ધોલેરા ‘સર’: કાગળ પરના વિકાસની વાસ્તવિકતા

“…બસ, હવે અહીંથી ધોલેરા ૫૦ કિમી દૂર છે.”. ૪ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યા આસપાસ કારમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરાથી ડાબી તરફના રસ્તે વળતાં જ કાર ડ્રાઈવર કમ મિત્રએ ઉચ્ચારેલા આ વાક્યથી જ મનમાં ધોલેરા સર અને સ્માર્ટ સિટીને લઈને કલ્પનાનાં ઘોડાપૂર ઉમટવાં શરૂ થઈ ગયાં. યાદ આવ્યો વર્ષ ૨૦૦૯નો વાઇબ્રન્ટ ગુજરાતનો ભપકાદાર કાર્યક્રમ, એમઓયુના મસમોટા આંકડાઓ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની ચકાચૌંધ, વિકાસનાં રંગીન સપનાં, યુ ટ્યુબ પરના હાઈ ડેફિનેશન વીડિયોમાં સર્જાતું કલ્પનાનું ધોલેરા સ્માર્ટ સિટી. જેમાં ઊંચે આકાશે ઊડતાં વિમાનો, જાપાનીઝ બનાવટની પૂરપાટ ઝડપે દોડતી મેટ્રો ટ્રેન, શાંઘાઈને પણ શરમાવે તેવા સુપર એક્સપ્રેસ હાઈવે પર દોડતી મોંઘી કાર્સ, રસ્તાની બંને બાજુ લહેરાતાં હરિયાળાં વૃક્ષોની કતારો, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગગનચુંબી ઈમારતો, તમામ સુવિધાઓથી સજ્જ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલો, ઈ-વેસ્ટને રિસાઈકલ કરી બેસ્ટમાં બદલતા સ્માર્ટ કારખાનાં, ઘન અને પ્રવાહી કચરાનો વ્યવસ્થિત નિકાલ કરતાં સ્માર્ટ મશીનો વગેરે અઢળક કલ્પનાઓએ દિમાગને ઘેરી લીધેલું. આટલું બધું એક સાથે દિમાગમાં ઘૂસી આવે તેમાં નવાઈ જેવું કશું નહોતું, કારણ આ તમામ કલ્પનાઓની રાજ્ય સરકારે એટલી મોટાપાયે જાહેરાત કરી હતી કે ચારેકોર ધોલેરા સરની જ ચર્ચા થતી હતી.

પણ આ મનોહર કલ્પનાઓ લાંબી ન ટકી. જેમજેમ કાર બગોદરાથી ધોલેરા તરફ આગળ વધતી ગઈ તેમતેમ, ધોલેરા સ્માર્ટ સિટી અને સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન(સર)ને લઈને સરકારે સર્જેલી કલ્પનાસૃષ્ટિ નજર સામે જ એક પછી એક ભાંગીને ભુક્કો થવા માંડી. કોઈ યુવાનનું દિલ તૂટે એમ અમારી કલ્પનાસૃષ્ટિ પણ ધરાશાયી થવા માંડી, કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત સરકારે જે

કલ્પનાવિશ્વ દુનિયા સામે ખડું કર્યું હતું તેનો રતિભાર પણ અમલ અહીં થયો હોય તેવું ક્યાંય દેખાતું નહોતું. હા, વાસ્તવિકતા જરૂર ડોળા ફાડતી નજર સામે આવી હતી. એ વાસ્તવિકતા એટલે ‘ધોલેરા સર વેચાતું નથી’ તે. પહેલી વાર માનવામાં ન આવે તેવી આ હકીકતથી વાકેફ થવું હોય તો બગોદરાથી ધોલેરા શહેર અને ધોલેરા ‘સર’ આસપાસનાં ગામડાંમાં આંટો મારવો પડે. અહીં ઠેરઠેર આ વાસ્તવિકતા હારેલા યોદ્ધાની જેમ નિસાસા નાખતી પડી છે. શરત એટલી કે તમારામાં તેને પારખવાની દૃષ્ટિ હોવી જોઈએ. વાત ધોલેરા ‘સર’ની નિષ્ફળતાની કરવાની છે ત્યારે આ કહાનીમાં ઊંડા ઊતરતા પહેલાં તેની સામાન્ય સમજણ મેળવવી જરૂરી છે.

