સંસાર નાશવંત છે, મનની ગ્રંથિઓ છોડો…

આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યો જોવા મળે છે. સાત્વિક, રાજસી તથા તામસી. સાત્વિક મનુષ્યો હરહંમેશ લોકોનાં કલ્યાણ જ ઇચ્છે છે. રાજસી મનુષ્યો જગકલ્યાણ તથા ભોગ વિલાસ ઇચ્છે છે. તામસી પ્રકૃતિના મનુષ્યો પોતે શું કરે તો જગત દુઃખી દુઃખી થઇ જાય તેવું વિચારે છે. તામસી મનુષ્ય કદી કોઇનું ભલું કરી શકતા નથી.

સંસાર નાશવંત છે. મનમાંથી દુર્ભાવના દૂર કરો. કોઇ સુંદર સ્ત્રી જોઇ મનમાં દુષ્ટ વિચારોને પ્રવેશવા ન દો. જુવાનીના જોરમાં, સત્તાના ઘમંડમાં, પૈસાના તોરમાં કોઇ રૂપાંગનાની હાય ન લો. તે તમને બરબાદ કરી દેશે. કારણ સંસાર નાશવંત છે. મનની ગ્રંથિ છોડો.

આ જગત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી ભરેલું છે. માયા બડી ઠગિની હૈ. માયાથી દૂર રહો. માયા એટલી સુંવાળી તથા રૂપાળી હોય છે કે તેનાથી કોઇ દૂર રહી શકતું નથી. વિશ્વામિત્ર ઋષિ મહા તપસ્વી હોવા છતાં મેનકાના મોહમંા ફસાઇ ગયા હતા. તેથી તેમનાં અનેક વર્ષોનું તપ નષ્ટ પામ્યું હતું.

તુલસીદાસજી તેમના પૂર્વ જીવનમાં જ્યારે ફક્ત તુલસીદાસ હતા ત્યારે તેમની પત્ની રત્નાવલિ ઉપર ઘણા આસક્ત હતા. શ્રીરામની તેમના ઉપર કૃપા થતાં એક વખત તુલસીદાસજીને રત્નાવલિ કહે છે કે, મારા આ સુંદર દેહ ઉપર તમે જેટલા આસક્તિ રાખો છો તેટલી જ આસક્તિ તમે જો ભગવાન શ્રીરામ પર રાખશો તો તમારો ઉદ્ધાર થશે.’ આ વાક્ય તુલસીદાસજીને હાડોહાડ લાગી ગયાં. તેમણે તરત ગંગાજીનો માર્ગ પસંદ કર્યો તેઓ પરમ રામ ભક્ત બની ગયા. કહેવાય છે કે જ્યારે તુલસીદાસજી રામનામ જપવામાં મગ્ન હોતા ત્યારે સ્વયં હનુમાનજી તેમની ઝૂંપડી બહાર બેસી રહેતા તેમનું કીર્તન સાંભળતા.

મહર્ષિ ભરત ખૂબ તપ કરતા હતા. એક વખતે તેઓ ધ્યાનમાં હતા ત્યારે તેમને વાઘની ત્રાડ સંભળાઇ. એક ગર્ભસ્થ હરણીને તે વાઘે તરાપ મારી ફાડી ખાધી. તે વખતે વાઘની ત્રાડથી હરણીનો ગર્ભ નદીમાં સરી પડ્યો. ઋષિ તે બચ્ચાને પોતાના આશ્રમમાં લઇ આવ્યા. તેમનું ધ્યાન તે બચ્ચાની લીલાઓ જોવામાં જ રહેતું હતું. તેમનું તપ છૂટી ગયું. તેથી તેઓ યોગભ્રષ્ટ આત્મા બની બીજા જન્મે જડભરતજીના નામે ઓળખાયા.

માયા બડી ઠગિની હૈ ભૈયા જરા હોશિયાર રહો. વરના તુમ્હારે કિતને જન્મ વિફલ હો જાયેંગે. મન મરકટ કોઇ રૂપાળી સ્ત્રી પાછળ ભટકે તો તરત તેને સંભાળી લો નહીંતર તમારો જનમ નિષ્ફળ જશે. પારકી સ્ત્રી તરફ કુભાવ સેવશો તો તમારું પતન નક્કી છે. પારકાં ધનને હાથ લગાડ્યો. તે તરફ મન બગાડ્યું તો તમારા કેટલાય ભવ બરબાદ થઇ જશે તે નક્કી સમજજો.

જગત લપસણી ભૂમિ છે. તેમાં જો ચાલતી વખતે કાળજી નહીં રાખો તો લપસી જશો. તમારાં હાડકાં ખોખરાં થઇ જશે. તમે તન, મનથી અપંગ બની જશો. કારણ માયા બડી ઠગિની હૈ, ભૈયા જરા હોશિયારી સે કામ લો. જગતના તમામ ધર્મોના શાસ્ત્રોનો નિચોડ છે કે કર્મ કરતી વખતે ખૂબ સાવધ રહો. મનને ભટકવા ન દો. બને તેટલાં પુણ્ય કરો. પુણ્ય કરવાનું મન થાય તો તરત કરો. પાપ કરવાનું મન થાય તો ખૂબ સમય બરબાદ કરો. પાપને બીજા દિવસે કરવા ઉપર છોડી આજ સુધારી લો.

You might also like