ડિટેઈન કરેલા બાઈકને છોડાવવા ટોળું પોલીસચોકીમાં ઘૂસી ગયું

અમદાવાદ: લો ગાર્ડન પાસે રવિવારે રાત્રે પોલીસે ડિટેઇન કરેલા બાઇકને છોડાવવા માટે રપ માણસોનું ટોળું નવરંગપુરા પોલીસચોકીમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ મચાવી હતી. નવરંગપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચાર જેટલા યુવકને ઝડપી લીધા હતા અને અન્ય લોકો નાસી ગયા હતા. પોલીસે ટોળાની વિરુદ્ધમાં રાયોટિંગ અને તોડફોડનો ગુનો નોંધી તેમને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

લો ગાર્ડન વિસ્તારમાં રવિવારે રજા હોઇ લોકો પરિવાર સાથે ત્યાં ફરવા માટે આવતા હોય છે. લો ગાર્ડન પાસે કેટલાંક અસામાજિક તત્ત્વો બાઇક પર બેસી મહિલાઓ અને છોકરીઓની મશ્કરીઓ કરતાં હોય છે. દરમિયાનમાં ગઇ કાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. એચ. મિસ્ત્રી ફૂટ પેટ્રોલિંગમાં નળ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કેટલાક ઇસમ તેમનાં બાઇક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરીને બેઠા હતા.

પોલીસે બાઇક સાઇડ પર પાર્ક કરીને બેસવાનું જણાવતાં એક બાઇકચાલકે પોતાનું બાઇક સાઇડમાં પાર્ક કરવા ઇનકાર કર્યો હતો. પાછળના ભાગે નંબર પ્લેટ લગાવેલ ન હોઇ અને લાઇસન્સ માગતાં તેની પાસે લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહન ડિટેઇન કરી લો ગાર્ડન પોલીસચોકીએ મૂક્યું હતું.

ફૂટ પેટ્રોલિંગ કરી પોલીસકર્મીઓ ચોકીએ પરત ફર્યા ત્યારે બાઇકચાલક રપ જેટલા લોકોને સાથે લઇ લો ગાર્ડન પોલીસચોકીએ આવ્યો હતો. બાઇક ડિટેઇન કેમ કરી છે તેમ કહી પોલીસ કર્મચારીઓ પાસેથી બાઇકની ચાવી ખૂંચવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચાવી આપવાનો ઇનકાર કરતાં ટોળાએ ચોકીમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.

આથી પોલીસે નવરંગપુરા પોલીસ સ્ટેશને જાણ કરતાં નવરંગપુરા પોલીસનો સ્ટાફ લો ગાર્ડન પોલીસચોકી પર ધસી આવ્યો હતો. પોલીસે અતિફ મહંમદ શેખ, આકીબઅલી અન્સારી, શોકીબઅલી અન્સારી, રફીક શેખ (તમામ રહે. નૂરભાઇ ધોબીની ચાલી, ગોમતીપુર)ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર યુવકોને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

You might also like