ધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત

(એજન્સી) ચેન્નઈ: IPL-૧૨માં આજથી બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરતા ચેમ્પિયન બનીને પોતાનો દમ દેખાડ્યો હતો. ધોનીના ધુરંધરો આજે ચોથો ખિતાબ જીતવાના પોતાના અભિયાનની શરૂઆત આરસીબી સામેની ઉદ્ઘાટન મેચથી કરશે. આજની મેચ ચેન્નઈ ખાતે રાત્રે ૮.૦૦ વાગ્યે શરૂ થશે.

ચેન્નઈ સુપર કિંગ્સની માલિકી ચેન્નઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ પાસે છે. આ IPLની સૌથી સફળ ટીમ છે. વર્ષ ૨૦૧૧, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચેમ્પિયન બનનારી આ ટીમ ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫માં રનર્સ અપ રહી હતી, જ્યારે ૨૦૦૯ અને ૨૦૧૪માં ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. ૨૦૦૮થી ૨૦૧૮ દરમિયાન આ ટીમ ૧૪૮ મેચ રમી છે, જેમાંની ૯૦ મેચમાં જીત મેળવી છે અને ૫૬ મેચમાં પરાજયનો સામનો કર્યો છે

એક મેચ ટાઇ રહી છે. ટીમની જીતની ટકાવારી ૬૧.૫૬ ટકા છે, જે એક રેકોર્ડ છે. ચેન્નઈ સુપર કિંગ્સનાે હેડ કોચ સ્ટિફન ફ્લેમિંગ છે, જ્યારે ચેન્નઈનું એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ આ ટીમનું હોમગ્રાઉન્ડ છે. મહેન્દ્રસિંહ ધોની, ડ્વેન બ્રાવો, સુરેશ રૈના, હરભજનસિંહ, ફાફ ડુ પ્લેસિસ જેવા ટીમના સ્ટાર ખેલાડી છે.

ચેન્નઈએ ગત સિઝનમાં ઘણા ખેલાડીઓને પોતાની સાથે જાળવી રાખ્યા હોવાથી આ વર્ષે બહુ ઓછા ખેલાડીઓને હરાજીમાં ખરીદ્યા હતા. આ ખેલાડીઓમાંથી એક છે મોહિત શર્મા, જે અગાઉ પણ ચેન્નઈનો સભ્ય રહ્યો છે. ટીમે મોહિત માટે પાંચ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ સિવાય કેદાર જાધવ અને અંબાતી રાયડુ જેવા ખેલાડી છે, જેઓ ચર્ચામાં રહેશે.

બે વર્ષના પ્રતિબંધ પછી ગત સિઝનમાં વાપસી કરનાર આ ટીમ ઉપર મોટી ઉંમરના ખેલાડીઓનો ટેગ લાગ્યો હતો, જોકે તેણે ચેમ્પિયન બનીને બધાને ચોંકાવી દીધા હતા. ટીમમાં ધોની, પ્લેસિસ, રૈના, મુરલી વિજય, રાયડુ, શેન વોટ્સન, બ્રાવો જેવા ૩૦ પ્લસ ઉંમરના ખેલાડીઓ છે.

માહી ચોથા નંબર પર બેટિંગ કરશેઃ કોચ સ્ટીફન ફ્લેમિંગ
ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું છે કે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની લીગમાં ચોથા નંબર પર બેટિંગ કરશે. ધોનીએ ગયા વર્ષે ચોથા નંબર પર બેટિંગ કરી હતી. તે છેલ્લા ૧૦ મહિનાથી શાનદાર ફોર્મમાં છે. અમારી પાસે કેદાર જાધવના રૂપમાં શાનદાર બેટ્સમેન છે. અમે અમારા બેટિંગક્રમથી ખુશ છીએ.

CSK પ્રથમ મેચની કમાણી પુલવામા શહીદોના પરિવારોને આપશે
ચેન્નઇ સુપર કિંગ્સ IPLની આજની પોતાની પ્રથમ મેચમાંથી થનારી કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારજનોને ડોનેટ કરશે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આ મદદનો ચેક અર્પણ કરશે.

સીએસકેના ડિરેક્ટર રાકેશ સિન્હાએ જણાવ્યું, ”આજની મેચમાંથી થનારી કમાણી ગત ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે.” તેમણે ચેન્નઇ સુપરકિંગ્સના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે, ચેન્નઇ IPLની પોતાની પ્રથમ મેચની ટિકિટોથી થનારી કમાણી પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને આપવામાં આવશે.

ભારતીય ટેરિટોરિયલ આર્મીનો લેફ્ટનન્ટ કર્નલ ધોની આ ચેક અર્પણ કરશે. વેચાણ શરૂ થયાના પ્રથમ દિવસે જ કલાકોમાં બધી ટિકિટ વેચાઇ ગઇ હતી.” પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદે સ્વીકારી હતી.

You might also like