સફલ ગ્રૂપના ધીરેન વોરા પર જમીનની અદાવતમાં હુમલો

અમદાવાદ: એચ.અેન. સફલ ગ્રૂપના ભાગીદાર ધીરેન વોરા, તેમના અેકાઉન્ટન્ટ અને ડ્રાઇવર પર શાયોના બિલ્ડર્સના યોગેશ પટેલ અને તેના મળતિયાઓએ ભેગા મળી ગત મોડી સાંજે હુમલો કર્યો હતો. યોગેશ પટેલ સહિત ચાર શખ્સોએ મર્સિડીઝ કારમાં આવી બેઝબોલના બેટ વડે ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એકાઉન્ટન્ટ અને ડ્રાઇવરને માર માર્યો હતો. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં યોગેશ પટેલ સહિત ચાર શખ્સો સામે મારામારી, તોડફોડની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એચ.અેન. સફલ ગ્રૂપના ભાગીદાર ધીરેન વોરા તથા ચાર્ટર્ડ અેકાઉન્ટન્ટ આર. કે. પટેલને લઇ તેમના ડ્રાઇવર અશોકભાઇ પટેલ ગઇ કાલે સાંજે એસજી હાઇવે પર નોવાટેલ હોટલની બાજુમાં નવી બનતી સફલની મોન્ડીયલ હાઈટ્સની સાઈટ પર જવા નીકળ્યા હતા ત્યારે હોટલ નજીક સર્વિસ રોડ પર અચાનક જ તેમની કારની સામે એક સફેદ કલરની મર્સિડીઝ કાર આવી હતી અને સાઇડમાંથી એક કાળા કલરની કાર આવી હતી. બંને ગાડીઓમાંથી યોગેશ પટેલ સહિત ચારેક શખ્સો બેઝબોલના બેટ લઇને નીચે ઊતર્યા હતા.

તમામ શખ્સોએ ગાડીના આગળના કાચની તોડફોડ કરી હતી. આ તોડફોડમાં ડ્રાઇવર અશોકભાઇ પટેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર.કે. પટેલને ઇજાઓ થઇ હતી. કારમાં તોડફોડ અને હુમલો થતાં લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને યોગેશ પટેલ સહિતના લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ડ્રાઇવર અને સીએને ઇજાઓ થતાં સારવારઅર્થે શેલ્બી હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ સફલ ગ્રૂપના ધીરેન વોરા અને શાયોના ગ્રૂપના યોગેશ પટેલ વચ્ચે માધુપુરા વિસ્તારમાં આવેલી એક જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો છે અને આ ઝઘડાની અદાવતમાં યોગેશ પટેલ સહિતના ચાર લોકોએ તોડફોડ કરી હતી.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ. મશીએ જણાવ્યું હતું કે ગઇ કાલે સાંજે બિલ્ડર ધીરેન વોરા તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડ્રાઇવર પર શાયોના ગ્રૂપના યોગેશ પટેલ સહિતના ચાર લોકોએ હુમલો કરતાં મારામારી અને તોડફોડ અંગેની ફરિયાદ નોંધાઇ છે. જમીનની અદાવતમાં હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે તપાસ કરી ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ બાઉન્સર સાથે ફરી રહ્યા છે
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ અને સફલ ગ્રૂપના ભાગીદાર અને બિલ્ડર ધીરેન વોરા વચ્ચે માધુપુરા વિસ્તારમાં આવેલી એક જગ્યા અને ધંધાકીય હિસાબની ઉઘરાણી બાબતે છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલતો હતો. જેને પગલે યોગેશ ઘનશ્યામ પટેલ બહાર જતાં આવતાં બાઉન્સરની સિક્યોરિટી લઈને ફરે છે.

તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય તેવી શકયતા
એચએન સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરાની ગાડી ઉપર હુમલો કરવા અંગે સેટેલાઈટ પોલીસ મથકમાં બિલ્ડર ધીરેન વોરાના ડ્રાઈવર અશોક પરષોતમે શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ સામે ફરિયાદ કરી છે. જેના આધારે સેટેલાઈટ પેલીસે શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ સામે જામીન લાયક કલમો લગાવીને ગુનો દાખલ કર્યો છે.  બંને મોટા ગજાના બિલ્ડર હોવાથી શહેર પોલીસ દ્વારા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાય તેવી શકયતા છે.

દૂધેશ્વર પાસેની બંધ મિલની જગ્યા જમીનનો વિવાદ
બિલ્ડર ગ્રૂપના ચાલતી ચર્ચા મુજબ શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ, એચએન સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરા અને અન્ય બિલ્ડરે દૂધેશ્વર વિસ્તારની બંધ મિલની જગ્યા ખરીદી હતી. જે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ જગ્યા બાબતની હિસાબના 40 કરોડની રકમનો વિવાદ છે. આ મામલે ધીરેન વોરા અને યોગેશ પટેલ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.જોકે, ધીરેન વોરા પર હુમલો કરવા પાછળ શું કારણ જવાબદાર હતું તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થતાં શહેરની બિલ્ડર લોબીમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. બન્ને ગ્રૂપ મીડિયાથી બચવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. બંને ગ્રૂપના બિલ્ડરો કાયદાકીય સલાહ મેળવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

You might also like