ધર્મમાત્રા વધારનારી તીર્થયાત્રાના લાખેણા અગિયાર લાભ

તીર્થ અને યાત્રા આ બે શબ્દોના જોડાણથી, જેના દ્વારા મન સમક્ષ કોઇ અનેરી સૃષ્ટિ ખડી થઇ જાય એવો તીર્થયાત્રા શબ્દ બને છે. એથી તીર્થ અને યાત્રાનું અર્થ-રહસ્ય સમજી લેવા જેવું છે.
તીર્થ એ છે, જે આપણને ભવસાગરથી તરવામાં તરાપા જેવા તારક-આલંબનની જવાબદારી અદા કરે. યાત્રા એ છે, જેના દ્વારા તરવાની માત્રામાં વધારો થતો રહે. આમ, તીર્થયાત્રા શબ્દનો અર્થવૈભવ ખૂબ જ સુંદર અને મુમુક્ષુના મનને પ્રસન્ન કરી મૂકે એવો છે.
યાત્રા એક એવી અદ્ભુત ચીજ છે કે એની તોલે પ્રવાસ કે સહેલગાહ શબ્દોથી ઊભી થતી અર્થસૃષ્ટિ કોઇ પણ રીતે આવી શકે નહીં. યાત્રા આત્માને આનંદિત બનાવવાનું ઉચ્ચ સાધન છે, જ્યારે પ્રવાસ કે સહેલગાહ તો માત્ર શરીર અને મનને બહેલાવનારા તુચ્છ સાધન છે.
જૈનશાસનમાં તીર્થોનું અને યાત્રાનું મહત્ત્વ ખૂબ ખૂબ આંકવામાં આવ્યું છે. રોજ ધર્મ ન કરી શકનારો વર્ગ અવારનવાર વિશિષ્ટ ધર્મારાધના કરવા ઉલ્લાસિત બને, એ માટે જેમ પર્યુષણાદિ પર્વોનું આયોજન છે, એમ ઘરમાં રહીને રોજ આરંભ-સમારંભથી જે નિવૃત્તિ મેળવી શકતો ન હોય, એ અવારનવાર િનવૃત્તિ મેળવવા સફળ બની શકે એ માટે તીર્થોનું સ્થાપન અનાદિ કાળથી થતું આવ્યું છે.
ઘર અને ગામમાં રહેલા માનવીની આસપાસ અનેક જાતની જંજાળો અને મૂંઝવણો હોય એ સહજ છે.
તીર્થના પવિત્ર વાતાવરણમાં પગ મૂકતાની સાથે જ આનો અંત આવી શકે છે અને આરંભ-સમારંભથી મુક્ત બની શકાય છે. આથી જ તીર્થનું તારક આલંબન ખૂબ જરૂરી અને ઉપકારી બની જાય છે.
તીર્થયાત્રા આરંભતી વખતે જો સજોડે તીર્થ કરતા હોય તો પત્નીનો પહેલો પગ આગળ રાખવો અને તેને આગળ કરવી. તીર્થયાત્રા કરતી વખતે મનમાં સહેજ પણ લોભ કે ક્રોધ રાખવા નહીં. નહીં યાત્રા વ્યર્થ ગણાશે. પવિત્ર જળાશયો તથા નાનાં-મોટાં મંદિરોમાં બને ત્યાં સુધી ખાલી હાથે જવું નહીં અર્થાત્ ત્યાં થોડું દાન-પુણ્ય કરવું.
તીર્થયાત્રાના આમ તો અનેક ફળો-લાભો છે, પણ મુખ્ય ફળો રૂપે તીર્થયાત્રાના જે લાભ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યા છે એનું જ્ઞાન પ્રત્યેક યાત્રિકે મેળવી જ લેવું જોઇએ. તો જ થોડેઘણે અંશે પણ યાત્રાના ફળનો સ્વાદ માણી શકાય. યાત્રાના એ અનેકમાંના ૧૧ લાખેણા લાભના નામ એક શ્લોકમાં નીચે મુજબ વર્ણવવામાં આવ્યા છે.
૧. અારંભની નિવૃત્તિ, ૨. ધનની સફળતા, ૩. સંઘનું વાત્સલ્ય, ૪. દર્શનની નિર્મળતા, ૫. સ્નેહી-સ્વજનનું હિત, ૬. મંદિરોનાં જિર્ણોદ્ધારનું સુકૃત, ૭. શાસનની ઉન્નતિ, ૮. જિનાજ્ઞાનું પાલન, ૯. તીર્થંકર નામકર્મનું ઉપાર્જન, ૧૦. મોક્ષની નિકટતા, ૧૧. સુરનર પદની પ્રાપ્તિ.
આ બધાં તીર્થયાત્રાનાં મુખ્ય ફળો છે. આવી ફળ પ્રાપ્તિ જો કે ‘૬’રી પાલક યાત્રિક જ સાચા અર્થમાં કરી શકે છે, તો પણ બીજી રીતેય યાત્રા કરનારો જો આવાં ફળના થોડા ઘણા સ્વાદને ચાખવા પ્રયત્ન કરે, તો એમાં સફળતા મળવી સાવ અસંભવિત નથી.•

You might also like