મચ્છરોનો ઉપદ્રવ છતાં અનેક સોસાયટીમાં ફોગિંગ કરાતું જ નથી

અમદાવાદ: ચાલુ ચોમાસાના વરસાદમાં પચાસ ટકા ઘટ પડવા છતાં પણ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મ્યુનિસિપલ મેલેરિયા વિભાગ પાછળ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાય છે તેમજ હવે તો તમામ ઝોનમાં સ્વતંત્ર એન્ટોમોલોજિસ્ટ ફરજ બજાવે છે.

તેમ છતાં તંત્ર મચ્છરજન્ય રોગચાળાને નાથવામાં નિષ્ફળ નિવડ્યું છે તો તેનું મુખ્ય કારણ ફક્ત કાગળ પર કરાતી આભાસી કામગીરી છે. તંત્ર દ્વારા પૂરેપૂરી સોસાયટીમાં ફોગિંગ કરાતું નથી, પરંતુ ફોગિંગ મશીન સોસાયટી વિસ્તારમાં અડધે સુધી જઈને પરત ફરતા હોવા જેવી ફરિયાદ ખુદ શાસક ભાજપ પક્ષને છે.

તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચરાની ગાડીઓ જે તે સોસાયટીની અંદર સુધી જતી નથી. જેના કારણે અનેક સોસાયટીઓમાં કચરાના ઢગલે ઢગલા થતા હોવાની મ્યુનિસિપલ ભાજપના એક ટોચના હોદ્દેદારે ફરિયાદ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, જોકે ફક્ત કચરાની ગાડી જ નહીં, પરંતુ ફોગિંગ મશીનથી પણ આખી સોસાયટીને આવરી લે તે પ્રકારનું ફોગિંગ કરાતું નથી.

મ્યુનિ. હેલ્થ કમિટીમાં વિરાટનગરના કોર્પોરેટર મધુબહેન પંચાલ દ્વારા સોસાયટીઓમાં ફોગિંગ મશીન અડધે સુધી જતાં હોવાની ફરિયાદ કરાતાં પાલડીના કોર્પોરેટર ડો. સુજય મહેતાએ પણ તેમાં પોતાનો સૂર પુરાવ્યો હતો. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ જેવા રોગ પર નિયંત્રણ મૂકવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ તો ઠીક, ખુદ હેલ્થ કમિટીના ચેરમેન પરેશ પટેલ મેલેરિયા વિભાગના અધિકારીઓ પણ વિફર્યા હતા. ઈન્ટ્રો રે‌િસડ્યુઅલ સ્પ્રે (આઈઆરએસ)ની કામગીરી સામે તેમણે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

મેલેરિયા વિભાગ દ્વારા મેમ્ના સાઈનોટ્રી નામના પાઉડરને પાણીમાં ભેળવીને તેનો ઘરની દીવાલ પર પમ્પ મારફતે છંટકાવ કરાય છે. આઈઆરએસ તરીકે ઓળખાતી આ કામગીરીને વ્યવસ્થિત રીતે કરવાની પરેશ પટેલે મેલેરિયા વિભાગને તાકીદ કરી હતી.

You might also like