ધોલેરા એસઆઈઆર(સર)નો જન્મ
વિકાસની જનક ગુજરાત સરકાર અને તેમનાં વહાલાં સંતાનોસમા બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સની મિલીભગતની આ વાત છે. વર્ષ ૨૦૦૯ના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અગાઉ રાજ્યની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે ધી ગુજરાત સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન ઑર્ડિનન્સ ૨૦૦૯ અંગેનો વટહુકમ બહાર પાડીને એસઆઈઆર(સર)ની જાહેરાત કરી હતી. ૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેનો અમલ શરૂ થયો હતો. સર એક્ટ અંતર્ગત રાજ્યમાં ૬ જેટલા સર સ્થાપવાની સરકારે જાહેરાત કરી અને તે માટેનાં સંભવિત સ્થાનો પણ નક્કી કર્યાં હતાં. જેમાંનું એક સ્થળ એટલે અમદાવાદથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલું ભાલ પંથકનું ધોલેરા. વટહુકમ મુજબ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયનની સ્થાપના, વિકાસ, નિયંત્રણ અને સંચાલનની સત્તા સરકાર હસ્તક રાખવામાં આવી.

જાહેરાત પ્રમાણે સર વિસ્તાર ૧૦૦ કિમી કરતાં વધુમાં હશે, જેમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા ૫૦ કિમી કરતાં વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે. બાદમાં સરના વહીવટની સર્વોચ્ચ સત્તા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બોર્ડને સોંપવામાં આવી. સર વટહુકમ બાદ વાઇબ્રન્ટ ગુજરાત – ૨૦૦૯માં પ્રથમ વખત ધોલેરા સર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાત કરાઈ. બે વર્ષ બાદ ૨૦૧૧માં અમદાવાદ જિલ્લાના ધોલેરા શહેર આસપાસનાં ૨૨ ગામોના ૯૨,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ‘ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન’ની જાહેરાત કરવામાં આવી.

બિલ્ડર્સનાં દિવાસ્વપ્ન, સ્થાનિકોનો બળવો
વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૦૯માં ધોલેરા સર અને તેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જાહેરાત થતાની સાથે જ આ વિસ્તારમાં જમીનોના ભાવ અચાનક આસમાનને આંબી ગયા. વહીવટી સરળતાના બહાને સરકારે અહીંના ધંધુકા અને બરવાળા તાલુકાનાં ૨૨ ગામોને તોડીને ધોલેરા તાલુકો બનાવ્યો, જેથી તમામ ‘વહીવટ’ એક જ જગ્યાએથી થઈ શકે. સરના કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ પાર્ટી સર વિસ્તારમાં જમીન ખરીદે તેમણે ૫૦ ટકા જમીન કપાતમાં આપવી પડે. લાલચુ બિલ્ડર્સને નફામાં આટલું મોટું નુકસાન કોઈ કાળે પોસાય તેમ ન હોવાથી તેમણે સર વિસ્તારની બહાર, ખાસ તો સરને અડીને આવેલાં ગામોની ખેતીલાયક, પડતર જે હાથે લાગી તે જમીનો ખરીદવા માંડી. નવી રહેણાક સોસાયટીઓ અને પ્લોટ્સના વેચાણની જાહેરાતો કરવા માંડી. અમદાવાદનાં છાપાંઓમાં પાનાં ભરીને ‘ધોલેરા સરમાં પ્રોપર્ટીના માલિક બનો’ પ્રકારની જાહેરાતનો મારો ચાલવા લાગ્યો. અમદાવાદ, મુંબઈ સહિતનાં શહેરોના હાઈ પ્રોફાઈલ લોકો નાનકડા ધોલેરામાં આંટાફેરા કરતા થઈ ગયા.

