ભારતમાં બનેલી ડાયાબિટીસની દવાનો અમેરિકામાં વાગશે ડંકો

નવી દિલ્હી: સેેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિ‌સિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (‌સીમેપ) અને રાષ્ટ્રીય વનસ્પતિ રિસર્ચ સંસ્થા (એનબીઆરઆઇ) દ્વારા વિકસિત ડાયાબિટીસની દવાનો ડંકો હવે અમેરિકામાં પણ વાગવા લાગ્યો છે અને તેને નવું બજાર મળવાની આશા છે.

કેલિફોર્નિયામાં રર થી ર૪ જૂન સુધી આયોજિત ઇન્ડો-યુએસ વેલનેસ સમારંભમાં ડાયાબિટીસની દવા બીજીઆર-૩૪નું પ્રદર્શન કરાયું. આ દવાને જે રિસ્પોન્સ મળ્યો તેનાથી વિજ્ઞાનીઓ અતિઉત્સાહિત છે. આ દવા લખનૌ શહેરની એક મોટી ઉપલ‌િબ્ધ પણ છે.

સમારંભનું આયોજન અમેરિકન એજન્સીઓ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ ‌મંત્રાલય સહયોગી રહ્યું હતું. અમેરિકામાં મોટી સંખ્યામાં ડાયાબિટીસના દર્દીઓ છે, જે ઇલાજ માટે આયુર્વેદિક, પ્રાકૃતિક ચિકિત્સા અને યોગને વૈકલ્પિક ઉપચારના રૂપમાં અપનાવી રહ્યા છે. આવામાં બીજીઆર-૩૪ને પણ અમેરિકાનું બજાર મળવાની આશા છે.

ભારતમાં ડાયાબિટીસના ઇલાજમાં આ ઔષધી વિશેષ સ્થાન બનાવી ચૂકી છે. ‌સીમેપના ડિરેક્ટર પ્રો.અનિલકુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ૬ ઔષધીય છોડના મિશ્રણમાંથી બનાવાયેલી આ ઔષધી ટાઇપ-રના દર્દીઓ માટે અત્યંત લાભકારી છે.

બીજીઆર-૩૪ ડાયાબિટીસની દવા મેટ ફાર્મિંગના બરાબર નહીં, પરંતુ તેના કરતાં વધુ અસરકારક છે. દવા વિકસાવનાર સીમેપ અને એનબીઆરઆઇને પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડ મળી ચૂકયો છે. ડાયાબિટીસની આ દવા લાંબા સમય સુધી લઇ શકાય છે.

આ હર્બલ ઔષધીના નિર્માણમાં ઘણી બધી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરાયો છે, જે ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. ખેડૂતો દ્વારા તેની ખેતી સરળતાથી થઇ શકે છે. આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસના દર્દીઓના બ્લડ ગ્લુકોઝને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. વળી, શરીરમાં રોગ પ્રતિકારકશકિત પણ વધારે છે.

You might also like