માંગલિક કાર્યોનાં દ્વાર ખોલતી દેવઊઠી એકાદશી

દેવઊઠી એકાદશી કારતક સુદ અગિયારશનું નામ છે. આ દિવસે પાતાળલોકમાં સૂતેલા ભગવાન વિષ્ણુ ઊઠે છે. તેથી માંગલિક કાર્યો શરૂ કરી શકાય છે. માંગલિક કાર્યો ભગવાન વિષ્ણુની હાજરીમાં કરવાં તેવું શાસ્ત્રો કહે છે.

અષાઢ સુદ અગિયારશનું નામ દેવપોઢી એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે. તેથી માંગલિક કાર્યો કરી શકાતાં નથી. અમુક કાર્ય અમુકની હાજરીમાં કરવાથી તેનું ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. જો તમે દેવઊઠી એકાદશીથી ભગવાન વિષ્ણુ ઊઠ્યા પછી વિવાહ, લગ્ન વગેરે જેવાં કાર્યો કરો તો તેનું બહુ શ્રેષ્ઠ પરિણામ મળે છે.

દશમને દિવસે બપોર પછી કાંઇ જમવું નહીં. અગિયારશે સવારે વહેલાં ઊઠી પ્રાતઃકર્મો પતાવી દેવસેવા, વિષ્ણુસેવા કરી લેવાં. ભગવાન આગળ એકાદશી કરવાનો સંકલ્પ લેવો. તેમની સમક્ષ ધૂપ દીપ કરી એક પાઠ વિષ્ણુસહસ્રના નામનો કરવો. તેમનાં ષોડ્શોપચારે પૂજન કરવાં. ધૂપ, દીપ, આરતી કરવાં. તે પછી નજીકના પીપળે જવું. એક લોટામાં જળ ભરી તેમાં પુષ્પ, ચંદન, અક્ષત્ પધરાવવા. તે લઇ પીપળે જવું. ત્યાં આગળ પીપળાને સાક્ષાત્ વિષ્ણુનું સ્વરૂપ માની તે જળ સહિત ૐ નમો ભગવતે વાસુદેવાયના જપ સહિત ત્રણ, પાંચ, સાત પ્રદક્ષિણા કરવી શક્ય હોય તો ત્યાં દીપ પ્રગટાવી વિષ્ણુસહસ્રનો પાઠ કરવો. તે પછી ઘેર આવવું. ઘર કામ કરવાં. બપોરે માત્ર ફળાહાર કરવો. સાંજે ભગવાનનું પૂજન કરી વિષ્ણુસહસ્રનો પાઠ કરવો. રાત્રે બહુ ભૂખ લાગે તો થોડું દૂધ પીવું. અનાજ ખાવું જ નહીં. મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું. તે પછી ભૂમિશયન કે કંબલશયન કરવું. બારશ કે તેરશના પ્રદોષ ટાણે ભૂદેવને સીધું આપી જમવા બેસવું. આ થઇ અગિયારશ કરવાની સાચી રીત. અગિયારશ આવી રીતે કરવાથી સંપૂર્ણ ફળ આપે છે.

•શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like