૨૦૧૨માં સરકારે જાહેરનામું બહાર પાડીને આ ગામોની તમામ જમીનો સર હેઠળ આવતી હોવાથી વહેલી તકે ધોલેરા સર ઓથોરિટીને સોંપી દેવા મિટિંગ યોજી. રાજ્ય સરકારે ધોલેરા વિસ્તારમાં ૬ ટી.પી. પાડી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ મુજબ ખેડૂતોની ૪૦ ટકાને બદલે ૫૦ ટકા જમીન ગેઝેટમાં જાહેરાત કરીને એક ઝાટકે લઈ લેવાનું નક્કી કર્યું. ખેડૂતોની જમીન આ રીતે મફતમાં લઈ લેવાની હતી અને બાકીની જમીન ખેડૂતને જે ગામમાં ખરાબામાં કે અન્ય ક્યાંક ખાલી પડે ત્યાં આપવાની હતી. આ યોજનાના અમલ માટે રાજ્ય સરકારે સર એક્ટમાં ટીપી એક્ટને સમાવી લીધો હતો. સરકારની આવી મનમાની સામે અહીંનાં ૨૨ ગામો (બાવળિયાળી, પાંચી, સાંઢિડા, ધોલેરા, કાદિપુર, આંબળી, ભડિયાદ, ગોરાસુ, ચેર, સોઢી, સાંગાસર, ઓતારિયા, હેબતપુર, મહાદેવપુરા, ગોગલા, ભીમતળાવ, રાહતળાવ, મુંડી, ઝાંખી, મિંગળપુર, ભાણગઢ)ના ખેડૂતોએ મોરચો માંડ્યો. તેમણે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનિંગ એક્ટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને હાઈકોર્ટમાં પડકારી. ખેડૂતો દ્વારા સર એક્ટની કલમ ૩,૪,૫,૮,૧૭ અને ૨૯ની બંધારણીય યોગ્યતાને પડકારતા એવી દલીલ મૂકવામાં આવી કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની હોવાથી ટાઉન પ્લાનિંગ હેઠળ કેવી રીતે લઈ શકાય ? ખેડૂતોની વિવિધ દલીલોને માન્ય રાખીને ૧૦ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન એક્ટિંગ ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકારે આ ૨૨ ગામોની જમીનનો કબજો ન લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો.

પર્યાવરણની મંજૂરી મેળવવા અસત્યનો સહારો
ભાલ બચાવો સમિતિના અધ્યક્ષ પ્રદ્યુમ્નસિંહ ચૂડાસમા ધોલેરા સર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગની મંજૂરી મળી રહે તે માટે સરકારે કઈ હદે જૂઠ ચલાવ્યું તેની વાત કરતાં કહે છે કે, “સરના અધિકારીઓ સાથેની અમારી પ્રથમ મિટિંગ દરમિયાન અમે એવી રજૂઆત કરી હતી કે જ્યાં સુધી પર્યાવરણ મંત્રાલય તરફથી વેળાવદર નેશનલ પાર્કના ઈકો સેન્સિટિવ એરિયા અને દરિયાકાંઠાની સીઆરઝેડની લીલીઝંડી ન મળી જાય ત્યાં સુધી કોઈ પ્લાનિંગ કરી શકાય નહીં. પર્યાવરણ એક્ટ ૧૯૭૬ની જોગવાઈ મુજબ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના ઈકો સેન્સેટિવ ઝોનમાં પૂર્વમંજૂરી વિના કોઈ બાંધકામ કરવામાં આવે તો તે ફોજદારી ગુનો બને છે. કોઈ સંસ્થા કે સરકારી અધિકારી તેનો ભંગ કરે તો તેના પર ફોજદારી કેસ દાખલ થઈ શકે, રૂ. ૫ાંચ લાખ સુધીનો દંડ અને બે વર્ષની સજા સુધીની જોગવાઈ છે. ધોલેરા સરનો અંદાજિત અડધો વિસ્તાર વેળાવદરના કાળિયાર નેશનલ પાર્કના ઈકો સેન્સેટિવ ઝોનમાં આવે છે. છતાં પર્યાવરણ મંત્રાલયની પૂર્વમંજૂરી વિના અહીં સરનું પ્લાનિંગ શરૂ કરાયું હતું. નિયમ મુજબ જે તે સંસ્થા કે કંપનીએ પ્રથમ પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મેળવવી પડે. એ માટે તેણે જે તે વિસ્તારની જમીન, જીવજંતુ, દરિયાની સ્થિતિ વગેરેને લઈને અહેવાલ તૈયાર કરવાનો હોય છે. જેને સેન્સેટ રિપોર્ટ કહે છે. ધોલેરા સર ઓથોરિટીએ આ રિપોર્ટ એક ખાનગી કંપની પાસે તૈયાર કરાવેલો. એ રિપોર્ટમાં ધોલેરા સરની હદથી માંડી ૫૯૫ મીટર દૂર વેળાવદરનું કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન બતાવાયું. પણ પર્યાવરણ મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલી અરજીમાં ગુજરાત સરકારે આ બાબતનો ઉલ્લેખ જ કર્યો નહીં.

