રવિવારે શરૂ થયેલી અને સોમવારે પૂરી થયેલી મેચમાં સૌથી મોટો ‘થલાઈવા’ ધોની

(એજન્સી) ચેન્નઈ: ચેમ્પિયન ટીમ હંમેશાં ચેમ્પિયનની જેમ જ રમે છે અને જ્યારે વાત આઇપીએલની હોય તો ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)થી મોટી ચેમ્પિયન ટીમ કોઈ હશે જ નહીં, કારણ કે સીએસએક પાસે આઇપીએલનો સૌથી મોટો ‘થલાઈવા’ (નેતૃત્વકર્તા) છે. પછી વાત મેદાન પરની રણનીતિની હોય કે મુશ્કેલીમાં ફસાયેલી ટીમને બહાર કાઢવાની હોય, મહેન્દ્રસિંહ ધોનીનો વિશ્વ ક્રિકેટમાં જોટો જડે તેમ નથી.

આ વાત ધોનીએ ગઈ કાલે ફરી એક વાર સાબિત કરી દઈને પોતાની ટીમને આઠ રને મહત્ત્વપૂર્ણ જીત અપાવી દીધી. રવિવારે રાત્રે ૮.૦૦ વાગ્યે મેચ શરૂ થઈને અને મેચ પૂરી થઈ ત્યારે ઘડિયાળનો કાંટો ૧૨.૧૦નો સમય દર્શાવતો હતો. એ મેચમાં ધોનીએ ૪૬ બોલમાં અણનમ ૭૫ રનની ઇનિંગ્સ રમીને ચેન્નઈની જબરદસ્ત વાપસી કરાવી દીધી અને ટીમનો સ્કોર પાંચ વિકેટે ૧૭૫ રન સુધી પહોંચાડી દીધો.

ગઈ કાલે રાજસ્થાન સામેની મેચમાં નસીબના બળિયા કહેવાતા ચેન્નઈના કેપ્ટન ધોનીએ એક ખાસ જીવતદાન મળ્યું. ધોનીના નસીબ એટલા સારા હતા કે જોફ્રા આર્ચરનો ૧૪૩ કિ.મી.ની ઝડપે ફેંકાયેલો બોલ સ્ટમ્પ સાથે અથડાયો છતાં બેલ્સ પડ્યા નહીં. એ ઘટનાએ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ધોનીને મળેલા જીવતદાનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ ગયો છે.

ધોનીને જીવતદાન આપનારી એ ઘટના છઠ્ઠી ઓવરમાં બની હતી. જોફ્રા આર્ચરે પોતાની બીજી ઓવરનાે ચોથો બોલ ફેંક્યો, જે ધોનીના બેટ અને પેડને અડીને સ્ટમ્પ પર વાગ્યો. આમ છતાં બેલ્સ પડ્યા નહીં. એ જોઈને રાજસ્થાનના કેપ્ટન અજિંક્ય રહાણે, બેન સ્ટોક્સ અને સ્ટીવ સ્મિથ આશ્ચર્યમાં પડી ગયા. ધોનીને મળેલું એ જીવતદાન રાજસ્થાન માટે એક મોટા ઝટકા સમાન સાબિત થયું, કારણ કે જ્યારે એ ઘટના બની ત્યારે ચેન્નઈની ત્રણ વિકેટ પડી ચૂકી હતી. ધોનીએ હજુ ખાતું પણ ખોલ્યું નહોતું અને જો ધોની પણ આઉટ થઈ ગયો હોત તો ચેન્નઈ મોટી મુશ્કેલીમાં પડી જાત.

જીવતદાન મળ્યા બાદ ધોનીએ રૈના સાથે મળીને ચેન્નઈને ઇનિંગ્સ સંભાળી લીધી હતી અને ચોથી વિકેટની ભાગીદારીમાં ૬૧ રન ઉમેર્યા હતા. ધોનીએ ગઈ કાલે આઇપીએલમાં પોતાનો બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ તેણે ૨૦૧૮માં મોહાલી ખાતે કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૭૯ રનની ઇનિંગ્સ રમી હતી.

ગઈ કાલની મેચમાં ધોની જાણતો હતો કે મોટો સ્કોર બનાવવા માટે અંતિમ બોલ સુધી બેટિંગ કરવી પડશે. તેણે કર્યું પણ એવું જ અને ૩૮ બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરનારા ધોનીએ અંતિમ ઓવરમાં પોતાના હાથ ખોલવાનું શરૂ કરી દીધું. રૈનાના આઉટ થયા બાદ ધોનીએ ડ્વેન બ્રાવો (૨૭) સાથે પાંચમી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી નોંધાવી.

ધોનીની શાનદાર રણનીતિનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે ચેન્નઈએ અંતિમ ચાર ઓવરમાં ૬૭ રન ઝૂડી કાઢ્યા, જ્યારે ઉનડકટની અંતિમ ઓવરમાં ૨૮ રન ફટકારી દીધા, જેમાં ધોનીના છગ્ગાની હેટટ્રિક પણ સામેલ હતી. ૨૦૧૯ની આઇપીએલમાં જયદેવ ઉનડકટની એ સૌથી ખર્ચાળ ઓવર હતી.

You might also like