ભક્તોને ભક્તિની સાથે રિમઝિમ વરસાદમાં ભીંજાવાનો લહાવો મળશે

અમદાવાદ: શહેરની અસ્મિતા તરીકે લેખાતી ભગવાન જગન્નાથની ૧૪૧મી ઐતિહાસિક રથયાત્રા આવતી કાલે સવારે સાત વાગ્યે જમાલપુરના જગન્નાથજી મંદિરેથી પરંપરાગત રીતે દબદબાભેર નીકળશે. બડે ભૈયા બલરામજી અને બહેન સુભદ્રાની સાથે પ્રજાનાં સુખ-દુઃખ જાણવા નગરચર્યાએ નીકળનારા ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન વરસાદનાં અમી છાંટણાંની દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ઉત્કંઠાભેર રાહ જોતા હોય છે, જ્યારે આ વર્ષે શહેરમાં અગાઉથી ઝરમરિયો વરસાદી માહોલ જામ્યો હોઈ પ્રભુને મેઘરાજા હરખભેર વધાવે તેવી શક્યતા છે.

ગઈ કાલે શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જોકે ક્યાંક વરસાદનાં ભારે ઝાપટાં પણ પડ્યાં હતાં. ચાલુ ચોમાસાની સિઝનમાં શહેરમાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં ચાર ઈંચ, મધ્ય ઝોનમાં ત્રણ ઈંચ, નવા પશ્ચિમ ઝોનમાં સવા બે ઈંચ અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો બે ઈંચ વરસાદ પડ્યો છે.

દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા અમદાવાદમાં આવતી તા. ૧૯ જુલાઈ સુધી હળવાં વરસાદી ઝાપટાં સહિત ઝરમરિયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જ્યારે રાજ્યના અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૭ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.

You might also like