સરકારે ધોલેરા સરની પૂર્વ બાજુ ખંભાતનો અખાત, દક્ષિણ બાજુ ભાવનગર જિલ્લાની હદ, ઉત્તર બાજુ ધોલેરા તાલુકાનાં અન્ય ગામો નકશામાં દર્શાવ્યાં. ત્યાં સુધી સાચું પણ, પશ્ચિમ બાજુની આખી સરહદે વેળાવદરના કાળિયારના નેશનલ પાર્કનો ઈકો સેન્સેટિવ ઝોન આવેલો છે તેનો ઉલ્લેખ જ નહોતો કર્યો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે અભયારણ્યનો ઈકો સેન્સેટિવ ઝોન જાહેર થયો હોય(જો ન થયો હોય તો અભયારણ્ય ફરતે ઓછામાં ઓછા દસ કિમી વિસ્તાર) તેમાં કશું પણ પર્યાવરણ વિભાગની મંજૂરી વિના થઈ ન થઈ શકે. અગાઉની સરકારમાં આ કારણે પર્યાવરણ વિભાગની મંજૂર અટકતી હોવાથી પોતાની સરકાર દરમિયાન ગુજરાત સરકારે પશ્ચિમ સરહદે આવેલા કાળિયાર નેશનલ પાર્કનો હિસ્સો બતાવ્યો જ નહીં. સામે પર્યાવરણ મંત્રાલયે આ બાબતે કોઈ જવાબ માગ્યો પણ નહીં. ”

કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સાથે પણ ચેડાં
સીઆરઝેડનો ઉલ્લેખ કરતાં પ્રદ્યુમ્નસિંહ ચૂડાસમા જણાવે છે કે, “ધોલેરા સરમાં પર્યાવરણ વિભાગની મંજૂરી માટે સરકાર અહીં સીઆરઝેડ બાબતે પણ ખોટું બોલી છે. વન અને પર્યાવરણ મંત્રાલયના વર્ષ ૧૯૯૧ અને ત્યારબાદ ૨૦૦૩ના નોટિફિકેશન મુજબ દરિયાકાંઠાથી મહત્તમ ૭ કિમી સુધીનો જમીન વિસ્તાર કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ગણાય. જ્યાં કોઈ બાંધકામ કે કોમર્શિયલ

પ્રવૃત્તિઓ થઈ ન શકે. જ્યારે અહીં તો આખું સર ખંભાતના અખાતના કાંઠે ઊભું કરાયું છે. બીજો ખતરો સતત આગળ વધતો દરિયો છે. મારા ગામ બાવળિયાળીમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ૨૦ કિમી જમીન દરિયામાં જતી રહી છે. ધોલેરા પોર્ટના સરવૅ રિપોર્ટ મુજબ અહીં દરરોજ એક સેન્ટિમીટર જેટલો દરિયો જમીન તરફ આગળ વધે છે. અગાઉ આ જ કારણે ૧૯૬૭માં અહીંનું માંડવીપુરા ગામ આખું દરિયામાં જતું રહ્યું હતું. આ બધી બાબતોની જાણ છતાં સરકારની અહીં સર ઊભું કરવાની હઠ અનેક શંકા જન્માવે છે. બીજું કે, પર્યાવરણ વિભાગની મંજૂરી જે તે પ્રોજેક્ટ માટે ૫ વર્ષ માટે અપાતી હોય છે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ ફરીથી તેની ચકાસણી કરીને મંજૂરી લેવી પડે.

અહીં ધોલેરામાં કુલ ૬ ટી.પી. છે. જેમાં પ્રથમ બે દસ વર્ષમાં, બીજી બે ટી.પી.નો વિકાસ ૧૧થી ૨૦ વર્ષમાં અને ત્રીજી ટી.પી.ના વિકાસ ૨૧થી ૩૦ વર્ષમાં કરવાની વાત છે. મારું ગામ બાવળિયાળી છેલ્લા ફેઝમાં આવે છે. એટલે કે ત્રીસ વર્ષ બાદ અહીં પ્રોજેક્ટનો અમલ થવાનો છે. સવાલ એ છે કે ત્રણ દાયકા બાદ જે પ્રોજેક્ટ શરૂ થવાનો છે તેના પર્યાવરણનું હીયરિંગ હાલના તબક્કે કેવી રીતે રાખી શકાય. આ અમારો નહીં પણ અમારી પછીની પેઢીનો પ્રશ્ન છે. આ બાબતની રજૂઆત પણ સરના અધિકારીઓ સમક્ષ કરી હતી. તેમણે તેની નોંધ કરી ખરી પણ જવાબ હજુ સુધી આપ્યો નથી.

