શહેરમાં ‘તારા ગ્રહો સારા નથી’તેમ કહી ભભૂતિધારી બાવાએ ડોક્ટરને લૂંટી લીધા

શહેરના પાલડી વિસ્તારમાં એક ભભૂતિધારી બાવાએ ડોક્ટરનાં પર્સ અને ચેઇનની લૂંટ કરીને ફરાર થઇ જવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. છ મહિના પહેલાં બાવાએ ડોક્ટરને માનવ મંદિરનું સરનામું પૂછ્યું હતું ત્યાર બાદ તારા ગ્રહો સારા નથી તેમ કહીને ભંડારા માટે રૂપિયા માગ્યા હતા ડોક્ટરને વિશ્વાસમાં લઇને બાવાએ તેમનાં પર્સ અને ચેઇનની લૂંટ કરી હતી.

પાલડી વિસ્તારમાં આવેલ નવકાર ડુપ્લેક્સ જૈન સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવતા ડો.સુરેશભાઇ પ્રતાપરાય શાહે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. તારીખ ૨૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ ડો.સુરેશભાઇ પાલડી વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં દર્શન કરીને પોતાની હોસ્પિટલ જતા હતા તે સમયે એક કાર ચાલક તેમની પાસે આવ્યો હતો અને માનવ મંદિર જવાનો રસ્તો પૂછ્યો હતો. તે જ સમયે કાર ચાકલની બાજુની સીટમાંથી એક ભભૂતિધારી બાવો ઊતર્યો હતો અને તારા ગ્રહો સારા નથી તેમ કહી ભંડારા માટે રૂપિયાની માગણી કરી હતી.

સુરેશભાઇએ બાવાને આપવા માટે પર્સમાંથી રૂપિયા કાઢ્યા ત્યારે તેને પર્સ ઝૂંટવી લીધું હતું. જ્યારે સુરેશભાઇની ૫૦ હજાર રૂપિયાની ચેઇન જોવા માગી હતી. સુરેશભાઇએ ચેઇન આપવાનો ઇન્કાર કરતાં બાવાએ તેમના ગળામાં હાથ નાખીને ચેઇન તોડી નાંખી હતી અને તેની કારમાં ચેઇન અને પર્સ મૂકી દીધાં હતાં. દરમિયાનમાં બાવાએ સુરેશભાઇને કહ્યું હતું કે તારા ઘરમાં અગરબત્તી કરીને આવ ત્યાર બાદ તને પર્સ અને ચેઇન આપી દઇશ.

બાવાની વાત સાંભળીને સુરેશભાઇએ તેમની પત્ની કલ્પનાબહેનને નીચે ગેટ પાસે બોલાવ્યાં હતાં. કલ્પનાબહેન ગેટ પાસે આવ્યાં ત્યારે તેઓ ઘરમાં અગરબત્તી કરવા માટે ગયાં હતાં જ્યાં બાવો પણ તેમની પાછળ પાછળ ઘરમાં ઘૂસવા માટે ગયો હતો ત્યારે કલ્પનાબહેને તેને અંદર જતાં રોક્યો હતો. આ સમયે બાવો તેની કારમાં બેસીને રફુચક્કર થઇ ગયો હતો. કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે નહીં તે માટે ડો.સુરેશભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી ન હતી. પરંતુ ગઇ કાલે તેમને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બાવા વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે.

You might also like