે સરકાર ક્યારે શું નીતિ અપનાવે તેનો લોકોને ભરોસો નથી. નોટબંધી પછી વારંવાર યુ ટર્ન આવ્યા, નિયમો બદલ્યા તેની અવળી અસર પડી છે. લોકોને વિશ્વાસ નથી. આ વિશ્વાસ કેળવવા માટે હીરા ઉદ્યોગના અગ્રણીઓએ મહેનત કરવી પડશે. હાલ તો ૪થી ૫ લાખ કારીગરો પર નભતા ૨૦ લાખ લોકો આવતા મહિને ઘર કેવી રીતે ચાલશે તેના ડરમાં દિવસો પસાર કરી રહ્યા છે. રત્નકલાકારોને બેરોજગાર તો નહીં થવું પડેને તેનો ડર સતાવી રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like