પર્યાવરણના હીયરિંગ વખતે સરના અધિકારીઓએ અમને લેખિતમાં જવાબ આપેલો કે તેઓ પર્યાવરણની મંજૂરી અગાઉથી લઈ લેશે, પણ લીધી નહીં. અનેક પ્રશ્નો છતાં તેને નવેમ્બર ૨૦૧૪માં પર્યાવરણની પ્રાથમિક મંજૂરી મળી ગઈ. પણ તે ધોલેરા સરને નહીં પણ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોરને મળી હોવાથી હવે સરના અધિકારીઓએ દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોરને મળેલી પર્યાવરણની મંજૂરી ધોલેરા સરના નામે ટ્રાન્સફર કરી આપવા અરજી કરી છે. જે તે વખતે મંજૂરીના રિપોર્ટમાં પર્યાવરણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રાથમિક મંજૂરીની જાણ લાગતાવળગતા તમામને કરવી, વેબસાઈટ પર અને સ્થાનિક સમાચારપત્રોમાં આ બાબતે જાહેરાત કરવી, જે લોકોએ વ્યક્તિગત વાંધા લીધા હોય તેમને લેખિતમાં જાણ કરવી જેથી કોઈને વાંધો હોય તો તે ૯૦ દિવસમાં અપીલ કરી શકે. પણ આમાંની કોઈ કાર્યવાહી કરાઈ નહીં. હીયરિંગ વખતે જેમને પર્યાવરણની મંજૂરી મળી હોય તે સત્તામંડળના અધિકારીઓએ હાજર રહેવાનું હોય. અહીં પર્યાવરણની મંજૂરી દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોરને મળી હોવા છતાં તેમની જગ્યાએ સરના અધિકારીઓ હીયરિંગમાં હાજર રહેતા હતા. દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોરના એક પણ અધિકારી હાજર નહોતા રહેતા.

‘સર’ની જમીનના વેચાણમાં દલા તરવાડી જેવો ઘાટ
ધોલેરાનાં આધારભૂત સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે હાલ ધોલેરા સરમાં ખાનગી માલિકીની અને સરકારી એમ બંને પ્રકારની જમીનો છે. વર્ષ ૨૦૧૨માં સરકારે અહીંનાં બાવીસ ગામોની થઈને ૨૮૫૦૩ હેક્ટર જમીન ધોલેરા સર ઓથોરિટીને રૂ. ૨૦ પ્રતિ ચોરસ મીટરના ભાવે વેચી હતી. એ રકમ પણ ૨૦ વર્ષ પછી પરત આપવાનું જણાવ્યું હતું. હવે આ જમીન ધોલેરા સર ઓથોરિટીની નવી બનેલી કંપની ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને દસ્તાવેજ કરીને રૂ. ૬૦૦ પ્રતિ ચોરસ મીટરના ભાવે વેચી રહી છે. જેમાં સરકારે સ્ટેમ્પ ડ્યૂટી પણ માફ કરી છે. ધોલેરાનો એક જ સરવૅ નંબર રૂ.૬૬૬ કરોડમાં ધોલેરા સર ઓથોરિટીએ આ કંપનીને વેચ્યો છે. એમાં સર ઓથોરિટી તરફથી એક ડેપ્યુટી કલેક્ટરે વેચનાર તરીકે સહી કરી છે જ્યારે અન્ય એક ડેપ્યુટી કલેક્ટરે ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપની તરફથી ખરીદનાર તરીકે સહી કરી છે. હજુ ત્રણ મહિના અગાઉ જ થયેલી આ કાર્યવાહીના દસ્તાવેજો સૂત્રો પાસે પડ્યા છે.

સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે આ કંપની જમીન પર કંઈ કરવાની નથી પણ સર એક્ટ ૨૦૦૯ની જોગવાઈ પ્રમાણે સર હેઠળ લેવાયેલી જમીન ખાનગી કંપનીને વિકાસ કરવા માટે આપી શકાશે, ખાનગી કંપની તેનો સ્વખર્ચે વિકાસ કરશે, પોતે વેચી શકશે અને જે નફો થશે તે ડેવલપર રાખી શકશે. ૪૧ કૉલમના સર એક્ટમાં મૂળથી જ આ જોગવાઈ હોવાથી દિલ્હી – મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડોર, ધોલેરા સર ઓથોરિટી કે ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાંથી એક પણ કંપની આમાં કાણી પાઈ પણ વાપરવાની નથી. સરકારના જીઆર પ્રમાણે ધોલેરા સરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (રસ્તા, વીજળી, પાણી, ગટર વગેરે) તમામનો ખર્ચ ધોલેરા સરની ૯૨૦ ચોરસ કિલોમીટર જમીન પર આવતી કંપનીઓ વચ્ચે વહેંચી દેવાનો છે. એના માટે પ્રતિ ચોરસ મીટરે રૂ.૪૦ ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો નક્કી કરાયો છે. હાલ ધોલેરા ગામમાં સરકારી સરવૅ નંબર પર રૂ.૧૨૧ કરોડના ખર્ચે એબીસી(એડમિનિસ્ટ્રેશન એન્ડ બિઝનેસ સેન્ટર) બિલ્ડિંગ એલ એન્ડ ટી કંપની દ્વારા તૈયાર થઈ રહ્યું છે પણ તેનાથી અહીં રોકાણમાં કોઈ ફરક પડે તેમ લાગતું નથી.

ધોલેરા સરના કારણે બાવીસ ગામોની દુર્દશા બેઠી
ભાલ બચાવો સમિતિના અધ્યક્ષ પ્રદ્યુમ્નસિંહ ચૂડાસમા કહે છે, “સરનું કોઈ ભવિષ્ય નથી તે સમજાય છે પણ તેની સાથે અહીંનાં બાવીસ ગામનું પણ કોઈ ભવિષ્ય નથી. એની તમામ જમીનો લઈ લેવાની છે. ઉદ્યોગો આવે તેનો અમને વાંધો નથી પણ ૨૨ ગામના ખેડૂતોની તમામ જમીનો લઈ લેવાની છે, ૫૦ ટકા જમીન કપાતમાં લઈ લેવાની અને બાકીની ૫૦ ટકા જમીન પણ અમારી પાસે નહીં રહેવા દેવાની. તેની સામે દરિયાકાંઠાની પડતર જમીન આપવાની વાત છે. જેથી અમે ખેડૂતો નવરા થઈ

જઈશું. આ તમામ ગામોની જમીન નર્મદા કમાન્ડ એરિયાની છે. ૨૦૧૦માં અહીં નર્મદાનું પાણી પહોંચાડવાનું હતું. અહીંની વલ્લભીપુર કેનાલ ૨૦૦૧થી તૈયાર છે. અહીંથી નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે પણ સર ઊભું કરવાનું હોવાથી તમામ ૨૨ ગામોને નર્મદાનાં પાણીથી વંચિત કરાયાં છે. નર્મદા ડેમ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો તેમાં ભાલને નર્મદાનું પાણી આપવાનો ઉલ્લેખ છે છતાં માત્ર સરના કારણે અમને કેનાલનું પાણી અપાતું નથી. વલ્લભીપુર કેનાલ જ ભાલ વિસ્તારની ફળદ્રુપ પણ પાણીની અછતવાળી જમીનને વધુ પોષણ મળે અને વધુ પાક લઈ શકાય તે હેતુથી તૈયાર કરાઈ હતી. હવે જો સરના કારણે આ કેનાલનું પાણી ભાલનાં આ ગામોને કાયમ માટે મળતું બંધ કરાય તો પછી કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી આ કેનાલનો કોઈ મતલબ રહેતો નથી. અત્યારે અહીં ૨૦૦૫થી સતત ચોવીસે કલાક નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે. અગાઉ સનત મહેતાના નેતૃત્વમાં અમે આ મામલે લડત આપેલી જેથી નર્મદાનું પાણી મળતું થયેલું. જોકે તેમના અવસાન પછી ફરીથી ૨૦૧૫માં અમને ડિ કમાન્ડ કરાયા. હાલના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ જ્યારે નર્મદા નિગમના એમ.ડી. હતા ત્યારે તેમણે એક માસમાં અમને નર્મદાનું પાણી આપવાનું વચન આપ્યું હતું. પણ હજુ સુધી કંઈ થયું નથી. ”

ધોલેરા તાલુકાના સરસલાપરા ગામના ખેડૂત હનુભાઈ જાદવ કહે છે, “અમારા માટે તો ખેતીની જમીન જતી રહે એટલે વિનાશ થઈ ગયો ગણાય. આવકનો બધો આધાર ખેતી છે. જો સરકાર સમજે તો ઉદ્યોગો કરતાં અનેક ગણી કમાણી ખેતીમાં રહેલી છે.

