દોઢ મહિનાથી નાસતો ફરતો ખંડણીખોર દીપુ પકડાયો

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં દોઢ મહિના પહેલાં એક દિવ્યાંગ વેપારી પાસે પાંચ લાખની ખંડણી માગી કરાયેલી લૂંટ અને મારામારીના કેસમાં સંડોવાયેલા માસ્ટરમાઇન્ડ દીપક ઉર્ફે દીપુ જય માતાજીની સરદારનગર પોલીસે ધરપકડ કરી છે.

રૂપિયાની લેતીદેતીના મામલે દોઢેક મહિના પહેલાં નરોડા વિસ્તારમાં રહેતા અને કપડાંના વેપારી અનિલભાઇ ખુબાણી પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગીને દીપક ઉર્ફે દીપુ મોહનદાસ ચેતનાની (રહે. નીલકંઠ સોસાયટી, આઇટીઆઇ રોડ, કુબેરનગર) અને તેની સાથે રહેલાં કેટલાંક અસામા‌િજક તત્ત્વોએ લાકડીઓ વડે હુમલો કરીને સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. અનિલ ખુબાણી એક પગે દિવ્યાંગ હોવાના કારણે દીપુ અને તેના સાગરીતોએ તેમને અત્યંત નિર્દયતાપૂર્વક લાકડીઓના ફટકા માર્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને અનિલ ખુબાણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ધરપકડથી બચવા માટે દીપુએ આગોતરા જામીનઅરજી ફાઇલ કરી હતી. દીપુએ મૂકેલી આગોતરા જામીનઅરજી રદ થતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. વીરાણીએ જણાવ્યું છે કે દોઢ મહિના પહેલાં અનિલ ખુબાણી પર થયેલા હુમલામાં દીપુએ કોર્ટમાં આગોતરા જામીનઅરજી ફાઇલ કરી હતી. કોર્ટે આગોતરા જામીનઅરજી રદ કરતાં ગઇ કાલે દીપુની ધરપકડ કરવામાં આવી છે.

You might also like