શહેરના વિકાસ કામો પાછળ આ વર્ષે ૭૦૦ કરોડ વધુ વપરાયાઃ ભાજપ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦૧૪-૧૫ કરતા આ વર્ષમાં વિવિધ હેડ હેઠળ જે બજેટ ફાળવ્યુ હતુ.તેમાં રેવન્યૂ અને કેપિટલ ક્ષેત્રે ૭૦૦ કરોડનો વધુ ખર્ચ થયો છે. તેમ પ્રવિણ પટેલે જણાવ્યું હતુ.  વિપક્ષ દ્રારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૫-૧૬ માટે ફાળવાયેલા બજેટની રકમ પુરી વપરાઈ નથી તેવા આક્ષેપના જવાબમાં જણાવ્યું હતુ કે વિપક્ષને માત્ર વિરોધ કરવા સિવાય વિકાસકામો દેખાતા નથી. ગત વર્ષે મ્યુ. કોર્પોરેશન દ્વારા એપ્રિલથી નવેમ્બર દરમિયાન રેવન્યુ ક્ષેત્રે ૧૨૬૫ કરોડ વપરાયા હતા. જે આ વર્ષે આ સમયમાં જ ૧૫૭૨ કરોડ વપરાયા છે. જ્યારે કેપિટલ ક્ષેત્રે ગત વર્ષે ૧૦૩૫ કરોડ વપરાયા હતા જે આ વખતે ૧૪૩૮ કરોડ વપરાયા છે. આમ બંને ક્ષેત્રે અનુક્રમે ૩૦૫ અને ૪૦૩ કરોડ વધુ વપરાયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત હાઉસિંગ ક્ષેત્રે બે યોજનામાં ગત વર્ષે એકમાં ૧૫ કરોડ વપરાયા હતા તેમાં આ વખતે ૯૦ કરોડ અને બીજી યોજનામાં ૫૩ કરોડ સામે આ વખતે ૧૫૫ કરોડનો વપરાશ થયો છે. પાણી ક્ષેત્રે ગત વર્ષે ૪૩ કરોડના વપરાશ સામે આ વખતે ૭૬ કરોડની રકમ વપરાઈ છે. જ્યારે ડ્રેનેજ ક્ષેત્રે ગત સાલ ૪૪ કરોડનો વપરાશ થયો હતો તે આ વખતે વધીને ૯૬ કરોડ થયો છે. શહેરીજનોને સારા રોડ અને રસ્તાની સુવિધા પૂરી પાડવા ગત વર્ષે ૨૧ કરોડ વપરાયા હતા. તેમાં આ વખતે ૩૧ કરોડની રકમ વપરાઈ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવા માટે ગત વર્ષે ૪.૮૭ કરોડની રકમ વપરાઈ હતી. તેમાં આ વખતે વધારો થઈને કુલ સાત કરોડ જેટલી રકમ વપરાઈ ચુકી છે. તેવો દાવો પ્રવિણ પટેલે કર્યો હતો.

You might also like