અમારે ત્યાં બધા ખેડૂતો અભણ છે. તેમને કંપનીઓમાં નોકરી મળવાની નથી. જ્યારે ખેતીમાં તો અભણ પણ કામ કરી શકે. અમારી જમીનો પર બીજા અનેક પરિવારોનું ગુજરાન ચાલે છે. આવી સ્થિતિમાં જો ખેતીની જમીન જતી રહે તો અમે તો નોધારા થઈ જઈએ. આટલાં વર્ષોમાં સરમાં કશું કામ થયું નથી. એ સાબિત કરે છે કે આ યોજનામાં ઉદ્યોગોને પણ રસ નથી.”

સરસલાપરાના અન્ય એક ખેડૂત નારણભાઈ ચૌહાણ કહે છે, “સાચું કહું તો, ૨૦૦૯માં અમને સર માટે જમીનો ખાલી કરવાની નોટિસો મળી ત્યારે ખેડૂતોને સર વિશે ખ્યાલ પણ નહોતો. છેલ્લાં ૪૦ વર્ષથી અમે નર્મદાનાં પાણીની રાહ જોઈએ છીએ. પણ હવે સરકારે સરના કારણે અમને પાણી ન આપવાનું નક્કી કર્યું છે. અમારું તો સપનું જ રોળાઈ ગયું. મારી જમીન એટલી બળુકી છે કે તેમાં વીઘે ૧૫ મણ જીરું પિયત હોય તો ઊતરે તેમ છે. અહીંની જમીનમાં થતો કપાસ વગર પિયતે માથોડા ઊંચો થાય છે. ભાલના ઘઉં તો દુનિયાભરમાં પ્રખ્યાત છે જ. આવી સોના જેવી અમારી જમીન સરકાર શા માટે ઉદ્યોગોને આપવા માગે છે એ સમજાતું નથી. અહીંથી નર્મદા કેનાલ માંડ બે કિલોમીટર દૂર છે પણ પાણીનો કાપ મૂકી દીધો છે. એટલે અમે નવરા પડી ગયા છીએ. આટલાં વર્ષમાં સરનું કામકાજ આગળ વધતું નથી એ એક રીતે તો અમારી હાય લાગી હોય તેમ લાગે છે.”

સાંગાસર ગામના શંકરભાઈ જાંબુકિયા કહે છે, “અમારા ગામની બહાર ધોલેરા સરને ધ્યાનમાં રાખીને બિલ્ડર્સે અનેક જમીનો ઊંચા દામે ખરીદીને રહેણાક મકાનોની સ્કીમ મૂકી હતી. જોકે મૂળ ધોલેરા સરમાં સરકારે બહુ ખોટાં સપનાં બતાવ્યાં હોવાની વાત જાહેર થઈ જતા રોકાણકારો અહીં આવતા બંધ થઈ ગયા. અત્યાર સુધીમાં ભાગ્યે જ કોઈ પ્લોટ અહીં વેચાયો હશે. જે બિલ્ડર્સે અહીં જમીનો ખરીદી હતી તેમના પૈસા પણ અટવાયા છે. ખરીદદારોને લલચાવવા માટે બિલ્ડર્સ નાનું મોટું બાંધકામ સતત ચાલુ રાખે છે. હવે તો એક સાથે એક પ્લોટ ફ્રી સુધીની સ્કીમ્સ પણ માર્કેટમાં આવી ગઈ છે. છતાં કોઈ લેવા તૈયાર નથી. એક જગ્યાએ તો પાંચ હજાર જેટલા પ્લોટની સ્કીમ એમની એમ વેચાયા વિના પડી છે. સર વિસ્તારની બહાર ખાસ આ સ્થિતિ પ્રવર્તે છે.

એક રીતે તો અમારા માટે આ સારો સંકેત છે. વાર્યા ન વરે પણ હાર્યા વરે તે આનું નામ. સરકાર ધોલેરા સર નામે હવે હારી ગઈ છે.”

