મનાવરમાં હિંસા ભડકીઃ ચાર દુકાનમાં આગચંપીથી નવને ઈજા

મનાવર: ધાર જિલ્લાના મનાવરમાં ગઈકાલે બજરંગ દળની શૌર્ય યાત્રા બાદ સર્જાયેલા વિવાદથી હિંસા ભડકી હતી. જેમાં બે જૂથ સામસામે આવી જતાં ભારે પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ હતી. જેમાં ચાર દુકાનમાં આગચંપી થતાં નાસભાગમાં નવ લોકોને ઈજા થઈ હતી.

આ ઘટનામાં બેકાબૂ બનેલા ટોળાઅે બસ અને બાઈકોની તોડફોડ કર્યા બાદ તેમાં પણ આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં બાકાનેર ચોકીના પ્રભારી અને ધરમપુરી ટીઆઈ સહિત ૯ લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. આ બનાવ બાદ શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ વણસતાં ઈન્દોર, વાકાનેર, ધરમપુરી,ધારથી પોલીસની ટીમ બોલાવવી પડી હતી. પથ્થરમારામાં બાકાનેર ચોકીના પ્રભારી જ્યોતિ પટેલ, ધરમપુરીના ટી.આઈ. સાહુ સહિતના પોલીસ કર્મચારી અને અન્ય લોકોને ઈજા થઈ હતી.

આ ઘટના બાદ મોડી સાંજે ટોળાંઅે ટાયરના અેક શો રૂમમાં આગ લગાવી હતી. જોકે મનાવરમાં ફાયરબ્રિગેડની અેક જ ટીમ હોવાથી આગને કાબૂમાં લેવા ધરમપુરીથી અેક ટીમ બોલાવવામા આવી હતી. આ ઘટનાથી સ્કૂલે ગયેલા બાળકોને લેવા વાલીઓઅે દોડધામ કરી હતી. જેમાં અેક ખાનગી સ્કૂલના બાળકો ફસાઈ જતા તેમને સાંજે ૭-૧૫ કલાકે પોલીસની સુરક્ષા સાથે તેમના ઘેર લઈ જવાયા હતા. અેસ.પી. રાજેશ હિંગણકર રજા પર હોવાથી બડવાણીના અેસપી બહુગુણા અને ખરગોનના અેસપી અમિતસિંહને મનાવર મોકલવામાં આવ્યા હતા. તેઓ મનાવર પહોંચતાં જ અેકત્ર થયેલા ટોળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like