ધર્મવીર હવે બોલ બોય તરીકે બાઉન્ડરી પર જોવા નહીં મળે

મુંબઈ: ટીમ ઈન્ડિયાની ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડરી લાઈન પાસે બોલ બોય તરીકે જોવા મળતા ધર્મવીર પાલને લગભગ બધા ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો સારી રીતે ઓળખે છે. બંને પગ પોલિયોગ્રસ્ત હોવા છતાં પણ ચપળતાથી બોલને મેદાનમાં ફેંકતા મધ્ય પ્રદેશના ધર્મવીર માટે ક્રિકેટરોના દિલમાં લાગણી પણ છે. હવે જોકે ધર્મવીર બોલ બોય તરીકે નહીં, પરંતુ એક પ્રેક્ષક તરીકે સ્ટેડિયમમાં જોવા મળશે. દિવ્યાંગ પાસે બોલ બોયનું કામ કરાવવાની સોશિયલ મીડિયામાં આકરી ટીકાઓ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ક્રિકેટ એસોસિયેશનને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હવે કોઈ દિવ્યાંગ વ્યક્તિનો બોલ બોય તરીકે ઉપયોગ ન કરવો.

ગત રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન પણ ધર્મવીર મુંબઈ ક્રિકેટ એસોસિયેશનની ઓફિસમાં પાસ લેવા માટે ગયો હતો. ક્રિકેટ બોર્ડના સર્ક્યુલરના કારણે તેને પાસ એલોટ કરાયો ન હતો, જોકે ક્રિકેટ બોર્ડે તેને મેચની ટિકિટ આપી હતી. ધર્મવીરે કહ્યું કે મને તો બસ સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાથી જ મતલબ છે. બીસીસીઆઈના નિર્ણય સામે મારો કોઈ વિરોધ નથી. ક્રિકેટના લીધે જ આજે હું દેશભરમાં હું જાણીતો બન્યો છું. આગામી સમયમાં પણ હું ક્રિકેટને સપોર્ટ કરતો રહીશ.

ઉલ્લેખનીય છે કે ધર્મવીર જ્યારે આઠ મહિનાનો હતો ત્યારે પોલિયોના લીધે તેના બંને પગ ખોટા પડી ગયા હતા. તે િદવ્યાંગોની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મધ્ય પ્રદેશની ટીમનો સુકાની પણ રહી ચૂક્યો છે. ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ધર્મવીર ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં પણ જઈ આવ્યો છે. ૨૦૦૪થી ભારતીય ટીમને સપોર્ટ કરતાં ધર્મવીરને સચીન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી અને યુવરાજસિંહ જેવા ટોચના ક્રિકેટરો અંગત રીતે ઓળખે છે અને અવારનવાર તેને મદદ કરતા પણ રહે છે.

You might also like