હેબતપુર ગામના ખેડૂત હરજીભાઈ બારૈયા કહે છે, ” ભાલ વિસ્તારની જમીન ભારે ફળદ્રુપ હોવાથી અગાઉથી જ એગ્રો ઈકોનોમિક ઝોન છે. સરકારે ધોલેરા સરને ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકસાવવાને બદલે જો ઓર્ગેનિક ખેતીના સેન્ટર તરીકે વિકસાવવાની વાત કરી હોત તો વધુ રોકાણકારો આકર્ષાત. નોર્થ ઈસ્ટનાં રાજ્યોની જેમ અહીં માત્ર ખેતીપેદાશો આધારિત ઉદ્યોગોને પ્રાધાન્ય અપાયું હોત તો સારું હતું. પણ સરકારે અમને વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી. જેનું પરિણામ હવે ભોગવી રહી છે. આજે અહીં હજારો હેક્ટર જમીન બિનપયોગી સ્થિતિમાં પડી છે. સર બહાર પણ રહેણાક માટેના પ્લોટમાં બાવળ ઊગી ગયા છે.”

અંતે ‘એક સાથે એક પ્લોટ ફ્રી’ ઑફર
ધોલેરા સરનો આખો પ્રોજેક્ટ કઈ હદે ફીંડલું વળી રહ્યો છે તેનો સૌથી પહેલો પરચો અહીંના રસ્તા પરથી મળે છે. બે વર્ષ અગાઉ શરૂ થયેલું બગોદરાથી પાલીતાણા અને વચ્ચે ફેદરા (ગેલોપ્સ) ચોકડીથી ધોલેરા સુધીના રસ્તાનું સમારકામ આજે પણ જૈસે થે સ્થિતિમાં છે. મુખ્ય રસ્તાની બંને બાજુ જમીન તોડીને કપચી ભરવામાં આવી પછીથી કોઈ પ્રગતિ નથી. રસ્તાની બંને બાજુ બંધ પડેલાં કારખાનાં જેવાં રહેણાક મકાનોની સ્કીમ્સનાં સેમ્પલ હાઉસ ઊભાં છે. બિલ્ડર્સે મોટા ઉપાડે ખરીદેલી જમીનો પર પ્લોટ તો પાડ્યા છે પણ ખરીદનાર કોઈ ફરકતું નથી. લોકોને આકર્ષવા બિલ્ડર્સ સમયાંતરે સ્કીમ્સની જાહેરાતોનાં પાટિયાં બદલ્યાં કરે છે. કેટલાક વળી નાનુંમોટું બાંધકામ સતત ચાલુ રખાવે છે જેથી કરીને લોકોને નજર આવે. પણ બિલ્ડર્સ કરતાં ખરીદદાર વધુ હોશિયાર સાબિત થયા છે. હવે તો કંટાળેલા બિલ્ડર્સે મફત ફરવા મોકલવાની, માસિક સરળ હપ્તે ચૂકવણાની, એક પ્લોટ સાથે એક મફત સુધ્ધાંની તરકીબો અજમાવી જોઈ છે. એક જગ્યાએ તો ‘મુંબઈમાં ફ્લેટ ખરીદો અને ધોલેરામાં પ્લોટના મફત માલિક બનો’ની જાહેરાત દેખાય છે.

પરાકાષ્ઠા તો એવી આવી છે કે ધોલેરા સરના સ્વપ્નદૃષ્ટા વડા પ્રધાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા પણ ‘એક પ્લોટ ખરીદો, એક મફત મેળવો’ની જાહેરાતમાં મુકાયેલા જોવા મળે છે. છતાં કોઈ ફરકતું નથી.જ્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનું છે તે જગ્યાએ ચોમાસામાં દસ ફૂટ સુધી પાણી ભરાય છે. આવી સ્થિતિમાં કોઈ ત્યાં જતું પણ નથી.સરકાર એક પૈસો પણ રોકવા માગતી નથી, બીજી તરફ ખાનગી કંપનીઓ સીધો ભૂસકો મારવા તૈયાર નથી. આ પ્લાનનું કોઈ ભવિષ્ય નથી એ તો સમજ્યાં પણ, ધોલેરા ‘સર’ના કારણે આજે અહીંનાં બાવીસ ગામોનું પણ કોઈ ભવિષ્ય બચ્યું હોય તેવું દેખાતું નથી. ધોલેરા સરની આ સ્થિતિ એક રીતે તો ગુજરાત મૉડેલ, ફોટોશોપ અને જૂઠા પ્રચારની હાર છે. ગુજરાત મૉડેલની આ વાસ્તવિકતા જેટલી વહેલા સમજાય તેટલી આપણા હિતમાં છે એવું નથી લાગતું ?

You might also like