અાતંકવાદી હુમલાની દહેશત ફગાવી શિવભક્તો મંદિરોમાં ઊમટી પડ્યા

અમદાવાદ: શિવરાત્રિના મહાપર્વ પર ગુજરાતમાં આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા છે ત્યારે આવા આતંકી હુમલાનો ભય હોવા છતાં આજે શિવરાત્રિના પર્વ પર હજારોની સંખ્યામાં ભકતો વહેલી સવારથી જ શિવમંદિરોમાં ઊમટી પડ્યા હતા. વહેલી સવારથી જ શહેરના શિવમંદિરોમાં મહાદેવના દર્શન માટે તેમજ અભિષેક માટે લાંબી લાઇનો લાગી હતી.

બીજી તરફ આતંકી હુમલાના ઇનપુટના પગલે શહેર પોલીસ સવારે ૬-૦૦ વાગ્યાથી જ સ્ટેન્ડ ટુ રખાઇ છે. મોટા ભાગના ‌શિવમંદિરોની બહાર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ શહેરના મહત્ત્વના મં‌દિરો, સ્થળો અને રસ્તાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દ્વારા ભારતના રાષ્ટ્રીય સ્તરના સલાહકાર અજીત ડોભાલને પત્ર લખી ગુજરાતના દરિયાઇ માર્ગે ૧૦ આતંકવાદી ઘૂસ્યા હોવાના ઇનપુટ અપાયા હતા. જેના પગલે શનિવાર સાંજથી જ ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયું હતું.

મહત્ત્વના અને ભીડભાડવાળા સ્થળોએ લશ્કર અને જૈશ-એ-મોહંમદના આતંકીઓ હુમલાે કરી શકે છે તેવા ઇનપુટના પગલે પોલીસ એલર્ટ બની ગઇ છે. શિવરાત્રિનું મહાપર્વ હોઇ સોમનાથ મંદિરમાં લાખોની સંખ્યામાં ભકતો ઊમટી પડતા હોય છે.

જેના પગલે સોમનાથમાં સુરક્ષા વધારી દેવાઇ છે અને એનએસજીની એક ટીમ સોમનાથ અને ત્રણ ટીમ અમદાવાદમાં સ્ટેન્ડ ટુ રખાઇ છે. આતંકી હુમલાના ઇનપુટ્સના પગલે ગઇ કાલે શહેર પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજી શિવરાત્રિના પર્વ પર સતર્ક રહેવા સૂચના આપી હતી. સવારે ૬-૦૦ વાગ્યાથી જ સ્ટેન્ડ ટુના આદેશ અપાતા પોલીસ દ્વારા મહત્ત્વના મોટા મંદિરો બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બીજી તરફ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ દ્વારા પણ શહેરમાં ચેકિંગ હાથ ધરાયું છે. ગુજરાત એટીએસ દ્વારા ૧૦ આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલને પગલે ગુપ્ત રાહે ઓપરેશન શરૂ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટીએસ દ્વારા વિદેશથી આવતા ઇ-મેઇલ, કોલ પર તેમજ ગુજરાત આ આતંકવાદીઓ કયા સ્થળે છુપાયા છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

You might also like