ધર્મેશ શાહ પત્ની-પુત્રીઓના અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા

અમદાવાદ: મોટી પુત્રીને વિદેશ ભણવા મોકલવા માટે પત્ની અને બે પુત્રીઓનાં દબાણથી કંટાળી જઈ તેઓની હત્યા કરનાર ધર્મેશભાઈ છેલ્લી ઘડીએ પણ તેમની પત્ની અને બંને પુત્રીઓનું મોઢું જોઈ શક્યા ન હતા. આજે સવારે અમીબહેન અને તેમની પુત્રી હેલી તેમજ દીક્ષાનાં થલતેજ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ધર્મેશભાઈને અંતિમ સંસ્કારમાં હાજર રાખવા માટે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે તેઓને હાજર રાખવા માટે પમિશન પણ આપી હતી પરંતુ ધર્મેશભાઈ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા. ધર્મેશભાઇ સ્મશાનમાં પરિવારજનો અને પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે.

કાળજું કંપાવી દે તેવી બોડકદેવની હત્યાની ઘટનામાં મૃત્યુ પામેલાં અમીબહેન અને તેમની બંને પુત્રી હેલી અને દીક્ષાની આજે સવારે સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ફ્લેટના રહીશો જોડાયા હતા. થલતેજ સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોનાં અંતિમ સંસ્કારને લઇ ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ ચોધાર આંસુએ રડી પડ્યા હતા તેમજ ભારે હ્રદયે તેઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.

ધર્મેશભાઈના પરિવારજનોએ અમીબહેન અને બંને પુત્રીઓના અંતિમ સંસ્કાર સમયે હત્યા કરનાર તેમના પતિ ધર્મેશભાઈને સ્મશાનમાં હાજર રાખવાનો નિર્ણય કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ધર્મેશભાઈને હાજર રાખવા માટે પરમિશન આપી હતી. જોકે ધર્મેશભાઇ પત્ની અને બંને પુત્રીઓના છેલ્લી ઘડીએ મોં જોઇ શક્યા ન હતા.

દેવાંના બોજ તળે અને ટેન્શનમાં આવીને પત્ની અને બંને પુત્રીઓની હત્યા કરનાર ધર્મેશભાઈ છેલ્લી ઘડીએ તેઓના પાર્થિવ દેહને કાંધ તેમજ અગ્નિદાહ પણ કેમ આપી શકયા તેને લઇ ચર્ચાનો વિષય બન્યો હતો. પોતાનાથી પત્ની અને બંને પુત્રીઓની હત્યા થઇ ગઇ હોઇ અને ધર્મેશભાઇ અંતિમ સંસ્કાર સમયે ગમગીન પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ તેઓએ જાતે જ અંતિમ સંસ્કારમાં ટાળ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

You might also like