સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ટાઉનમાં મોડી રાત્રે કોમી અથડામણ થતા ભારે તંગદિલી

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ટાઉનમાં ગઇ મોડીરાત્રે કોમી અથડામણ થતાં ભારે તંગદિલી છવાઇ હતી. પોલીસે બળનો ઉપયોગ કરી ત્વરીત પગલાં ભર્યા હતા અને સમગ્ર ટાઉનમાં વગર કર્ફયુએ કર્ફયુ જેેવો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધ્રાંગધ્રા ટાઉનમાં મુસ્લિમો અને ભરવાડો વચ્ચે છેલ્લા કેટલાક વખતથી અદાવત ચાલે છે. ગઇ રાત્રે આશરે ૧૧ વાગ્યાના સુમારે સીએનજી પંપ ઉપર રિક્ષામાં ગેસ ભરવાની બાબતે બે યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી બાદ આ મામલાએ ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. ધ્રાંગધ્રાની મેઇન બજારમાં બંને કોમના ટોળાંઓએ આમને સામને આવી જઇ એકાબીજાના વાહનોમાં તોડફોડ કરી હતી. બંને કોમ વચ્ચે ખેલાયેલા આ સશસ્ર ધીંગાણામાં છ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં ત્રણથી સ્થિતિ અત્યંત નાજુક જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ કાફલાએ તાબડતોબ પહોંચી જઇ કડક બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે.

આ ઉપરાંત હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં દરબાર અને રબારી કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ જોરદાર ધીંગાણું થયું હતું. હિંસક બનેલા ટોળાંએ વાહનોમાં તોડફોડ કરી મકાનોને આગ ચાંપતા વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનામાં પણ ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ પરિસ્થિતિ‌ને કાબુમાં લીધી હતી.
http://sambhaavnews.com/

You might also like