ધ્રુવની આત્મહત્યામાં ચાર પોલીસકર્મીઓને ક્લીનચિટ

અમદાવાદ: ગોમતીપુરના ધ્રુવ પરમાર આપઘાત કેસમાં એસઓજી દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનના એએસઆઇ સાંમતસિંહ ખાંટની ધરપકડ કરીને તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે જ્યારે પીસીઆર વાનમાં ફરજ બજાવતા અન્ય 4 પોલીસકર્મીઓને એસઓજીએ ક્લીન‌િચટ આપી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર 4 પોલીસકર્મીઓનો ધ્રુવને મારવામાં કોઇ રોલ  નહીં હોવાના કારણે તેમને આ કેસમાં સાક્ષી બનાવાય તેવી શક્યતાઓ છે.

અમદાવાદના ગોમતીપુરમાં ધો.9માં ભણતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે પીસીઆર વાન આવીને ધ્રુવને લઈ ગઈ હતી અને પાછી મૂકી ગયા બાદ ધ્રુવને લાફા મારીને પોલીસ જતી રહી હતી. આથી ધ્રુવ લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કેસની તપાસ એસઓજી ક્રાઇમના એસીપી બી.સી.સોલંકીને સોંપવામાં આવી હતી.

એસીપી બી.સી.સોલંકીએ ધ્રુવ પરમારની અડોશપડોશમાં રહેતા તમામ લોકોનાં નિવેદનો લીધાં હતાં ત્યારે તેના પિતા ભરતભાઇનું નિવેદન લીધું હતું, જેમાં બી.સી. સોલંકીને તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ધ્રુવ રોડ ઉપર અપશબ્દો બોલતો હતો. તે સમયે ઇ-મેમો આપવા માટે પસાર થઇ રહેલી પીસીઆર વાનને કેટલીક મહિલાઓએ અટકાવીને ધ્રુવ અંગે ફરિયાદ કરી હતી, જેના કારણે પોલીસે ધ્રુવને પીસીઆર વાનમાં બેસાડીને ફેરવ્યો હતો.

પીસીઆર વાનમાં એએસઆઈ સામંતસિંહ ખાંટ તથા કોન્સ્ટેબલ અશ્વિનકુમાર જીવાભાઈ, વિનોદ ગણપતભાઈ, રજનીકાંત શ્રીમાળી, હરેન્દ્રસિંહ જાડેજા હતા. ધ્રુવના આપઘાત બાદ તમામ પોલીસ કર્મચારી રજા પર ઊતરી ગયા હતા. એસીપી બી.સી.સોલંકીએ વસ્ત્રાલ જલસાગર સોસાયટીમાં રહેતા સામંત ખાંટની ધરપકડ કરી છે ત્યારે અન્ય 4 પોલીસકર્મીઓ કેસમાં સાક્ષી બને તેવી શક્યતા છે. આ મુદ્દે એસીપી બી.સી.સોલંકીએ જણાવ્યું છે કે આ કેસમાં ખાલી સામંતસિંહ ખાંટનો મહત્ત્વનો સામે આવ્યો છે આ સિવાય અન્ય પોલીસકર્મીઓનો કોઇ ઘટના અંગે કોઇ રોલ સામે આવતો નથી.

You might also like