ઇશરત જહાં કેસમાં આરોપી રહેલા પીપી પાંડેએ છોડ્યું DGP નું પદ

નવી દિલ્હી: ઇશરત જહાં કેસમાં આરોપી રહેલા ગુજરાતના કાર્યકારી ડીજીપી પીપી પાંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત સરકારે એમને 30 એપ્રિલ સુધી એક્સટેન્શન આપતાં આ પદ સોંપ્યું હતું, પરંતુ પૂર્વ IPS અધિકારી જૂલિયો રિબેરોએ એની વિરુદ્ધ સુપ્રીમમાં અરદી દાખલ કરી હતી. સોમવારે આ બાબતની સુનવણી દરમિયાન પદ છોડવા માટે પાંડેના પ્રસ્તાવને માનતા કોર્ટે એમને પદમુક્ત કરવાનો આદેશ આપ્યો.

ગુજરાત કેડરના 1980 બેચના ઇન્ચાર્જ DGP પી પી પાંડેયને ગત એપ્રિલ મહિનામાં તત્કાલિન ડીજીપી પી.સી. ઠાકુરને હટાવીને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતાં. પી.પી. પાંડેયને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવતા આઇપીએસ અધિકારી જુલિયો રિબેરોએ ગુજરાત હાઇકોર્ટમાં પી.પી. પાંડેયને હટાવવા માટે પિટિશન કરી હતી. પરંતુ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં તેમને માત્ર ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા હોવાનો જવાબ રજૂ કર્યો હતો. પી.પી. પાંડેય ગત ફેબ્રુઆરી મહિનામાં વય મર્યાદાના કારણે નિવૃત થવાના હતાં પરંતુ સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેંશ આપ્યું હતું, જે આગામી એપ્રિલ મહિનામાં પૂર્ણ થાય છે.

સુપ્રિમ કોર્ટના આજના આદેશના કારણે ગુજરાત સરકાર વિમાસણમાં મુકાઇ ગઇ છે અને નવા ડીજીપીની શોધ શરુ કરી છે. પી.પી. પાંડેયના બેચમેટ હોમગાર્ડના ડીજીપી એચ.પી.સિંગ પણ 31 માર્ચે વય મર્યાદાના કારણે નિવૃત થયા છે.

હવે સૌથી સિનિયર આઇપીએસ અધિકારી તરીકે 1982 બેચના અધિકારી ગીથા જૌહરી આવે છે, પરંતુ તેમને ડીજીપી નહીં બનાવવા માટે જ ગુજરાત સરકારે પી પી પાંડેયને ત્રણ મહિનાનું એક્સટેંશન આપ્યું હતું. પરંતુ હવે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે નવેમ્બર મહિનામાં નિવૃત થઇ રહેલા પોલીસ આવાસ નિગમના ડીજી ગીથા જૌહરીને ડીજીપી બનાવવા પડે તેવી શક્યતા છે.

હોમ ગાર્ડના ડીજીની જગ્યા પણ ખાલી પડી હોવાથી ગુજરાત સરકાર ગીથા જૌહરીને હોમગાર્ડના ડીજી બનાવીને 1983 બેચના એડીજી શિવાનંદ ઝા ને પણ નવેમ્બર મહિના સુધી ઇન્ચાર્જ ડીજી બનાવી શકે છે.

You might also like